સીઇસી જ્ઞાનેશ કુમાર માટે સુપ્રીમ અનિર્ણાયક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- 'ખોટા નિર્ણયો હશે તો રદ કરીશું, ફોર્મ-૬ના કોઇપણ સુધારાને મંજૂરી આપી નથી : સુપ્રીમ
- જેન-ઝીને મતદાનથી દૂર રાખવામાં સુપ્રીમની મિલીભગત, સર સામે થયેલી અરજીઓની સમયસર સુનાવણી ના કરી ઃ સૌરવ દાસ
નવી દિલ્હી : ચૂંટણી પંચે દાવો કર્યો હતો કે સરની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા ફોર્મ-૬માં ચૂંટણી પંચ દ્વારા જે ફેરફાર કરાયા તેને સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય ઠેરવેલ છે. જોકે ચૂંટણી પંચના આ દાવાને સુપ્રીમ કોર્ટે ફગાવ્યા છે. સુપ્રીમે કહ્યું છે કે અમે ફોર્મ-૬માં સુધારાને કોઇ પણ પ્રકારની મંજૂરી નથી આપી. સાથે જ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસેથી સમગ્ર મામલે જવાબ પણ માગ્યો છે. સુપ્રીમે એવી પણ સ્પષ્ટતા કરી છે કે ચૂંટણી પંચનો કોઇ પણ નિર્ણય સર્વસંમતિ કે બહુમતથી નહીં લેવાયો હોય તો તેને રદ કરીશું.
તાજેતરના મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું હતું કે એસઆઇઆર પ્રક્રિયાના વિવિધ નિર્ણયો જેમ કે ફોર્મ-૬માં સુધારા કરવા વગેરે નિર્ણય માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા જ લેવાયા હતા, જ્યારે અન્ય બે ચૂંટણી કમિશનરો કેટલાક નિર્ણયોના વિરોધમાં હતા. તેમ છતા તેમના વિરોધ પર ધ્યાન આપ્યા વગર આ નિર્ણયો લેવાયા હતા. આ રિપોર્ટ સામે આવ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી પીઆઇએલ થઇ હતી. જ્ઞાનેશ કુમાર સામે વિરોધ વધી રહ્યો છે ત્યારે ચૂંટણી પંચે દાવો કર્યો હતો કે ફોર્મ-૬માં સુધારાને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે.
જોકે પીઆઇએલની સુનાવણીમાં સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને વી મોહનાની બેંચે સ્પષ્ટતા કરી દીધી છે કે ફોર્મ-૬માં કોઇ પણ પ્રકારના સુધારાને અમે મંજૂરી નથી આપી. ફોર્મ-૬માં સુધારા કરીને સુપ્રીમે તેની સાથે ઘોષણાપત્ર ભરવું ફરજિયાત કરી દીધુ હતું, જેમાં અરજદારના માતા પિતાની સરની માહિતી પણ માગવામાં આવી રહી હતી.
સંસદની કોઇ મંજૂરી વગર જ આ નિર્ણય લેવાયો હતો જેનો બાદમાં ભારે વિરોધ થયો હતો. અરજીની સુનાવણી વખતે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સ્પષ્ટતા કરી હતી કે ચૂંટણી પંચ દ્વારા સર્વસંમતિ વગર અથવા તો નિયમોનો ભંગ કરીને કોઇ નિર્ણય લેવામાં આવ્યો હશે તો તેને રદ કરવામાં આવશે. હાલ નોટિસ પાઠવવામાં આવે છે, ચૂંટણી પંચનો જવાબ આવવા દો, જો એક તરફી કે સર્વસંમતિથી અથવા બહુમતથી નિર્ણય લેવાયો નહીં હોય તો તેને રદ કરી દઇશું.
હાલમાં જ્ઞાનેશ કુમારને હટાવવાનો કોઇ આદેશ જારી નથી કરાયો. બીજી તરફ તેલંગાણામાં મતદારોનું નામ રદ કરવા માટેનું ફોર્મ-૭નો દુરુપયોગ થઇ રહ્યાનો દાવો થયો હતો. જેને પગલે હાલ ચૂંટણી પંચે આરોપીઓ સામે કાર્યવાહીની જાહેરાત કરી છે. કરોડો મતદારોના નામ હટાવવાના અહેવાલો વચ્ચે કોકરોચ જનતા પાર્ટીના સૌરવ દાસે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે યુવાઓના વોટિંગ અધિકારોને છીનવી લેવામાં મિલીભગત કરી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી જેન-ઝીના મત આપવાના અધિકારોને છીનવી લેવાની મિલીભગતમાં સામેલ હતા. વિવિધ રાજ્યોમાં સર સામે થયેલી અરજીઓની સમયસર સુનાવણી ના કરવામાં આવી. કેટલાક રાજ્યોની ચૂંટણી પહેલા સુપ્રીમમાં અરજીઓ થઇ હતી, જેની સુનાવણીમાં વિલંબ કરાયો તેવો દાવો કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે કર્યો હતો.




