દેશના પ્રથમ PM જવાહરલાલ નહેરુની પ્રતિમા ખંડિત કરી બંગાળના જંગલોમાં ફેંકી દેવાઈ, કોંગ્રેસ ભડકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

West Bengal and First PM Nehru Statue News : પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જિલ્લામાં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની પ્રતિમા ઉખાડીને જંગલમાં ફેંકી દેવાનો મામલો સામે આવતાં ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટનાને પગલે કોંગ્રેસે તીવ્ર રોષ વ્યક્ત કરીને પોલીસ ફરિયાદ નોંધાવી છે તથા દોષિતો સામે કડક કાર્યવાહી સાથે પ્રતિમાને પુનઃ સ્થાપિત કરવાની માગ કરી છે.
ક્રેન વડે પ્રતિમા ઉખાડી જંગલમાં ફેંકી
દુર્ગાપુરમાં આવેલા હર્ષવર્ધન પ્રાઇમરી સ્કૂલ નજીકના મેડિટેશન સેન્ટર સામે સ્થિત પંડિત નેહરુની પ્રતિમાને ક્રેન વડે ઉખાડીને પાસેના જંગલમાં ફેંકી દેવામાં આવી હતી. કોંગ્રેસે આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી આ કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરી છે.
દોષિતોની ધરપકડની માગ
પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શુભાંકર સરકારે આ ઘટના અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે વહીવટીતંત્ર પાસે માગ કરી છે કે આ અમાનવીય કૃત્ય કરનાર રાજકીય તત્વોની તરત જ ઓળખ કરી તેમની ધરપકડ કરવામાં આવે અને કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
ઇતિહાસ અને નેતાઓનું અપમાન સહન નહીં થાય
કોંગ્રેસ નેતૃત્વએ સ્પષ્ટ કર્યું છે કે રાજકીય મતભેદો હોઈ શકે છે, પરંતુ દેશના પ્રથમ વડાપ્રધાન અને સ્વતંત્રતા સંગ્રામના મહાન નેતાઓનું અપમાન કરવાનો અધિકાર કોઈને નથી. ઇતિહાસ ભૂંસવાનો પ્રયાસ કરનારા લોકો સામે કોંગ્રેસ લોકશાહી ઢબે મજબૂત વિરોધ નોંધાવશે.
મોટા આંદોલનનું અલ્ટીમેટમ
જિલ્લા કોંગ્રેસ કમિટીએ શાસન અને વહીવટીતંત્રને અલ્ટીમેટમ આપ્યું છે કે નેહરુજીની પ્રતિમાને સંપૂર્ણ સન્માન સાથે ફરી તેની મૂળ જગ્યાએ સ્થાપિત કરવામાં આવે. જો દોષિતો સામે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો કોંગ્રેસ રાજ્યવ્યાપી મોટું લોકશાહી આંદોલન શરૂ કરશે.




