ઈથેનોલ મુદ્દે આંદોલન પહેલા જ તહેસીન પૂનાવાલાનું ઇન્સ્ટાગ્રામ ID સસ્પેન્ડ! આવતીકાલે કરવાના હતા 'કાર રેલી'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tehseen Poonawalla Instagram Suspended : દેશમાં E20 પેટ્રોલનો વિવાદ વધુ તેજ બન્યો છે. સરકારની E20 પોલિસીનો વિરોધ કરી રહેલા સામાજિક કાર્યકર્તા અને ઉદ્યોગપતિ તહેસીન પૂનાવાલાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. 31 જુલાઈએ દિલ્હીમાં E20 વિરુદ્ધ 'ગાડી માર્ચ' કાઢવાની જાહેરાત બાદ જ આ કાર્યવાહી થતાં અનેક સવાલો ઊભા થયા છે. પૂનાવાલાના સમર્થકો આને આંદોલન દબાવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે. જોકે, ઇન્સ્ટાગ્રામ તરફથી એકાઉન્ટ સસ્પેન્ડ કરવાનું કોઈ સત્તાવાર કારણ આપવામાં આવ્યું નથી.
પૂનાવાલાએ એક્સ પર શું કહ્યું?
તહેસીન પૂનાવાલાએ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું, 'મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ સરકાર હવે ઇન્સ્ટાગ્રામથી પણ ડરે છે. જે લોકો મને ઓળખે છે તે જાણે છે કે હું એક સભ્ય માણસ છું. હું હંમેશા તથ્યો અને તર્કોના આધારે વાત કરું છું અને ક્યારેય અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો નથી.'
શા માટે યોજાવાની હતી માર્ચ?
તહેસીને તાજેતરમાં E20 પેટ્રોલના વિરોધમાં અનેક વીડિયો શેર કર્યા હતા. તેમણે 31 જુલાઈએ ઈન્ડિયા ગેટથી પાર્લામેન્ટ સ્ટ્રીટ સુધી 'ગાડી માર્ચ'માં લોકોને જોડાવા અપીલ કરી હતી. આ માર્ચનો હેતુ સરકારને E20 પેટ્રોલ ફરજિયાત બનાવવાના નિર્ણય પર ફેરવિચાર કરવા અને સામાન્ય લોકોને રેગ્યુલર પેટ્રોલનો વિકલ્પ પૂરો પાડવા માંગ કરવાનો હતો.
'E20 જનતા પાર્ટી' કેમ્પેઈનની ચર્ચા
E20 વિરુદ્ધનું આ અભિયાન હવે સોશિયલ મીડિયા પર 'E20 જનતા પાર્ટી' નામથી ચાલી રહ્યું છે, જે કોઈ નોંધાયેલું સંગઠન નથી પરંતુ લોકોનો અવાજ હોવાનો દાવો કરે છે. તેને તાજેતરમાં નીટ પેપર લીક મુદ્દે સક્રિય થયેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) સાથે પણ સરખાવવામાં આવી રહ્યું છે. આવા જ નામ ધરાવતું એક અન્ય એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરાયું હોવાના અહેવાલ છે.
ટ્રાન્સપોર્ટ સંગઠનો પણ વિરોધમાં
દિલ્હીના કેટલાક ટ્રાન્સપોર્ટ ઍસોસિએશનોએ પણ E20 વિરુદ્ધ સંસદ માર્ચની જાહેરાત કરી છે. તેમનો દાવો છે કે આ ઇંધણથી માઇલેજ ઘટે છે અને જૂના વાહનોના એન્જિનને નુકસાન થાય છે. આ લોકો માગ કરી રહ્યા છે કે ગ્રાહકો પર આ નિર્ણય થોપવાને બદલે તેમને સામાન્ય પેટ્રોલનો વિકલ્પ પણ મળવો જોઈએ.
સરકારનો બચાવ
બીજી તરફ, કેન્દ્ર સરકારનું કહેવું છે કે E20 (20% ઈથેનોલ અને 80% પેટ્રોલનું મિશ્રણ)થી દેશની ક્રૂડ ઓઇલની આયાત ઘટશે, ખેડૂતોની આવક વધશે અને પ્રદૂષણ ઓછું થશે. સરકારે હાલ સ્પષ્ટ કર્યું છે કે 20% થી વધુ ઈથેનોલ ભેળવવાની તેમની કોઈ યોજના નથી.









