'ભારતમાં બાંગ્લાદેશ-ફ્રાંસ જેવી હિંસા ફેલાવવાની યોજના હતી..', કેન્દ્રીય મંત્રીનો મોટો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kiren Rijiju Statement on Regime Change in India : ભારતમાં સત્તા પરિવર્તન માત્ર ચૂંટણી દ્વારા જ થઈ શકે છે, કોઈ વિદેશી તાકાતના માધ્યમથી નહીં, એવું કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું છે. બાંગ્લાદેશમાં થયેલી હિંસા અને ફ્રાન્સમાં થયેલાં તોફાનો, આગચંપી તથા લૂંટફાટનો ઉલ્લેખ કરીને તેમણે ભારતમાં પણ આવી સ્થિતિ સર્જવાનું કાવતરું રચાયું હોવાનો આક્ષેપ કર્યો છે. દુનિયાના અનેક દેશોમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે. ફ્રાન્સમાં મોટા પાયે આંદોલન દરમિયાન વિવિધ સ્થળોએ આગચંપી અને દુકાનોમાં લૂંટફાટની ઘટનાઓ બની છે. આ સ્થિતિનો ઉલ્લેખ કરીને રિજિજુએ એક્સ પરની પોસ્ટ દ્વારા ભારતમાં પ્રદર્શન કરનારાઓને નિશાન બનાવ્યા હતા.
ભારતમાં સત્તા પરિવર્તન શક્ય પરંતુ તે માત્ર ચૂંટણી દ્વારા
રિજિજુએ પોસ્ટમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં થયેલી હિંસા અને ફ્રાન્સમાં થયેલાં તોફાનો જેવી સ્થિતિ ભારતમાં સર્જવાનું કાવતરું ઘડાયું હતું. તેમના દાવા પ્રમાણે, ભારતવિરોધી જૂથો અને કેટલાક રાજકારણીઓએ સાથે મળીને યુવાનોને ઉશ્કેરવાની અને રસ્તાઓ પર હિંસા ફેલાવવાની યોજના બનાવી હતી. તેમણે કહ્યું કે ભારત ન તો બાંગ્લાદેશ છે કે ન તો ફ્રાન્સ. ભારતમાં સત્તા પરિવર્તન થઈ શકે છે, પરંતુ તે માત્ર ચૂંટણી દ્વારા જ શક્ય છે, જ્યોર્જ સોરોસના માધ્યમથી નહીં. આ પોસ્ટ સાથે રિજિજુએ એક વીડિયો પણ શેર કર્યો હતો. તેમાં નેહા બોરા દ્વારા બાંગ્લાદેશના યુવાનોનો આભાર વ્યક્ત કરાતી ક્લિપ, પ્રશાંત ભૂષણનું ‘રિજીમ ચેન્જ’ અંગેનું નિવેદન અને જુલાઈ-ઑગસ્ટ દરમિયાન થયેલાં પ્રદર્શનોનાં દૃશ્યો સામેલ છે.
અગાઉ પણ વિરોધીઓને નિશાન બનાવ્યા હતા
રિજિજુએ 15 ઑક્ટોબરે કરેલી પોસ્ટમાં કહ્યું હતું કે એક તરફ ‘દિમાગી નક્સલ’ છે અને બીજી તરફ દેશભક્ત ભારતીયો છે. તેમણે ભારતના બંધારણમાં વિશ્વાસ ધરાવતા લોકો અને અરાજકતાવાદીઓ વચ્ચે સંઘર્ષ હોવાની વાત પણ કરી હતી. તેમના મતે, ભારતવિરોધી તાકાતો અને દેશનું રક્ષણ કરવા માગતા દેશભક્તો વચ્ચે લડાઈ છે. ત્યારબાદ 17 ઑક્ટોબરે તેમણે ‘રિજીમ ચેન્જ’ની વાત કરનારાઓને નિશાન બનાવતાં લખ્યું હતું કે ભારત બાંગ્લાદેશ નથી. ભારતીય યુવાનો દેશનો નાશ કરવાને બદલે તેનું નિર્માણ કરશે, એવું તેમણે જણાવ્યું હતું. રમતગમતમાં ચંદ્રકો જીતવાથી લઈને કૌશલ્ય વિકાસ, નવીનતા, સ્ટાર્ટઅપ, ટેકનોલોજી અને સાંસ્કૃતિક ક્ષેત્ર સુધી ભારતીય યુવાનો આગળ વધી રહ્યા હોવાનું પણ તેમણે કહ્યું હતું.




