India

5 સપ્ટેમ્બરે દિલ્હીમાં નહીં થાય આંદોલન, કેસ પાછા ખેંચવાની સરકારની ખાતરી બાદ કોકરોચ પાર્ટીએ કૂચ રદ કરી

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
NEET પેપરલીક આંદોલન મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આંદોલનકારીઓ પર થયેલી FIR રદ કરવાની ખાતરી આપી છે. આથી, કોકરોચ જનતા પાર્ટીએ 5 સપ્ટેમ્બરની 'દિલ્હી કૂચ' રદ કરી છે. કેન્દ્ર સરકારે 13 FIR રદ કરવા અને 2,873 લોકો સામે તપાસની પરવાનગી માંગી છે. દિલ્હીમાં FIR રદ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

5 સપ્ટેમ્બરે દિલ્હીમાં નહીં થાય આંદોલન, કેસ પાછા ખેંચવાની સરકારની ખાતરી બાદ કોકરોચ પાર્ટીએ કૂચ રદ કરી

CJP Calls Off Sept 5 Protest After Centre Assures FIR Rollback | NEET પેપરલીક આંદોલન મામલે કેન્દ્રની મોદી સરકારે કોકરોચ જનતા પાર્ટીની વધુ એક માગ સ્વીકારી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ખાતરી આપી છે કે આંદોલન કરનારા લોકો પર કરવામાં આવેલી FIR રદ કરવામાં આવશે. જે બાદ કોકરોચ જનતા પાર્ટીએ પણ 'દિલ્હી કૂચ' રદ કરી છે. નોંધનીય છે કે કોકરોચ જનતા પાર્ટીએ જાહેરાત કરી હતી કે જો કેન્દ્ર સરકાર FIR રદ નહીં કરે તો આગામી પાંચમી સપ્ટેમ્બરે દિલ્હીના ઈન્ડિયા ગેટથી કૂચ કરીશું.

કોકરોચ જનતા પાર્ટીની જાહેરાત: દિલ્હીમાં યોજાનારી કૂચ રદ

CJPના પ્રવક્તા સૌરવ દાસે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની વિશેષ બેંચ સમક્ષ પક્ષનું સત્તાવાર નિવેદન વાંચી સંભળાવ્યું હતું. આ બેંચમાં જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહના પણ સામેલ હતા. સૌરવ દાસે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા આંદોલનકારીઓ સામેના કેસો પરત ખેંચવાના મુદ્દે લેવાયેલા સકારાત્મક પગલાંને ધ્યાનમાં રાખીને CJPએ 5 સપ્ટેમ્બરે ઈન્ડિયા ગેટથી દિલ્હી પોલીસ હેડક્વાર્ટર સુધી યોજાનાર શાંતિપૂર્ણ કૂચને રદ કરવાનો નિર્ણય લીધો છે.

અનુચ્છેદ 142 હેઠળ FIR રદ કરવા કેન્દ્રની અરજી

કેન્દ્ર સરકારે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIR રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં વચગાળાની અરજી દાખલ કરી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સોમવારે ચીફ જસ્ટિસની કોર્ટ પૂર્ણ થતાં પહેલાં આ મામલાનો મૌખિક ઉલ્લેખ કર્યો હતો અને મંગળવારે તાકીદની સુનાવણીની માંગ કરી હતી. સોલિસિટર જનરલે જણાવ્યું કે સરકાર આ મામલે બંધારણના અનુચ્છેદ 142નો ઉપયોગ કરવાની માંગ કરી રહી છે.

આ રજૂઆત પર CJI સૂર્યકાંતે કહ્યું કે, અરજી દાખલ કરો. જો બંને પક્ષકારો સમાધાન કરી રહ્યા હોય તો અમને કોઈ વાંધો નથી.

કેટલી FIR રદ થશે અને કેટલા લોકો તપાસ હેઠળ?
NEET આંદોલન સાથે જોડાયેલી કુલ 13 FIR રદ કરવાની માંગ કરાઈ છે. CJP પ્રવક્તાએ જણાવ્યું કે સરકારે દિલ્હીની તમામ FIR રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓને નિશાન નહીં બનાવવાની કે હેરાન નહીં કરવાની સ્પષ્ટ ખાતરી આપી છે.

વિદ્યાર્થી પરિવારો માટે વળતરની અપેક્ષા
સૌરવ દાસે વધુમાં જણાવ્યું કે NEET વિવાદ બાદ જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપવાના મુદ્દે પણ સકારાત્મક પ્રગતિની અપેક્ષા છે. સંગઠન સરકાર દ્વારા આપવામાં આવેલા તમામ વચનોના અમલીકરણ પર સતત નજર રાખી રહ્યું છે અને આંદોલન દરમિયાન કાનૂની કાર્યવાહીનો સામનો કરનારા વિદ્યાર્થીઓ સાથે સતત ઊભું રહેશે.