Get The App

AI ટેક્નોલોજી બેધારી તલવાર સમાન છે, તેનો દુરુપયોગ માનવતા માટે ખતરો બનશે : ડેમિસ

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
AI ટેક્નોલોજી બેધારી તલવાર સમાન છે, તેનો દુરુપયોગ માનવતા માટે ખતરો બનશે : ડેમિસ 1 - image

AI Threat News : દેશની રાજધાનીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઈમ્પેક્ટ સમિટ ચાલી રહી છે તેમા ગૂગલના ડીપમાઇન્ડના સીઇઓ ડેમિસ હસાબિસે એઆઈ ટેકનોલોજીને બેધારી તલવાર ગણાવી હતી. તેનો સૂદુપયોગ માનવજાત માટે જ્ઞાનની ક્રાંતિ લાવશે અને દૂરુપયોગ માનવજાતને મોટી હાનિ પહોંચાડશે. વર્તમાન દાયકાના અંત સુધીમાં આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ (એજીઆઈ) હકીકત બનશે તેમ કહ્યુ હતું. 

તેમણે જણાવ્યું હતું કે માનવ જગત આજે નવી જ ટેકનોલોજીકલ ક્રાંતિના આરે આવીને ઊભું છે. આજે માનવીઓ પાસે એકદમ સ્વતંત્ર, રચનાત્મક જનરલ ઇન્ટેલિજન્સ ધરાવતા ટૂલ્સ ઉપલબ્ધ થવા લાગ્યા છે. આ ટેકનોલોજીકલ પ્રગતિ એટલી ઝડપથી થઈ રહી છે કે દાયકાના અંત સુધીમાં આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ(એજીઆઈ)નું પ્રભાત ઉગતુ દેખાશે. 

તેઓ એઆઈ સમિટ્સમાં પ્રવર્તતી જબરદસ્ત ઉર્જાથી પ્રભાવિત થયા હતા. તેમણે યુવાનોને એઆઈ ટૂલ્સના ઉપયોગ કરીને તેની ધાર વધુ કસવા આહવાન કર્યુ હતું. વિશ્વના સૌથી વધુ વસ્તીવાળા અને યુવાન દેશ એવા ભારતના યુવાનો માટે એઆઈ મોટી તક બની આવ્યું છે એમ તેમણે જણાવ્યું હતું. 

એઆઈ એજીઆઇના વિકાસનું પ્રભાત ઉગાડશે

તેમણે ઉમેર્યુ હતું કે આજે એઆઈ ફાઉન્ડેશન મોડેલથી આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ (એજીઆઈ) તરફ આગળ વધી રહ્યું છે. એજીઆઈમાં તર્કબદ્ધતા, આયોજનશક્તિ, શીખવાની ક્ષમતા, લવચીકતા અને માનવ જેવી સાતત્યતા હશે. તાજેતરની ટેકનોલોજીકલ પ્રગતિના કારણે એઆઈ વધુ એડવાન્સ બન્યું છે. તેમણે સ્વીકાર્યુ હતું કે એજીઆઈનું પ્રભાત હજી ઉગવાને આઠેક વર્ષની વાર છે, હજી કમસેકમ દાયકાનો અંત આવશે ત્યારે એજીઆઈ ક્ષિતિજ પર દેખાશે.  

એજીઆઇના વિકાસ માટે હાઇબ્રિડ અભિગમ અપનાવવો પડશે

તેમનું માનવું છે કે એજીઆઈના વિકાસ માટે હાઇબ્રિડ અભિગમ અપનાવવો પડશે. તેમા જબરદસ્ત જાણકારી ધરાવતા ફાઉન્ડેશન મોડેલની સાથે શીખવાની ક્ષમતા ધરાવતા પ્લાનિંગ અને રીઝનિંગ ક્ષમતાવાળા મોડેલ્સ પણ જરુરી હશે. મારા માનવા મુજબ જેમિની જેવા ફાઉન્ડેશન મોડેલ્સ અલ્ટીમેટ એજીઆઈ સોલ્યુશનનો મહત્ત્વનો હિસ્સો બની શકે છે.તેની સાથે તેમણે એઆઈને લઈેને આંતરરાષ્ટ્રીય સહયોગ મજબૂત કરવા પર અને સાઇબર એટેકરો કરતાં ડિફેન્ડરો વધારે મજબૂત હોવા પર ભાર મૂક્યો હતો. 

એઆઇના વર્તમાન મોડેલોમાં સાતત્યતાનો અભાવ

એઆઈના વર્તમાન ફાઉન્ડશન મોડેલોમાં વિવિધ કાર્યોને લઈને સાતત્યતાનો અભાવ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કેટલીક સિસ્ટમ્સ અત્યંત જટિલ મુશ્કેલીઓ ઉકેલી કાઢે છે. જ્યારે બીજી કેટલીક સિસ્ટમ્સ પ્રાથમિક કક્ષાના ગણિતના સવાલોનો જવાબ આપવામાં પણ નિષ્ફળ જાય છે. આ બતાવે છે કે હજી કેટલીક વૃદ્ધિ જરુરી છે.

રોબોટિક્સમાં એઆઈ વૃદ્ધિની નવી તકો સર્જશે 

 આગામી વર્ષોમાં રોબોટિક્સ ક્ષેત્રમાં એઆઈનો વધુને વધુ ઉપયોગ જોવા મળી શકે છે. તેના કારણે આગામી ત્રણેક વર્ષમાં તો જેમિની જેવા એઆઈ મોડેલ્સ રોબોટ બોડીમાં ફિટ કરીને તેને વધારે કાર્યક્ષમ બનાવી શકાશે. તેની સાથે રોબોટિક્સનો ઉપયોગ વધુને વધુ જટિલ કામોમાં કરવાના દરવાજા પણ ખૂલશે, એમ તેમણે જણાવ્યું હતું. 

વિજ્ઞાન માટે નવી ક્ષિતિજો ઉઘાડશે

એઆઈ વિજ્ઞાન માટે નવી ક્ષિતિજો ઉઘાડનારુ પુરવાર થશે. તેના કારણે જ્ઞાનનો એવો પ્રવાહ વહેશે જેની કલ્પના પણ નહીં કરવામાં આવી હોય. આમ એઆઈના લીધે આગામી 10 વર્ષ વિજ્ઞાન માટે જાણે સુવર્ણયુગ સમાન હશે. આલ્ફા ટૂલ્સ જેવા અકલ્પનીય ટૂલ્સનો ઉપયોગ કરીને સંશોધનો અને વૈજ્ઞાનિક શોધોની ઝડપમાં નોંધપાત્ર વધારો કરી શકાશે.