India

'મારા માટે પદ મહત્ત્વનું નહોતું...': શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ધર્મેન્દ્ર પ્રધાને મૌન તોડ્યું!

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
ભુવનેશ્વરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ સંબલપુરના સાંસદ ધર્મેન્દ્ર પ્રધાને પ્રથમવાર પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું કે NEET પેપર લીક વિવાદમાં Gen Z ને ગુમરાહ કરાયા, તેથી 25 જુલાઈએ પદ છોડ્યું. પ્રધાને દિલ્હીના જંતર-મંતર પર થયેલા વિરોધ-પ્રદર્શનો વચ્ચે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું. તેમણે નવીન પટનાયક પર યુવાનોને ભડકાવવાનો આરોપ લગાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

'મારા માટે પદ મહત્ત્વનું નહોતું...': શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ધર્મેન્દ્ર પ્રધાને મૌન તોડ્યું!

Dharmendra Pradhan News : કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યાના આશરે બે અઠવાડિયા બાદ ભારતીય જનતા પાર્ટીના સીનિયર નેતા અને સંબલપુરના સાંસદ ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે જાહેર મંચ પરથી પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી છે. ભુવનેશ્વર સ્થિત GM યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધિત કરતી વખતે તેમણે જણાવ્યું હતું કે, NEET પેપર લીક વિવાદ દરમિયાન કેટલાક લોકો દ્વારા Gen Z (નવી પેઢીના યુવાનો) ને ગુમરાહ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમણે પદ છોડવાનો નિર્ણય લીધો હતો.

દિલ્હીના જંતર-મંતર પર થયેલા ભારે વિરોધ-પ્રદર્શનો વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને 25 જુલાઈ 2026 ના રોજ મંત્રી પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું હતું. તેમણે ઉમેર્યું કે, "Gen Z આપણા જ બાળકો છે. કેટલાક લોકોએ તેમને ભટકાવવાનો પ્રયાસ કર્યો. આમાં મારો કોઈ વ્યક્તિગત સ્વાર્થ નહોતો. ભારતમાં દર વર્ષે આશરે બે કરોડ બાળકો જન્મે છે અને વિતેલા 10 વર્ષમાં 20 કરોડ બાળકો જન્મ્યા છે. આ યુવાનો ભારતને 'વિશ્વ ગુરુ' બનાવશે. મારા માટે શિક્ષણ મંત્રીનું પદ ક્યારેય મહત્વનું નહોતું." તેમણે જાતે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંપર્ક કરીને રાજીનામાની રજૂઆત કરી હોવાનું પણ સ્પષ્ટ કર્યું હતું.

ઓડિશામાં BJD અને નવીન પટનાયક પર તીખા પ્રહારો

રાયરાખોલ ખાતે આયોજિત અન્ય એક કાર્યક્રમમાં ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી અને BJD ના અધ્યક્ષ નવીન પટનાયક પર આકરા પ્રહારો કર્યા હતા. એરપોર્ટ નજીક BJD ની યુવા અને વિદ્યાર્થી પાંખ દ્વારા કરવામાં આવેલા 'ધર્મેન્દ્ર પ્રધાન વાપસ જાઓ' ના નારા અને વિરોધ પ્રદર્શનો અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, "હું એક ખેડૂતનો પુત્ર છું. તમે મને પાછા જવાનું કહેશો તો પણ હું પાછો આવીશ."

તેમણે નવીન પટનાયક પર યુવાનોને તેમની સામે ભડકાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, "નવીન બાબુ મને ઓડિશાના લોકો માટે શરમજનક અને ખરાબ માણસ ગણાવે છે. પરંતુ શું મેં ક્યારેય એવું કોઈ કામ કર્યું છે જેનાથી ઓડિશાના લોકોએ શરમાવવું પડે?" આ સવાલ પર ઉપસ્થિત જનમેદનીએ 'ના' કહીને તેમને સમર્થન આપ્યું હતું. પ્રધાને ઉમેર્યું હતું કે, તેઓ રાજ્ય માટે સન્માન ન લાવી શકે તો કંઈ નહીં, પરંતુ ક્યારેય રાજ્યની પ્રતિષ્ઠા ખરડાય તેવું કામ કરશે નહીં.

BJD વિધાયકની હાજરીમાં જ આપ્યું નિવેદન

રસપ્રદ વાત એ છે કે ધર્મેન્દ્ર પ્રધાને BJD વિરૂદ્ધ આ નિવેદનો આપ્યા ત્યારે તે જ મંચ પર BJD ના વિધાયક અને ઓડિશા વિધાનસભાના ઉપ-નેતા પ્રસન્ન આચાર્ય પણ ઉપસ્થિત હતા. પ્રધાને જણાવ્યું કે, BJD ના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેમણે કાર્યક્રમમાં આવતા પહેલા પ્રસન્ન આચાર્યની સલાહ લીધી હતી અને તેમણે જ તેમને અહીં આવવાનું આમંત્રણ આપીને સ્વાગતની ખાતરી આપી હતી. પ્રધાને સ્પષ્ટ કર્યું કે તેઓ 12 વર્ષ પહેલા ભગવાન જગન્નાથ અને મા સમલેશ્વરીના આશીર્વાદથી કેન્દ્રીય મંત્રી બન્યા હતા અને હંમેશા ઓડિશાના વિકાસ માટે કટિબદ્ધ રહેશે.