ફ્લેટ કે મકાનના બ્રોશર માત્ર માર્કેટિંગ નહીં પણ 'વચન' છે, બિલ્ડરો હાથ ના ખંખેરી શકે: સુપ્રીમ કોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

SC Warns Builders: Project Brochures Are Legal Promises Not Just Marketing | દેશભરમાં ફ્લેટ કે મકાન ખરીદતી વખતે બિલ્ડરો દ્વારા ચળકતા બ્રોશરમાં લક્ઝુરિયસ સુવિધાઓ, વિશાળ રસ્તાઓ અને ગાર્ડનના મોટા-મોટા દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ પઝેશન વખતે ખરીદદારોને ઘણી વખત તમામ સુવિધાઓ આપવામાં આવતી નથી. આવા જ એક ગંભીર મામલે સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ ડેવલપર્સને ચેતવણી આપી છે.
સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે કે ડેવલપર્સ પ્રોજેક્ટ બ્રોશરમાં ગ્રાહકોને વાયદા કરીને પાછળથી તેને માત્ર 'માર્કેટિંગ ક્લેઇમ' ગણાવીને હાથ ખંખેરી શકે નહીં. જો કોઈ ચોક્કસ પ્લાન, નકશા અને સુવિધાઓ દર્શાવીને પ્રોજેક્ટ વેચવામાં આવ્યો હોય, તો બિલ્ડરે તે તમામ વચનો જમીન પર પૂરા કરવા જ પડશે.
DLFના પ્રાઇમ પ્રોજેક્ટ 'ધ પ્રાઇમસ' વિવાદ પર સુનાવણી
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર મહાદેવનની ખંડપીઠ ગુરુગ્રામના સેક્ટર 82A સ્થિત DLF હોમ ડેવલપર્સના 'ધ પ્રાઇમસ' હાઉસિંગ પ્રોજેક્ટ સાથે જોડાયેલા વિવાદની સુનાવણી કરી રહી હતી. આ પ્રોજેક્ટના મૂળ પ્લાનમાં 24 મીટર પહોળો એપ્રોચ રોડ દર્શાવવામાં આવ્યો હતો. જોકે આ રસ્તો વચન મુજબ બનાવવામાં આવ્યો નથી. ખંડપીઠે ચેતવણી આપી હતી કે જો પ્રોજેક્ટને મૂળ બ્રોશર અને નકશા મુજબ સુધારવામાં નહીં આવે તો કોર્ટ આકરા આદેશો આપશે.
CBI તપાસ: 100 મીટર રોડ ગાયબ!
સુપ્રીમ કોર્ટે અગાઉ CBIને આ રસ્તા અને અન્ય ફરિયાદોની પ્રાથમિક તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. CBIની તપાસમાં જાણવા મળ્યું કે, મૂળ યોજના મુજબ 24 મીટર પહોળો આ રસ્તો લગભગ 147 મીટર લાંબો બનવાનો હતો. પરંતુ જમીન પર તેમાંથી લગભગ 52 મીટરના હિસ્સામાં ગ્રીન પેચ (બગીચો) બનાવી દેવામાં આવ્યો હતો. બાકીનો મોટો હિસ્સો રસ્તા જેવો દેખાય છે ખરો, પરંતુ તેનો ઉપયોગ રહેવાસીઓ અને મુલાકાતીઓ દ્વારા પાર્કિંગ તરીકે થઈ રહ્યો છે. એટલે કે આયોજિત રસ્તાનો લગભગ બે તૃતીયાંશ (આશરે 100 મીટર) જેટલો હિસ્સો કાં તો ગ્રીન એરિયા બની ગયો છે અથવા પાર્કિંગમાં ફેરવાઈ ગયો છે.
સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે વારંવાર તકો આપવા છતાં બિલ્ડર દ્વારા આ ખામી કેમ સુધારવામાં આવી નથી?
આ વિવાદની શરૂઆત 5 ફ્લેટ ખરીદદારો દ્વારા નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન સમક્ષ દાખલ કરાયેલી ફરિયાદથી થઈ હતી. 29 મે 2023 ના રોજ કન્ઝ્યુમર ફોરમે ચુકાદો આપ્યા બાદ ખરીદદારો અને DLF બંને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.
સુપ્રીમ કોર્ટે CBIને તપાસ વધુ કડક બનાવવા આદેશ આપ્યો
ફેબ્રુઆરી મહિનામાં જ સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે કાગળ પરના કાયદાકીય નિયમો અને જમીન પરની સ્થિતિ વચ્ચે "મોટો તફાવત" છે. ખરીદદારોને બતાવાયેલા સપના વાસ્તવિકતામાં પરિવર્તિત થયા નથી. જો આખા રિયલ એસ્ટેટ સેક્ટરમાં આવું બનતું હોય તો સામાન્ય મધ્યમવર્ગીય ખરીદદારોની શું હાલત થાય તે અંગે કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
તાજા આદેશમાં સુપ્રીમ કોર્ટે CBI ડાયરેક્ટરને સૂચના આપી છે કે આ પ્રાથમિક તપાસ સંભાળી રહેલા એસપી સૌરભ ગુપ્તાની મદદ માટે વધુ બે ઇન્સ્પેક્ટરો નિયુક્ત કરવામાં આવે. આ કેસની આગામી સુનાવણી 12 ઓક્ટોબર ના રોજ નિયત કરવામાં આવી છે, જ્યાં એજન્સી પોતાનો આખરી રિપોર્ટ રજૂ કરશે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે CBI ની તપાસ સંપૂર્ણપણે સ્વતંત્ર અને નિષ્પક્ષ રહેવી જોઈએ.




