Get The App

પવન ખેડાને સુપ્રીમ કોર્ટનો ઝટકો: તેલંગાણા હાઇકોર્ટના જામીન આદેશ પર રોક, કહ્યું- 'આસામની કોર્ટમાં જાવ'

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
પવન ખેડાને સુપ્રીમ કોર્ટનો ઝટકો: તેલંગાણા હાઇકોર્ટના જામીન આદેશ પર રોક, કહ્યું- 'આસામની કોર્ટમાં જાવ' 1 - image


Pawan Khera News : કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે આજે તેલંગાણા હાઇકોર્ટના તે આદેશ પર રોક લગાવી દીધી છે, જેમાં ખેડાને એક સપ્તાહ માટે ટ્રાન્ઝિટ આગોતરા જામીન આપવામાં આવ્યા હતા. આસામ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે આ કડક વલણ અપનાવ્યું છે.

સુપ્રીમ કોર્ટની કાર્યવાહી

અસામમાં નોંધાયેલી એફઆઇઆર(FIR)ના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે પવન ખેડાને નોટિસ પાઠવી છે અને ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. આ સાથે તેલંગાણા હાઇકોર્ટે આપેલી રાહતને સુપ્રીમ કોર્ટે અટકાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો પવન ખેડા આગોતરા જામીન મેળવવા માંગતા હોય, તો તેમણે આસામની સંબંધિત અદાલતનો જ સંપર્ક કરવો પડશે.

શું હતો સમગ્ર મામલો?

પવન ખેડા સામે આસામમાં પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. ધરપકડથી બચવા માટે તેમણે તેલંગાણા હાઇકોર્ટમાં અરજી કરી હતી, જ્યાંથી તેમને કામચલાઉ રાહત મળી હતી. આ રાહત સામે અસામ સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જેની સુનાવણી દરમિયાન આજે ખેડાને રાહત આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે.

પવન ખેડા સામે શું છે આરોપ? 

પવન ખેડા સામે આસામમાં નોંધાયેલી FIR મુજબ, તેમના પર છેતરપિંડી (Cheating) અને બનાવટી દસ્તાવેજોના ઉપયોગ (Forgery) જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે. આસામ પોલીસના જણાવ્યા અનુસાર, ખેડાએ અસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના પત્ની રિનીકી ભુયાન પાસે ત્રણ દેશોના (UAE, ઇજિપ્ત અને એન્ટિગુઆ-બાર્બુડા) પાસપોર્ટ અને વિદેશમાં અપ્રમાણસર મિલકતો હોવાના ખોટા અને અપમાનજનક આક્ષેપો કર્યા હતા. પોલીસનો દાવો છે કે આ આક્ષેપો કરવા માટે પાકિસ્તાની સોશિયલ મીડિયા ગ્રૂપ દ્વારા પૂરા પાડવામાં આવેલા બનાવટી મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, જામીન અરજી સાથે સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજોમાં પવન ખેડા અને તેમના પત્નીના ઓળખ પત્રોની વિગતોમાં વિસંગતતા હોવાનું પણ પોલીસે નોંધીને આ મામલે કસ્ટોડિયલ ઇન્ટરોગેશનની માંગ કરી છે.