India

ઘરમાં જ રહો અને લોકેશન મોકલો, વિદ્યાર્થી આંદોલન કચડવા મુંબઈ પોલીસની નવી ચાલ

By GS Team
23 Jul 20262 mins read
TukuTouch Logo
નીટ પેપર લીક મામલે દેશભરમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે મુંબઈ પોલીસે કડક વલણ અપનાવ્યું છે. શિવાજી પાર્ક, ચેમ્બુર જેવા વિસ્તારોમાં પ્રદર્શનો રોકવા માટે પોલીસે ડિજિટલ ટ્રેકિંગ શરૂ કર્યું છે. FIR નોંધાયેલા પ્રદર્શનકારીઓને વોટ્સએપ પર લાઇવ લોકેશન શેર કરવા અને થાણે હાજર થવા આદેશ અપાયો છે. પોલીસ ટીમો ઘરે જઈને ભવિષ્યમાં પ્રદર્શનોમાં ભાગ ન લેવા સલાહ આપી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘરમાં જ રહો અને લોકેશન મોકલો, વિદ્યાર્થી આંદોલન કચડવા મુંબઈ પોલીસની નવી ચાલ

Mumbai Student Protest : નીટ પેપર લીક મામલે દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે મુંબઈ પોલીસે એક નવો કડક અભિગમ અપનાવ્યો છે. મુંબઈના શિવાજી પાર્ક, ચેમ્બુર અને આઝાદ મેદાન જેવા વિસ્તારોમાં પ્રદર્શનો રોકવા માટે પોલીસે ડિજિટલ ટ્રેકિંગ અને ઘરે-ઘરે જઈને તપાસ કરવાની કામગીરી શરૂ કરી છે.

વોટ્સએપ પર લાઇવ લોકેશન મોકલવા આદેશ

જે પ્રદર્શનકારીઓ સામે પહેલાથી FIR નોંધાયેલી છે, તેમનો પોલીસ સીધો સંપર્ક કરી રહી છે. તેઓ પોતાના ઘરે જ હાજર છે તેની ખાતરી કરવા માટે પોલીસે તેમને વોટ્સએપ પર સતત લાઇવ લોકેશન શેર કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા(BNSS)ની કલમ 35(3) હેઠળ ડિજિટલ નોટિસ મોકલીને જૂના વિરોધ પ્રદર્શનો અંગે પૂછપરછ માટે તેમને થાણે હાજર થવા નિર્દેશ અપાયો છે.

વિદ્યાર્થીઓના ઘરે પહોંચી રહી છે પોલીસ

પોલીસની ટીમો વિદ્યાર્થી પ્રદર્શનકારીઓના ઘરે જઈને તેમના પરિવારજનોને જૂની તપાસ વિશે જાણ કરી રહી છે અને ભવિષ્યમાં પ્રદર્શનોમાં ભાગ ન લેવા સલાહ આપી રહી છે. આ સિવાય રેલવે અને મેટ્રો સ્ટેશનો પર તૈનાત પોલીસ પ્રદર્શનકારીઓની ઓળખ કરીને તેમને સભાસ્થળ તરફ જતા અટકાવી રહી છે.

ભવિષ્યની કારકિર્દી બચાવવાનો પોલીસનો દાવો

પોલીસના એક સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ 'આ કાર્યવાહીનો મુખ્ય હેતુ યુવાનો સામે ગુનાહિત કેસ નોંધાતા રોકવાનો છે, જેથી ભવિષ્યમાં તેમના પાસપોર્ટ, ઉચ્ચ શિક્ષણ અને નોકરીની તકો પર કોઈ નકારાત્મક અસર ન પડે.'

કાનૂની નિષ્ણાતોએ ઉઠાવ્યા સવાલો

બીજી તરફ, કાનૂની સહાય આપતા વકીલો અને જૂથોએ પોલીસના આ પગલા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે ઈલેક્ટ્રોનિક લોકેશન ટ્રેકિંગ અને ઘરે-ઘરે જઈને પૂછપરછ કરવી એ સામાન્ય સુરક્ષા નિયમોથી પણ આગળ વધીને વ્યક્તિગત પ્રાઇવસી અને બંધારણીય સ્વતંત્રતા પર સવાલો ઊભા કરે છે.