India

બેંગલુરુની જેલમાં બળાત્કારી, આતંકી મોબાઇલ-ટીવીની મજા માણતા ઝડપાયા

By GS TEAM
10 Nov 20252 mins read
બેંગલુરુની જેલમાં બળાત્કારી, આતંકી મોબાઇલ-ટીવીની મજા માણતા ઝડપાયા

કર્ણાટકની જેલમાં કેદીઓને વીઆઇપી સુવિધાના વીડિયો વાયરલ

વીઆઇપી સુવિધા મેળવનાર ઉમેશ રેડ્ડી 20 મહિલા પર રેપ, હત્યાનો દોષિત, શકીલ પર આઇએસમાં ભરતીનો આરોપ

બેંગલુરુ: કર્ણાટકની બેંગલુરુ જેલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પરપ્પના અગ્રહારા જેલમાં ખુંખાર કેદીઓને વીઆઇપી સુવિધા મળી રહી છે, કેટલાક કેદીઓ મોબાઇલનો ઉપયોગ કરતા તો કેટલાક ટીવી જોતા જોવા મળ્યા હતા. આ કેદીઓમાં કુખ્યાત સીરિયલ રેપિસ્ટ અને હત્યારો ઉમેશ રેડ્ડી, આઇએસમાં ભરતી કરવાનો આરોપી ઝુહાદ હામિદ શકીલનો પણ સમાવેશ થાય છે. 

ઉમેશ રેડ્ડી પર ૨૦થી વધુ મહિલાઓ પર બળાત્કાર અને હત્યાનો આરોપ હતો જેમાં તેને દોષિત ઠેરવીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. બાદમાં સુપ્રીમ કોર્ટે તેની સજાને ૩૦ વર્ષની કેદીમાં ફેરવી નાખી હતી. જોકે જેલમાં જાણે આ અપરાધીને વીઆઇપી ટ્રીટમેન્ટ મળી રહી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉમેશ રેડ્ડી ખુલ્લેઆમ મોબાઇલનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. તેની પાસે બે એન્ડ્રોઇડ ફોન જ્યારે એક કીપેડ ફોન હોવાનું જાણવા મળ્યું છે. અન્ય એક વીડિયોમાં આઇએસનો આતંકી ઝુહાદ શકીલ જોવા મળી રહ્યો છે. શકીલ આરામથી મોબાઇલ પર વાત કરતો જોવા મળ્યો હતો. જોકે આ વીડિયો કેટલુ જુનો છે તેને લઇને કોઇ જ સ્પષ્ટતા કરવામાં નથી આવી રહી, એક વીડિયોમાં તો કેદીઓ મોબાઇલ પર વાત કરવાની સાથે ટીવીનો પણ આનંદ લેતા જોવા મળ્યા હતા. આ તમામ વીડિયો અન્ય કોઇ કેદી દ્વારા ઉતારવામાં આવ્યા હોવાની શંકા છે. જે વાયરલ થયા બાદ જેલ પ્રશાસન અચાનક જાગ્યું હતું અને તપાસના આદેશ આપ્યા હતા.