'દેશમાં હવે લોકશાહી રહી નથી', હૈદરાબાદમાં રાહુલ ગાંધીના નિવેદન સામે ભાજપનો વળતો પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi on democracy | તેલંગાણા સરકાર દ્વારા હૈદરાબાદમાં આયોજિત 'ભારત સમિટ 2026' ને સંબોધતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ભારત "હવે લોકશાહી રહ્યું નથી" અને 2014 માં સત્તામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતૃત્વ હેઠળની સરકારે લોકતાંત્રિક સંસ્થાઓને સુનિયોજિત રીતે નબળી પાડી છે.
2014 અને 2024ની ચૂંટણીમાં અનિયમિતતાનો આરોપ
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં દેશની રાજકીય વ્યવસ્થામાં પાયાનો બદલાવ આવ્યો છે. 2014 અને 2024 ની લોકસભા ચૂંટણીઓમાં અનિયમિતતાઓ થઈ હોવાનો આક્ષેપ કરતા તેમણે કહ્યું કે, "સમગ્ર વિશ્વના લોકતાંત્રિક આંદોલન માટે જરૂરી છે કે ભારત એક લોકશાહી બની રહે, પરંતુ અમે જે શોધ્યું અને સાબિત કર્યું છે તે એ છે કે ભારત ખરેખર હવે લોકશાહી નથી."
'વિપક્ષ એક દાયકા સુધી આઘાતમાં રહ્યો'
કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે 2014 ની લોકસભા ચૂંટણી એક મોટો વળાંક હતી, જ્યારે રાજકીય વ્યવસ્થામાં બેહિસાબ નાણાં ઠાલવવામાં આવ્યા અને ચૂંટણી પ્રચારની એકદમ નવી રીત સામે આવી. તેમણે કહ્યું કે, "જો હું એમ કહું કે વિપક્ષ આઘાતમાં નહોતો, તો તે જૂઠ હશે. અમે એક કે બે વર્ષ માટે નહીં, પરંતુ પૂરા એક દાયકા સુધી આઘાતમાં હતા." ત્યારબાદ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ વિવિધ રાજ્યોના ચૂંટણી પરિણામો અને મતદાર ડેટાની તપાસ શરૂ કરી, જેનાથી ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.
મહારાષ્ટ્ર ચૂંટણી અને 70 લાખ નવા મતદારોનો મુદ્દો
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ત્યાં લોકસભા ચૂંટણીમાં 'ઈન્ડિયા' ગઠબંધને વધુ બેઠકો જીતી હતી, પરંતુ માત્ર ત્રણ મહિના બાદ થયેલી વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. તેમણે આરોપ લગાવ્યો કે બંને ચૂંટણીઓ વચ્ચે અંદાજે 70 લાખ નવા મતદારો ઉમેરવામાં આવ્યા અને તે તમામ લોકોએ ભાજપને મત આપ્યો. તેમણે સવાલ ઉઠાવ્યો કે જો ચૂંટણી પંચ 14 કરોડ મતદારોને અમાન્ય જાહેર કરી દે, તો ચૂંટણી કાયદેસર કેવી રીતે હોઈ શકે? અન્ય રાજ્યોમાં પણ આવી જ વિસંગતતાઓ હોવાની આશંકા તેમણે વ્યક્ત કરી હતી.
'ફાસીવાદી' વલણ પર ટિપ્પણી અને આર્થિક અસમાનતા
કેટલાક પસંદગીના ઔદ્યોગિક જૂથો પાસે આર્થિક તકો સીમિત થઈ રહી હોવાની ટીકા કરતા રાહુલ ગાંધીએ રાજકીય સત્તા, આર્થિક પ્રભાવ અને જાહેર સંસ્થાઓ વચ્ચેના સંબંધો પર સવાલ ઉઠાવ્યા. દરેક સવાલનો જવાબ પોતાની પાસે હોવાનો દાવો કરનારા અને વૈકલ્પિક વિચારો સાંભળવાનો ઇનકાર કરનારા લોકોને 'ફાસીવાદી' ગણાવતા તેમણે કહ્યું કે રાજકારણ, વેપાર અને શિક્ષણ જગતમાં આવા લોકો હાજર છે. તેમણે ઉમેર્યું કે, "ઐતિહાસિક રીતે ફાસીવાદીઓ ત્યારે ઉભરી આવે છે જ્યારે વ્યવસ્થાઓ પડી ભાંગે છે, જ્યારે બધું બરાબર ચાલતું હોય ત્યારે તેઓ છુપાઈ જાય છે."
વિદેશી પ્રતિનિધિઓના વિઝા રદ થવા બદલ માફી
સમિટમાં સામેલ થવા માટે નક્કી કરાયેલા અનેક આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓની માફી માંગતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત સરકારે તેમને આવવાની મંજૂરી આપી નથી. તેમણે કહ્યું કે આ અમારી ભૂલ નથી, પરંતુ તેનાથી અંદાજ લગાવી શકાય છે કે અમે દેશમાં કેવા સંજોગોનો સામનો કરી રહ્યા છીએ. કોંગ્રેસના જણાવ્યા મુજબ આ સમિટમાં 70 દેશોના નિષ્ણાતો સામેલ થઈ રહ્યા છે. બીજી તરફ, કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે પણ આરોપ લગાવ્યો હતો કે વિદેશ મંત્રાલય દ્વારા મંજૂર કરાયેલા 315 માંથી 115 વક્તાઓને ભારતમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા અથવા તેમના વિઝા રદ કરી દેવામાં આવ્યા.
ભાજપનો વળતો પ્રહાર અને વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા
બીજી તરફ, ભાજપે આ સમિટમાં વિદેશી વક્તાઓની ભાગીદારીને લઈને કોંગ્રેસ પર તીખો હુમલો કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય મીડિયા સંયોજક આશિષ ઉષા અગ્રવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ઇક્વાડોરના પૂર્વ વિદેશ મંત્રી ગિલાઉમ લોંગને આમંત્રિત કરવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે લોંગ CEPR માં સિનિયર રિસર્ચ ફેલો છે, જેને 2021 માં જ્યોર્જ સોરોસ સમર્થિત 'ઓપન સોસાયટી પોલિસી સેન્ટર' તરફથી 4,20,000 ડોલરનું અનુદાન મળ્યું હતું. માર્ચ 2025 માં બેંગલુરુમાં ઓપન સોસાયટી ફાઉન્ડેશન પર ED ના દરોડાનો ઉલ્લેખ કરતા અગ્રવાલ, સુધાંશુ ત્રિવેદી અને પ્રદીપ ભંડારીએ કોંગ્રેસ પર 'ભારત વિરોધી એજન્ડા' ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. દરમિયાન, વિદેશ મંત્રાલયે વિઝા સંબંધિત આરોપોને ફગાવતા સ્પષ્ટ કર્યું છે કે વિઝા અંગેના નિર્ણયો સાર્વભૌમ બાબત છે અને સરકારના વિશેષાધિકાર હેઠળ આવે છે.




