Explainer: અનામત નહીં, સામાજિક સન્માન જોઈએ! SC કેટેગરીમાંથી મુક્તિ માટે તમિલનાડુના સમાજની અનોખી લડત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Self-Respect Over Subsidies: ભારત એક તરફ 'વિકસિત ભારત' બનવાના સ્વપ્ન તરફ આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ દેશના સામાજિક માળખામાં એક મોટો વિરોધાભાસ જોવા મળે છે. આજે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતનો લાભ મેળવવા અનેક સમાજ વચ્ચે પોતાને 'પછાત' સાબિત કરવાની હોડ જામી છે. ગુજરાતમાં પણ SC, ST કે OBC શ્રેણીમાં સમાવેશ માટે આંદોલન નવી વાત નથી.
પરંતુ, જરા કલ્પના કરો કે કોઈ સમુદાય સામે ચાલીને એમ કહે કે, ‘અમારે અનામત નથી જોઈતી, અમારું નામ અનુસૂચિત જાતિ(SC)ની યાદીમાંથી કાઢી નાખો!’ સાંભળવામાં ભલે આશ્ચર્યજનક લાગે, પરંતુ તમિલનાડુના 'દેવેન્દ્રકુલ વેલ્લાલર'(DKV) સમાજની આવી અનોખી માંગણીએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. તેઓ અનામત આધારિત માનસિકતાથી અલગ હટીને પોતાની છીનવાઈ ગયેલી સાંસ્કૃતિક ઓળખ અને સામાજિક સન્માન પાછા મેળવવા માંગે છે.
કોણ છે 'દેવેન્દ્રકુલ વેલ્લાલર' સમુદાય?
- ગૌરવશાળી ઇતિહાસ: દેવેન્દ્રકુલ વેલ્લાલર એ તમિલનાડુનો એક પ્રાચીન ખેડૂત સમુદાય છે. લોકવાયકા મુજબ તેઓ દેવોના રાજા ઇન્દ્ર('દેવેન્દ્ર')ના વંશજ મનાય છે, જ્યારે 'વેલ્લાલર' શબ્દનો અર્થ કૃષિ(ખેતી) સાથે જોડાયેલો છે.
- વસ્તી અને વિસ્તાર: તમિલનાડુની કુલ વસ્તીમાં આ સમુદાયનો હિસ્સો 5%થી 9% છે, જ્યારે રાજ્યની કુલ SC વસ્તીમાં તેઓ લગભગ 20% જેટલા છે. તેઓ દક્ષિણ તમિલનાડુના મદુરાઈ, રામનાથપુરમ, થૂથુકુડી, તિરુનેલવેલી અને વિરુધુનગર જેવા વિસ્તારોમાં વસે છે.
- સમૃદ્ધ સંસ્કૃતિ: તેમનું 'પલ્લુ' સાહિત્ય 300 વર્ષથી વધુ જૂનું છે. મદુરાઈના વિશ્વ પ્રસિદ્ધ મીનાક્ષી અમ્મન મંદિર સહિત 436 મંદિરોમાં તેમને પરંપરાગત પૂજાના વિશિષ્ટ અધિકારો પ્રાપ્ત છે.
ખેડૂતોથી 'અસ્પૃશ્ય' સુધીની દુઃખદ સફર
ઇતિહાસકારોના મતે, આ સમુદાય એક સમયે વિશાળ જમીનનો માલિક હતો. પરંતુ 18મી સદીના અંતમાં બ્રિટિશ શાસકોએ જમીન સર્વેક્ષણ દરમિયાન તેમની જમીનો છીનવી લીધી. તેમને ખેતમજૂર બનાવી દેવાયા અને અસ્પૃશ્ય ગણીને મુખ્ય ગામોથી દૂર વસાવવામાં આવ્યા. આ દરમિયાન તેઓ વારંવાર જાતિગત હિંસા ભોગવી ચૂક્યા છે.
- 1957ના મુદુકુલાથુર રમખાણો
- 1968માં 44 લોકોને જીવતા સળગાવી દેવાની અરેરાટીભરી ઘટના,
- 1995, 1999 અને 2011માં થયેલા પોલીસ ગોળીબાર.
આ ઘટનાઓએ આ સમુદાયને પોતાની રાજકીય તાકાત ઊભી કરવા મજબૂર કર્યો, કારણ કે તેમને સમજાઈ ગયું હતું કે પ્રસ્થાપિત પક્ષો તેમનું રક્ષણ નહીં કરી શકે.
SCનો ટેગ: સામાજિક કલંક કે વિકાસમાં અવરોધ?
