Get The App

મોંહેજોદડોની મૂર્તિ ડાન્સિંગ ગર્લને ૯મા ધોરણના પુસ્તકમાં કપડાં પહેરાવાયા!

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
મોંહેજોદડોની મૂર્તિ ડાન્સિંગ ગર્લને ૯મા ધોરણના પુસ્તકમાં કપડાં પહેરાવાયા! 1 - image

- એનસીઈઆરટીએ સાંસ્કૃતિક મૂર્તિને પુસ્તકમાં ઢાંકી દેતાં વિવાદ

- દેશભરમાં ભારે હોબાળો થતા અંતે એનસીઇઆરટીએ પાઠયપુસ્તકોમાં ડાન્સિંગ ગર્લની મૂળ તસવીર યથાવત્ રાખશે 

નવી દિલ્હી : મોંહેજોદડોની એક પ્રાચીન તાંબાની મૂર્તિ ડાન્સિંગ ગર્લના ચિત્રને ઢાંકીને પાઠય પુસ્તકમાં સમાવ્યું હોવાથી વિવાદ થયો છે. વર્ષોથી પાઠય પુસ્તકોમાં સ્થાન પામતી આ મૂર્તિને અચાનક નવા પુસ્તકમાં કવર કરીને મૂકાઈ છે. એ પાછળ ૯મા ધોરણના બાળકોને અનાવૃત્ત મૂર્તિ બતાવવી ન જોઈએ એવો વિચિત્ર તર્ક રજૂ થઈ રહ્યો છે. આર્ટવર્ક સાથે આ રીતે છેડછાડ થઈ તે મુદ્દે એનસીઈઆરટીએ ટીકાનો સામનો કરવો પડયો છે.

મોંહેજોદડો સંસ્કૃતિની લગભગ ૪૬૦૦ વર્ષ જૂની એક તાંબાની મૂર્તિ ૧૯૨૬માં મળી આવી હતી. તે ખાસ ટેકનિકથી બની હતી. ૧૦.૫ સેન્ટિમીટરની આ મૂર્તિ દેશના ઈતિહાસમાં મહત્ત્વની હોવાથી વર્ષોથી પાઠય પુસ્તકોમાં સામેલ થાય છે. ૧૯૨૬માં એક અંગ્રેજ અધિકારીને આ મૂર્તિ મળી આવી હતી. મૂર્તિ અનાવૃત્ત છે અને નૃત્યની મુદ્રામાં હોવાથી તેનું નામ ડાન્સિંગ ગર્લ રાખવામાં આવ્યું હતું. આ ડાન્સિંગ ગર્લ દેશના પાઠય પુસ્તકોમાં છેક છઠ્ઠા ધોરણથી નવમા ધોરણ સુધી અલગ અલગ સમયે સમાવવામાં આવી હતી અને કેટલીય જનરેશનના સ્ટૂડન્ટ્સ તેના વિશે જાણી ચૂક્યા છે. 

હવે આ મૂર્તિને લઈને નવો વિવાદ જાગ્યો છે. એનસીઈઆરટીએ નવી શિક્ષણ નીતિ અંતર્ગત નવમા ધોરણના પ્રથમ પાઠય પુસ્તક મધુરિમામાં તેનો સમાવેશ કર્યો છે, પરંતુ એના ચિત્રને કપડાં પહેરાવ્યા હોય એમ એનું આખું ધડ ઢાંકી દેવાયું છે. તેમાં નગ્નતા છુપાવવાનો ઈરાદો હતો. ખાસ તો ૯મા ધોરણના બાળકો માટે ઉંમરને અનુરૂપ નથી એવી દલીલ રજૂ કરીને પુસ્તકમાં આ ફેરફાર કરાયો હતો. તેની સામે વિરોધ ઉઠયો છે. એનસીઈઆરટીના પાઠયપુસ્તક વિકાસ સમિતિના વડા રહેલા માઈકલ ડેનિનોએ કહ્યું હતું કે તેમને ૯મા ધોરણ માટે આ ચિત્ર ઉંમરને અનુરૂપ નથી એવું લાગ્યું ન હતું, પરંતુ બીજા સભ્યોએ એવું વિચાર્યું હોવાથી આ નિર્ણય લેવાયો હતો. દેશભરમાં ભારે હોબાળો થતા અંતે એનસીઇઆરટીએ પાઠયપુસ્તકોમાં ડાન્સિંગ ગર્લની મૂળ તસવીર યથાવત્ રાખશે.