'આ તો કલંક કહેવાય, સૌની સામે નીચાજોણું થયું...', રામ મંદિર દાન ચોરી મુદ્દે નૃપેન્દ્ર મિશ્રા દુઃખી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nripendra Misra On Ram Mandir Donation Row: અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી મામલે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રાએ આકરી પ્રતિક્રિયા આપી છે. શુક્રવારે મીડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, 'આ એક "કલંક" છે. લાંબા સમય સુધી ચાલેલા રામ મંદિર આંદોલન બાદ ભગવાન રામલલા પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. તેવામાં મંદિર સાથે જોડાયેલી આ પ્રકારની ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને આનાથી અમે સૌ નાનમ અનુભવી રહ્યા છીએ.'
શ્રદ્ધાળુઓનો વિશ્વાસ સર્વોપરી
નૃપેન્દ્ર મિશ્રાએ આગળ કહ્યું કે, 'ટ્રસ્ટે આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી છે અને મંદિરની વ્યવસ્થાઓને વધુ મજબૂત તેમજ પારદર્શક બનાવવામાં આવશે. તેમણે ખાતરી આપી હતી કે, ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે વહીવટી સ્તરે જરૂરી સુધારા કરવામાં આવશે. શ્રદ્ધાળુઓનો વિશ્વાસ સર્વોપરી છે અને તેને જાળવી રાખવો એ ટ્રસ્ટની સૌથી મોટી જવાબદારી છે.'
રામ મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)ની નિમણૂક માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ યોગ્ય ઉમેદવારોના નામો પર વિચારણા કરશે, ત્યારબાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આખરી નિર્ણય લેશે. નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, મંદિરની ગરિમા, પારદર્શિતા અને સુચારુ વહીવટ સુનિશ્ચિત કરવા માટે દરેક જરૂરી પગલાં ભરવામાં આવશે.
હાલમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ 22 જુલાઈ બાદ રામ મંદિરની વ્યવસ્થાઓમાં વ્યાપક ફેરફારો લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે. પ્રસ્તાવિત ફેરફારોમાં દર્શન વ્યવસ્થા, પૂજા-પદ્ધતિ, રાગ-ભોગ, દાન મેનેજમેન્ટ, સુરક્ષા, ભીડ નિયંત્રણ અને શ્રદ્ધાળુઓની સુવિધાઓમાં સુધારો સામેલ છે. ટ્રસ્ટ નવી વ્યવસ્થાઓને વધુ પારદર્શક, વ્યવસ્થિત અને શ્રદ્ધાળુ-અનુકૂળ બનાવવા માટે સંતો અને રામાનંદીય પરંપરાના વિદ્વાનોના સૂચનો લઈ રહ્યું છે.
22 જુલાઈના રોજ પ્રસ્તાવિત ટ્રસ્ટની બેઠકમાં મોટા નિર્ણયો લઈ શકાય છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે 22 જુલાઈના રોજ પ્રસ્તાવિત ટ્રસ્ટની બેઠકમાં નવી વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી શકે છે. આ બેઠકમાં ટ્રસ્ટના નવા મહાસચિવ અને ખાલી પડેલી બેઠકો પર નવા સભ્યોની પસંદગી અંગે પણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. ટ્રસ્ટનો ઉદ્દેશ્ય દર્શન વ્યવસ્થાને વધુ સુગમ, દાન મેનેજમેન્ટને વધુ પારદર્શક અને વહીવટી વ્યવસ્થાને વધુ જવાબદારીપૂર્વકની બનાવવાનો છે.
સુરક્ષા વ્યવસ્થા, ભીડ મેનેજમેન્ટ અને સેવા પ્રણાલીમાં પણ સુધારાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરીએ સંકેત આપ્યા છે કે, સંત સમાજના સૂચનોના આધારે વ્યવસ્થાઓને વધુ સારી બનાવવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદના સંરક્ષક દિનેશ ચંદ્રએ નિર્મોહી અખાડાના મહંત અને ટ્રસ્ટી દિનેન્દ્ર દાસ પાસેથી પૂજા-પદ્ધતિ અંગે વિગતવાર સૂચનો લીધા હતા. મહંત દિનેન્દ્ર દાસે રામ મંદિરમાં રામાનંદીય પરંપરાને અનુરૂપ શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂજા વ્યવસ્થા લાગુ કરવા પર ભાર મૂક્યો છે.