વર્ષ 1996 થી 'પુથિયા તમિલગમ' પાર્ટીના સ્થાપક ડૉ. કે. કૃષ્ણસામી આ સમુદાયને SC શ્રેણીમાંથી બહાર કાઢવા સતત અવાજ ઉઠાવી રહ્યા છે. આ સમાજના નેતાઓનું માનવું છે કે અનામતથી થોડા ઘણાંને સરકારી નોકરીઓ મળી જાય છે, પરંતુ 'SC'નું લેબલ સામાજિક કલંક બનીને સર્વાંગી વિકાસ રુંધે છે. આ સમાજના નેતા અને અમેરિકામાં 22 વર્ષ એન્જિનિયર તરીકે સેવા આપી ચૂકેલા અનંતન અય્યાસામી કહે છે કે, "આર્થિક લાભ કરતા આત્મસન્માન વધુ મહત્ત્વનું છે. આજે પણ જો કોઈ યુવાન પોતાનો નવો ધંધો કે રેસ્ટોરન્ટ શરૂ કરે, તો જ્ઞાતિની ઓળખ થતાં જ લોકો ત્યાં જવાનું ટાળે છે. સરકારી કોન્ટ્રાક્ટ્સમાં પણ OBC વર્ગનું વર્ચસ્વ છે, જ્યારે SC શ્રેણીના કોન્ટ્રાક્ટરો ભાગ્યે જ આગળ વધી શકે છે.’
તો શું છે આ સમાજની વ્યૂહ રચના?
આ સમાજ સીધા સામાન્ય શ્રેણી(General Category)માં જવાને બદલે પહેલા 10થી 15 વર્ષ માટે OBC શ્રેણીમાં સામેલ થવા માંગે છે, જેથી ધીમે ધીમે આત્મનિર્ભર બનીને 'સામાન્ય શ્રેણી'માં સ્થાન મેળવી શકાય.
SC/ST અત્યાચાર નિવારણ કાયદાનો બહિષ્કાર
આ સમુદાયે એક સાહસિક નિર્ણય લીધો છે કે, તેઓ કોઈની પણ સામે SC/ST(Atrocities) Act હેઠળ કેસ નોંધાવતા નથી. તાજેતરમાં IIT બોમ્બેના એક વિદ્યાર્થી સાહિલ વાકોડેની આત્મહત્યા બાદ પ્રોફેસર સામે SC/ST ઍક્ટ હેઠળ કેસ થયો ત્યારે પણ અય્યાસામીએ તેનો વિરોધ કર્યો હતો. તેમનું માનવું છે કે આ કાયદાનો આડેધડ ઉપયોગ સમાજ વચ્ચે કડવાશ વધારે છે. 'ઝોહો'(Zoho) ના સ્થાપક શ્રીધર વેમ્બુ અને 'તુઘલક'ના સંપાદક એસ. ગુરુમૂર્તિ જેવા વિચારકોએ પણ DKV સમુદાયના આ અભિગમને આવકાર્યો હતો.
કેન્દ્ર સરકાર તરફથી મળેલ સ્વીકૃતિ
- 2015: તત્કાલીન ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ સમુદાયના આત્મસન્માનના પ્રયાસોની જાહેરમાં પ્રશંસા કરી હતી.
- માર્ચ 2021: ભારતની સંસદે ખરડો પસાર કરીને પલ્લર સહિતની 7 પેટા-જાતિઓને એકીકૃત કરી સત્તાવાર રીતે 'દેવેન્દ્રકુલ વેલ્લાલર' નામ આપ્યું.
નોંધનીય છે કે, આ સમાજનો એક નાનો વર્ગ, ખાસ કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવનારા લોકો, નોકરી ગુમાવવાના ડરથી આ માંગનો વિરોધ પણ કરે છે.
આ લડત દેશ અને ગુજરાત માટે કેમ મહત્ત્વની છે?
- પછાત થવાની હોડ સામે પ્રતિકાર: 1950માં દેશની SC યાદીમાં માત્ર 607 જાતિ હતી, જે 2022 સુધીમાં વધીને 1,258 થઈ ગઈ. જ્યાં દરેક સમુદાય સરકારી લાભો માટે 'વધારે પછાત' સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યાં DKV સમુદાયનું પગલું ઐતિહાસિક છે.
- ભૂતકાળનું ઉદાહરણ: આ પહેલાં 1920માં 'નાડાર' સમુદાયે બ્રિટિશરો સામે રજૂઆત કરીને પોતાને અનામતમાંથી મુક્ત કરાવ્યા હતા અને પોતાની મહેનતે આગળ આવ્યા હતા.
- ગુજરાત માટે બોધપાઠ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં જ્ઞાતિગત અનામતના કારણે યુવાનો માનસિક દબાણ અને સામાજિક વિભાજનનો અનુભવ કરે છે. તમિલનાડુના દેવેન્દ્રકુલ વેલ્લાલર સમાજની આ લડત દર્શાવે છે કે સરકારી સહાય કે અનામત કરતાં સામાજિક સ્વાયત્તતા, સ્વાભિમાન અને વેપાર-રોજગારમાં મુક્ત તકો વધારે મહત્ત્વની છે.




