| (IMAGE - IANS) |
Thalapathy Vijay Political Journey: સાઉથ સિનેમાના સુપર સ્ટાર થલાપતિ વિજયે કરોડો ફેન્સના દિલો પર રાજ કર્યા બાદ હવે રાજનીતિમાં ઝંપલાવ્યું છે. અભિનયમાંથી વિરામ લઈને તેમણે 'તમિલગા વેત્રિ કઝગમ' (TVK) નામના રાજકીય પક્ષની સ્થાપના કરીને રાજકારણમાં ઝંપલાવ્યું છે. ફેબ્રુઆરી 2024માં લોકસભા ચૂંટણી પહેલા તેમણે સત્તાવાર રીતે પાર્ટીના નામની જાહેરાત કરી હતી. જોકે, તેમણે લોકસભા ચૂંટણી લડવાને બદલે 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને તેના માટે અભિનય છોડવાનો મોટો નિર્ણય પણ લીધો હતો.
વિક્રવંડી રેલી અને કરૂરનો ગંભીર અકસ્માત
થલાપતિ વિજયે 27 ઓક્ટોબર, 2024ના રોજ વિલ્લુપુરમના વિક્રવંડીમાં પોતાની પ્રથમ ભવ્ય રેલી યોજીને રાજકીય તાકાત બતાવી હતી. જોકે, 27 સપ્ટેમ્બર, 2025ના રોજ કરૂરમાં આયોજિત રેલીમાં ક્ષમતા કરતા વધુ ભીડ ઉમટી પડતા નાસભાગ મચી ગઈ હતી, જેમાં કેટલાક લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ વિજયે મૃતકોના પરિવારોને 20-20 લાખ અને ઈજાગ્રસ્તોને 2-2 લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી. આ મામલાની તપાસ CBIને સોંપવામાં આવી હતી, જેમાં વિજયની પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ અકસ્માત બાદ તેમણે સુરક્ષા વ્યવસ્થા પ્રત્યે વધુ ગંભીરતા દાખવી હતી.
પરિવાર સાથેનો વિવાદ અને રાજકીય મતભેદ
રાજકીય કારકિર્દી શરૂ કરતા પહેલા વિજય પોતાના પિતા એસ.એ. ચંદ્રશેખર સાથેના વિવાદને કારણે ચર્ચામાં રહ્યા હતા. તેમના પિતાએ વિજયના નામે એક રાજકીય પક્ષની રચના કરી હતી, જેનો વિજયે સખત વિરોધ કર્યો હતો. તેમણે પોતાના માતા-પિતા સહિત 11 લોકો સામે સિવિલ કેસ પણ દાખલ કર્યો હતો. વિજયે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પિતાની રાજકીય મહત્વકાંક્ષાઓનો ભાગ બનવા માંગતા નથી અને કોઈને પણ તેમના નામનો ઉપયોગ રાજકીય હેતુ માટે કરવાની મંજૂરી આપશે નહીં.
આ પણ વાંચો: LIVE : આસામમાં ભાજપને બહુમતી, તમિલનાડુમાં ઉલટફેર, બંગાળમાં મમતા દીદીનું ટેન્શન વધ્યું, કેરલમમાં કોંગ્રેસ+ માટે ગુડ ન્યૂઝ
છેલ્લી ફિલ્મ 'જન નાયકન' અને રિલીઝ વિવાદ
થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ 'જન નાયકન' હોવાનું કહેવાય છે. આ ફિલ્મ સેન્સર બોર્ડના વિવાદોમાં ફસાયા બાદ 9 એપ્રિલ 2026ના રોજ ઓનલાઇન લીક થઈ ગઈ હતી, જેનો ફિલ્મ ઉદ્યોગે ભારે વિરોધ કર્યો હતો. અનેક અવરોધો બાદ હવે આ ફિલ્મ 8 મે, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વિજયે પોતાની આ છેલ્લી ફિલ્મ દ્વારા સિનેમાને વિદાય આપીને હવે સંપૂર્ણપણે લોકસેવા અને રાજનીતિમાં ઝંપલાવ્યું છે.


