ખાંડના ભાવ ગગડીને 51 રૂપિયા કિલોએ પહોંચ્યા, મોંઘવારીમાંથી રાહત મળવાની શક્યતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sugar Prices: દેશમાં ખાંડના વધતા ભાવ પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા કડક નીતિગત પગલાંની અસર હવે બજારમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. દેશના વિવિધ ભાગોમાં ખાંડના ભાવમાં નરમ વલણ નોંધાયું છે. છેલ્લાં માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામાં છૂટક બજારમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો 8 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે.
દક્ષિણ મહારાષ્ટ્રમાં મિલ સ્તરે ખાંડનો ભાવ જે વધીને 62 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો હતો, તે ઘટીને હવે 51થી 52 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે આવી ગયો છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જથ્થાબંધ અને મિલ સ્તરે આવેલી આ નરમાઈની સીધી અસર આગામી 3થી 5 દિવસમાં છૂટક બજાર પર જોવા મળશે, જેનાથી સામાન્ય ઉપભોક્તાઓને મોટી રાહત મળશે.
મુખ્ય શહેરોમાં છૂટક ભાવની સ્થિતિ (પ્રતિ કિલો રૂપિયામાં)
- મુંબઈ: રૂ. 68થી ઘટીને રૂ. 61
- દિલ્હી: રૂ. 68થી ઘટીને રૂ. 62
- કાનપુર: રૂ. 69થી ઘટીને રૂ. 62
- ગુવાહાટી: રૂ. 71થી ઘટીને રૂ. 63
- હૈદરાબાદ: રૂ. 70થી ઘટીને રૂ. 62
- ચેન્નઈ: રૂ. 70થી ઘટીને રૂ. 65
જથ્થાબંધ બજારમાં પણ મોટો ઘટાડો
મુંબઈના જથ્થાબંધ બજારમાં ખાંડ પ્રતિ ક્વિન્ટલ 6,750 રૂપિયાની ઉંચી સપાટીએથી 950 રૂપિયા ઘટીને 5,800 રૂપિયા પર આવી ગઈ છે. આ જ રીતે દિલ્હી અને કાનપુરમાં પણ જથ્થાબંધ ભાવમાં પ્રતિ ક્વિન્ટલે 600 રૂપિયા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે.
સરકાર દ્વારા લેવાયેલાં મુખ્ય પગલાં:
•સ્ટોક લિમિટ લાગુ: ગેરકાયદે સંગ્રહખોરી રોકવા માટે વેપારીઓ અને મોટા ગ્રાહકો માટે સંગ્રહ મર્યાદા (Stock Limit) નિર્ધારિત કરવામાં આવી છે, જેનાથી બજારમાં ખાંડની ઉપલબ્ધતા વધી છે.
•દેશવ્યાપી તપાસ ઝુંબેશ: સંગ્રહખોરી રોકવા માટે સંબંધિત તંત્ર દ્વારા દેશભરમાં 1,000થી વધુ સ્થળોએ અચાનક તપાસ અને ચકાસણી હાથ ધરવામાં આવી છે.
- ઓગસ્ટ કોટા છૂટો કરવા આદેશ: શુગર મિલોને ઓગસ્ટ મહિનાનો નિર્ધારિત કોટા તાત્કાલિક બજારમાં મોકલવા સૂચના આપવામાં આવી છે.
- ડ્યુટી-ફ્રી આયાત: સરકારે 10 લાખ મેટ્રિક ટન ખાંડની ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે, જેમાંથી 70થી 80 હજાર ટનની પ્રથમ ખેપ સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં ભારતીય બંદરો પર પહોંચવાની ધારણા છે.
આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને બજારમાં પૂરતો પુરવઠો જાળવી રાખવા અને ભાવ નિયંત્રણમાં રાખવા સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, જેથી આવનારા સપ્તાહોમાં ભાવ વધુ સ્થિર અને સસ્તા થવાની સંભાવના છે.




