આતંકીઓ પોર્ન વેબસાઇટથી એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હોવાનો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા આતંકવાદીઓ સામે આક્રામક કાર્યવાહી ચાલી રહી છે. આતંકવાદીઓ વચ્ચેની વાતચીત પર સઘન નજર રાખવામાં આવી રહી છે. એવામાં હવે આતંકવાદીઓએ એકબીજાની સાથે વાતચીત માટે નવો રસ્તો શોધી કાઢ્યો છે. આતંકવાદીઓ વાતચીત માટે પોર્ન વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યા હોવાના અહેવાલો સુરક્ષા એજન્સીઓ સુધી પહોંચ્યા છે.
રવિવારે સુરક્ષાદળોના વરીષ્ઠ અધિકારીઓએ આતંકવાદીઓ દ્વારા વાતચીત માટે ઉપયોગી અનક્રિપ્ટેડ એપ્લિકેશનના ઉપયોગનો ખુલાસો કર્યો હતો. આતંકવાદીઓ અને તેમના આકાઓ વચ્ચે વાતચીત શરૂ છે, આ માટે તેઓ પોર્ન વેબસાઇટ્સ અને અનક્રિપ્ટેડ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. અત્યાર સુધી વાતચીત માટે જે પણ સોશિયલ મીડિયા કે એપ્લિકેશનનોનો ઉપયોગ થઇ રહ્યો હતો ત્યાં સુરક્ષાદળો ચાંપતી નજર રાખવા લાગ્યા છે. જેને પગલે આતંકીઓ બચવા માટે હવે પોર્ન વેબસાઇટ પર રિયલ ટાઇમ ચેટ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે.
આતંકીઓ આ નવા શોધી કાઢેલા વાતચીતના ટૂલથી જમ્મુ કાશ્મીરમાં પોતાના કેડરને આદેશ આપવાનું કામ કરી રહ્યા છે. જોકે આતંકીઓ જે ટૂલ્સ કે એડલ્ટ વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યા છે તેમાંથી મોટાભાગના પર ભારતમાં પ્રતિબંધ છે. આતંકવાદીઓ વીપીએન દ્વારા ગેરકાયદે તેની એપીકે ફાઇલ ડાઉનલોડ કરીને ઉપયોગ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા આ નેટવર્કને ટ્રેક કરવા માટે સુરક્ષા એજન્સીઓ અનેક વિશેષ ડિજિટલ પ્લેટફોર્મ પર નજર રાખી રહી છે. આતંકીઓ કોટેક્સ, કોનિયન જેવી મેસેજિંગ એપ્સનો પણ ઉપયોગ કરી રહ્યા છે.
આતંકવાદીઓએ હાલ વોટ્સએપ, સિગ્નલ અને ફેસબુક મેસેજિંગ એપ્લિકેશનોનો ઉપયોગ લગભગ બંધ કરી દીધો છે અને એવી એપ્લિકેશનનોનો ઉપયોગ કરી રહ્યા છે કે જેમાં તેમને ટ્રેક કરવા મુશ્કેલ હોય.




