Ajit Pawar Plane Crash News : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ સમગ્ર રાજ્યમાં ગમગીની છવાઈ ગઈ છે. મોટાભાઈના મોતના સમાચાર સાંભળતા જ બહેન સુપ્રિયા સુલે સંપૂર્ણપણે ભાંગી પડી છે. બારામતી પહોંચેલા સુપ્રિયા સુલે પોતાના ભાઈના પાર્થિવ દેહને જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. સુપ્રિયા હંમેશા તેમને દાદા કહીને બોલાવતા હતા. કરુણ રુદન કરતા સુપ્રિયા સુલેના દ્રશ્યોએ ત્યાં હાજર રહેલા દરેક વ્યક્તિની આંખો ભીની કરી દીધી હતી.
પરિવાર અને પક્ષમાં શોકની લહેર
સુપ્રિયા સુલે તેમના ભાભી સુનેત્રા પવાર સાથે તાત્કાલિક બારામતી પહોંચ્યા હતા. અજિત પવાર અને સુપ્રિયા સુલે વચ્ચેનો સંબંધ અત્યંત ગાઢ હતો. રાજકીય મતભેદો હોવા છતાં સુપ્રિયા સુલેએ ક્યારેય તેમના પ્રત્યે કડવાશ દાખવી નહોતી અને તેમને હંમેશા દાદા કહીને માન આપતા હતા. તાજેતરમાં જ બંને પરિવારો વચ્ચે નિકટતા વધી રહી હતી અને બંને પક્ષો એક થાય તેવી શક્યતાઓ વચ્ચે આ આઘાતજનક ઘટના બની છે.
બારામતીમાં સજ્જડ બંધ, રાષ્ટ્રીય શોક જાહેર
અજિત પવારના સન્માનમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા 3 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે અને સરકારી કચેરીઓ પર તિરંગો અડધી કાઠીએ ઝુકાવી દેવામાં આવ્યો છે. આજે આખા બારામતીના બજારો સ્વયંભૂ બંધ રહ્યા છે. વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોતથી માત્ર પવાર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર દેશ સ્તબ્ધ છે.
કેવી રીતે દુર્ઘટના સર્જાઈ?
અજિત પવાર પોતાના ચાર્ટર પ્લેન દ્વારા મુંબઈથી બારામતી આવી રહ્યા હતા. સવારે 8.45 વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું. લેન્ડિંગ સમયે વિમાન સંતુલન ખોઈ બેઠું અને જોરદાર ધડાકા સાથે અથડાયું હતું, જેના કારણે વિમાનમાં આગ લાગી ગઈ હતી અને તે સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં બે પાયલોટ, એક પીએસઓ અને એક અટેન્ડન્ટનો સમાવેશ થાય છે.
તપાસના આદેશ
આ ભયાનક અકસ્માત બાદ સમગ્ર દેશમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અને ડીજીસીએ (DGCA) ની ટીમો તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી રહી છે. એનસીપી (અજિત જૂથ) અને કોંગ્રેસ બંનેએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે, જેથી અકસ્માત પાછળનું સાચું કારણ જાણી શકાય.
આ પણ જુઓ : PHOTO, મહારાષ્ટ્ર પ્લેન ક્રેશના ભયાનક દૃશ્યો, અજિત પવારના અચાનક મૃત્યુથી પરિવારને આઘાત


