Get The App

તમિલનાડુ BJP માં ભંગાણ! અન્નામલાઈ બાદ પ્રદેશ ઉપાધ્યક્ષ અને સચિવે આપ્યા રાજીનામા

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
તમિલનાડુ BJP માં ભંગાણ! અન્નામલાઈ બાદ પ્રદેશ ઉપાધ્યક્ષ અને સચિવે આપ્યા રાજીનામા 1 - image


Tamil Nadu BJP Split : તમિલનાડુમાં ભાજપની અંદરનો અસંતોષ હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યો છે. પાર્ટીના પ્રદેશ સચિવ સુમતિ વેંકટેશે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેની સાથે જ, ભાજપ તમિલનાડુના પ્રદેશ ઉપાધ્યક્ષ કરુ નાગરાજને પણ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. બંને નેતાઓના રાજીનામાથી રાજ્યમાં ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુ પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા કે. અન્નામલાઈએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.  અન્નામલાઈએ જાહેરાત કરી છે કે, તેઓ તમિલનાડુમાં એક નવા રાજકીય આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. પાર્ટી છોડવાનું કારણ જણાવતા અન્નામલાઈએ કહ્યું, 'હું જનતાની વચ્ચે રહીને તેમની સાથે કામ કરવા માંગતો હતો. મારી દ્રઢ ઈચ્છા હતી કે, ભાજપ તમિલનાડુમાં દરેક ચૂંટણી પોતાના દમ પર  લડે.'

રાજકારણથી દૂરી નહીં બનાવે અન્નામલાઈ

અન્નામલાઈએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ રાજકારણથી દૂરી નથી બનાવી રહ્યા. તેના બદલે, જમીની સ્તર પર એક રાજકીય આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના નવા આંદોલન 'અન્નામલાઈ મક્કલ ઇયક્કમ' (Annamalai Makkal Iyakkam) ની જાહેરાત પણ કરી દીધી છે. તેમણે X પર લખ્યું, 'અન્નામલાઈ મક્કલ ઇયક્કમ (AMI) સાથે જોડાવા માટે અત્યાર સુધીમાં 3,000 થી વધુ સ્વયંસેવકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જનતાનો આ ભરોસો અને ઉત્સાહ અમારી અપેક્ષાઓ કરતા ઘણો વધારે છે. અમારી ટીમ આવનારા દિવસોમાં દરેક સ્વયંસેવકનો સંપર્ક કરશે. તમારા સમર્થન અને સહયોગ માટે એકવાર ફરી આભાર.'

અન્નામલાઈના આ પગલાથી સંકેત મળે છે કે તેઓ તમિલનાડુના રાજકારણમાં પોતાની અલગ ઓળખ અને સ્વતંત્ર રાજકીય આધાર તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.