India

કોર્ટની કાર્યવાહીના વીડિયો એડિટ કે શેર કરવા પર પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટનો આદેશ

By GS Team
24 Jul 20262 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે કોર્ટ કાર્યવાહીના ઑડિયો-વીડિયો રૅકોર્ડિંગના દુરુપયોગ રોકવા મહત્ત્વનો આદેશ કર્યો છે. હવે સુપ્રીમ કે હાઇકોર્ટની કાર્યવાહી સંબંધિત અધિકારીની પૂર્વમંજૂરી વિના સોશિયલ મીડિયા પર પોસ્ટ કે અપલોડ કરી શકાશે નહીં. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે ન્યાયિક પ્રક્રિયાની પવિત્રતા જાળવવા આ વચગાળાનો આદેશ આપ્યો છે. આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી જવાબ મંગાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોર્ટની કાર્યવાહીના વીડિયો એડિટ કે શેર કરવા પર પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટનો આદેશ

Supreme Court Audio Video Recording: સુપ્રીમ કોર્ટે કોર્ટની કાર્યવાહીની ઑડિયો-વીડિયો રૅકોર્ડિંગના ગેરઉપયોગને રોકવા મહત્ત્વપૂર્ણ વચગાળાનો આદેશ આપ્યો છે. હવે સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટની ન્યાયિક કાર્યવાહીની રૅકોર્ડિંગને સંબંધિત સત્તાધિકારીની પૂર્વમંજૂરી વગર સોશિયલ મીડિયા અથવા અન્ય ડિજિટલ પ્લૅટફૉર્મ પર પોસ્ટ, રી-પોસ્ટ કે અપલોડ કરી શકાશે નહીં.

કોર્ટ કાર્યવાહીના રૅકોર્ડિંગ પર પ્રતિબંધ

ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે આદેશ આપતાં કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટના મહાસચિવ અથવા સંબંધિત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલની મંજૂરી વિના કોર્ટની કાર્યવાહીનું રૅકોર્ડિંગ કાઢવું, તેમાં ફેરફાર કરવો, વાઇરલ કરવું અથવા કોઈ પણ ડિજિટલ પ્લૅટફૉર્મ પર શેર કરવું પ્રતિબંધિત રહેશે.’

કોર્ટ કાર્યવાહીના દુરુપયોગ પર સુપ્રીમ કોર્ટનું સખત વલણ

આ મામલો કોર્ટની લાઇવસ્ટ્રીમિંગ અને કાર્યવાહીના વીડિયોના સોશિયલ મીડિયા પર થઈ રહેલા ગેરઉપયોગને લગતી અરજી બાદ સામે આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ અરજી પર કેન્દ્ર સરકાર અને અન્ય સંબંધિત પક્ષોને નોટિસ પાઠવી જવાબ પણ માગ્યો છે.

ન્યાયિક પ્રક્રિયાની પવિત્રતા જાળવવાનો આદેશ

સુનાવણી દરમિયાન અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે દલીલ કરી હતી કે કોર્ટની કાર્યવાહીના વીડિયો સોશિયલ મીડિયા પર સંદર્ભ બહાર વાઇરલ થઈ રહ્યા છે, જેના કારણે ન્યાયતંત્રની પ્રક્રિયાની ખોટી રજૂઆત થવાની શક્યતા રહે છે.

બીજી તરફ, સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ આ ચિંતાને સમર્થન આપતાં જણાવ્યું કે કોર્ટની કાર્યવાહીના ડિજિટલ ઉપયોગ માટે સ્પષ્ટ નિયમો બનાવવાની જરૂર છે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ વચગાળાનો આદેશ ન્યાયિક પ્રક્રિયાની પવિત્રતા જાળવવા અને કોર્ટની કાર્યવાહીના વીડિયો તથા ઑડિયોના ભ્રામક, સંપાદિત અથવા ગેરમાર્ગે દોરતા ઉપયોગને અટકાવવા માટે આપવામાં આવ્યો છે. હવે આ મામલે કેન્દ્ર સરકાર અને અન્ય પક્ષોના જવાબ બાદ આગળની સુનાવણી હાથ ધરાશે.