'આ કિલ્લો હિન્દુઓનો છે, મુસ્લિમ નોટ એલાઉડ...', મહારાષ્ટ્રમાં લગાવેલા પોસ્ટરથી વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sinhagad Fort Controversy : મહારાષ્ટ્રના પ્રખ્યાત અને ઐતિહાસિક પર્યટન સ્થળ સિંહગઢ કિલ્લા (Sinhagad Fort) પર કોમી સૌહાર્દ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મંગળવારે સવારે કેટલાક અસામાજિક તત્વોએ કિલ્લાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે એક વિવાદાસ્પદ પોસ્ટર લગાવી દીધું હતું, જેમાં લખ્યું હતું કે 'આ કિલ્લો હિંદુઓનો છે અને અહીં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ છે.' આ ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું અને રાજ્યના વન વિભાગે આ વિવાદાસ્પદ પોસ્ટરને ત્યાંથી હટાવી દીધું હતું.
અંધારાનો લાભ ઉઠાવી કાવતરું ઘડાયું: વન વિભાગ
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે વહેલી સવારે પાર્કિંગની બિલકુલ બાજુમાં આવેલા કિલ્લાના પ્રવેશદ્વાર પર એક જૂના લોખંડના બોર્ડ પર આ પોસ્ટર ચોંટાડેલું જોવા મળ્યું હતું. આશંકા છે કે કોઈ અજ્ઞાત વ્યક્તિ વહેલી સવારે અંધારાનો લાભ ઉઠાવીને પ્રિન્ટેડ પોસ્ટર ચોંટાડીને ભાગી ગઈ હતી. મરાઠી ભાષામાં લખાયેલા આ પોસ્ટરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. પોસ્ટરના અંતે 'આદેશાનુસાર' લખવામાં આવ્યું હતું, જેથી પ્રવાસીઓમાં ભ્રમ પેદા થાય કે આ કોઈ સત્તાવાર સરકારી આદેશ છે.
પોલીસ દ્વારા CCTV ફૂટેજની તપાસ શરૂ
પુણે ગ્રામીણ પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી, પરંતુ મામલાની સંવેદનશીલતાને જોતા પોલીસે પોતે જ તપાસ હાથ ધરી છે. કિલ્લા તરફ જતા રસ્તાઓ અને પ્રવેશદ્વાર પર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ ખંગાળવામાં આવી રહ્યા છે, જેથી શંકાસ્પદોની ઓળખ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરી શકાય. ઉલ્લેખનીય છે કે, સિંહગઢ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજની ગૌરવશાળી ગાથા અને ઐતિહાસિક યુદ્ધ સાથે જોડાયેલો છે.









