Get The App

ગેસના બાટલાની બબાલ પૂરી થશે, પ્રજાને હાશકારો અને કાળાબજારિયાઓ પર તવાઈ

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
ગેસના બાટલાની બબાલ પૂરી થશે, પ્રજાને હાશકારો અને કાળાબજારિયાઓ પર તવાઈ 1 - image

- ભારતના ટેન્કર શિવાલિક અને નંદા દેવી 92,700 ટન એલપીજી સાથે બે દિવસમાં ગુજરાતના બંદરો પર પહોંચશે

- કાળાબજારિયા પર તવાઈ : યુપીમાં 1483 સ્થળો પર દરોડા, 24 એફઆઈઆર, દેશભરમાં 1500થી વધુ સિલિન્ડર જપ્ત

- દેશમાં લોકોએ એલપીજીની અછતની અફવાઓથી ગભરાઈને કરેલા બૂકિંગ 88 લાખે પહોંચ્યા

- એલપીજીનું ઉત્પાદન 30 ટકા વધારાયું કમર્શિયલ બાટલાનું વેચાણ ફરી શરૂ

LPG Gas News : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે 15 દિવસથી ચાલતા યુદ્ધની અસર ભારતમાં નાગરિકોને થઈ રહી છે. દેશમાં એલપીજીનો પર્યાપ્ત જથ્થો હોવાના કેન્દ્ર સરકારના દાવાઓ છતાં લોકોએ રાંધણ ગેસની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં સરકારે કમર્શિયલ એલપીજીનું વેચાણ પણ બંધ કરી દીધું હતું. જોકે, હવે પેટ્રોલિયમ મંત્રાલયે શનિવારે કહ્યું કે, દેશના 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરનું વેચાણ ફરી શરૂ કરી દેવાયું છે. બીજીબાજુ હોર્મુઝની ખાડીમાંથી પસાર થયેલા ભારતના બે એલપીજી ટેન્કર સોમવારે અને મંગળવારે ગુજરાતના બંદરો પર પહોંચી જશે. આ સાથે દેશમાં એલપીજી સંકટ પૂરું થવાની શક્યતા છે.

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધ અને હોર્મુઝની ખાડીની આજુબાજુ પેદા થયેલી અનિશ્ચિતતા વચ્ચે ભારતને રાહતના સમાચાર મળ્યા છે. ઈરાન સાથે થયેલી વાતચીત પછી અંદાજે 92000 ટન એલપીજી લઈને ભારતના બે ટેન્કરો શિવાલિક અને નંદાદેવીએ હોર્મુઝની ખાડી પાર કરી દીધી છે અને હવે તે બે દિવસમાં ભારત પહોંચી જશે. સૂત્રોએ જણાવ્યું કે, શિવાલિક ટેન્કર સોમવારે મુંદ્રા અને નંદા દેવી ટેન્કર મંગળવારે કંડલા બંદરે પહોંચી જશે. આ સાથે ભારતની એલપીજી કટોકટી ખતમ થવાની આશા વ્યક્ત થઈ રહી છે.

શિપિંગ મંત્રાલયે કહ્યું કે, હોર્મુઝની ખાડીમાં ભારતીય ઝંડાવાળા 22 જહાજ ફાયેલા છે. આ જહાજોમાં 611 ભારતીય નાવિક કામ કરી રહ્યા છે અને બધા જ સુરક્ષિત છે. બે એલપીજી ટેન્કરોએ હોર્મુઝની ખાડી પાર કર્યા પછી હવે આ ટેન્કરોના પસાર થવાની રાહ જોવાઈ રહી છે.બીજીબાજુ દેશમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરની અછત પણ દૂર થવાની સંભાવના છે. પેટ્રોલિયમ મંત્રાલયે શનિવારે કહ્યું કે, દેશના ૨૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કમર્શિયલ એલપીજીનું વેચાણ શરૂ કરી દેવાયું છે. સરકારી ઓઈલ રિફાઈનરી કંપનીઓએ પણ એલપીજીનું ઉત્પાદન ૩૦ ટકા વધારી દીધું છે. વધુમાં કમર્શિયલ એલપીજીના સપ્લાયમાં મુશ્કેલી હોય ત્યાં હોટેલ-રેસ્ટોરાંને પીએનજી કનેક્શન આપવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. તમિલનાડુ સરકારે હોટેલ, રેસ્ટોરાં અને ચાની દૂકાનો માટે કમર્શિયલ એલપીજીના બદલે વીજળીથી ચાલતા ઈન્ડક્શન ચૂલાના વપરાશમાં વીજળી પર પ્રતિ યુનિટ રૂ. 2ની સબસિડી જાહેર કરી છે. 

પેટ્રોલિયમ મંત્રાલયે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની કોઈ શક્યતા નથી. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયનાં સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે, ઘરેલુ વપરાશ માટે રસોઈ ગેસનો પર્યાપ્ત ભંડાર ઉપલબ્ધ હોવા છતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ કારણે બૂકિંગ સતત વધી રહી છે. સામાન્ય દિવસોમાં ઘરેલુ એલપીજીના બૂકિંગ લગભગ 55 લાખ થતા હતા, જે વધીને 75 લાખ થયા હતા અને શનિવારે બૂકિંગ વધીને 88 લાખ સુધી પહોંચી ગયા છે. સરકારે ગ્રાહકોને માત્ર જરૂર હોય તો જ સિલિન્ડર બૂક કરવા આગ્રહ કર્યો છે.

દરમિયાન દેશમાં એલપીજીની અછતની અફવાઓ વચ્ચે સરકારે કાળાબજારિયા સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. ઉત્તર પ્રદેશમાં 1483 સ્થળો પર દરોડા પાડીને 24 એફઆઈઆર નોંધાવાઈ છે તથા છ લોકોની ધરપકડ કરાઈ હતી. બીજીબાજુ છત્તીસગઢમાં ફૂડ ડિપાર્ટમેન્ટ અને જિલ્લા તંત્રે 102 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને 741 એલપીજી સિલિન્ડર જપ્ત કરાયા હતા. કર્ણાટકમાં ફૂડ અને સિવિલ સપ્લાય વિભાગે ગેરકાયદે રીતે કમર્શિયલ હેતુ માટે ઉપયોગમાં લેવાનારા 316 ઘરેલુ એલપીજી સિલિન્ડર જપ્ત કર્યા હતા.