ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Petrol Diesel News: ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધને કારણે હોર્મૂઝની ખાડી બંધ હોવાથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના સપ્લાયમાં મોટો ઘટાડો થતાં સંકટની ઘડી સર્જાઈ છે ત્યારે કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય કરતાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી 10-10 રૂપિયા ઘટાડી દીધી છે. પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 10 રૂપિયા ઘટાડીને 3 રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી શૂન્ય કરી દેવામાં આવી છે.
શું હવે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે?
તેનો અર્થ એ છે કે હવે પેટ્રોલ અને ડીઝલ 10 રૂપિયા સસ્તા થઇ શકે છે. જોકે રાજ્ય સરકારનો વેટ લાગુ રહેશે. પહેલા પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 13 રુપિયા હતી અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી 10 રૂપિયા પ્રતિ લીટર હતી. જોકે હવે આ એક્સાઈઝ ડ્યુટી ઘટવાથી રાહત મળી શકે છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે છે. જોકે આ નિર્ણય હવે ઓઈલ કંપનીઓએ કરવાનો રહેશે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસરને કારણે વૈશ્વિક તેલ બજારમાં આવેલા તોતિંગ ઉછાળા વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો મોટો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયના પીપીએસી (PPAC) ના તાજેતરના આંકડા મુજબ, ફેબ્રુઆરી 2026 માં ભારતીય બાસ્કેટના ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત 69.01 ડોલર પ્રતિ બેરલ હતી, જે 24 માર્ચ સુધીમાં વધીને 123.15 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. એટલે કે માત્ર એક મહિનામાં આશરે 78% નો જંગી વધારો નોંધાયો છે. કાચા તેલના ભાવમાં થયેલા આ અસહ્ય વધારાએ તેલ કંપનીઓ પર પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવ વધારવા માટે દબાણ વધાર્યું હતું. પરંતુ સામાન્ય જનતા પર સીધો બોજ નાખવાને બદલે, સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મૂકીને રાહત આપવાનો માર્ગ પસંદ કર્યો છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો 70 ડોલરથી વધીને 120 ડોલરને પાર પહોંચી ગઈ છે, જેના કારણે વિશ્વના અનેક ભાગોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 20% થી 50% સુધીનો વધારો થયો છે. દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં કિંમતોમાં લગભગ 30%-50%, ઉત્તર અમેરિકાના દેશોમાં 30%, યુરોપમાં 20% અને આફ્રિકાના દેશોમાં 50% સુધીનો વધારો જોવા મળ્યો છે.








