India

બિહારના અશોકધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના કરૂણ મોત, 8 થી વધુ ઘાયલ

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
બિહારના લખીસરાય સ્થિત પ્રસિદ્ધ અશોકધામ મંદિરે શ્રાવણ માસમાં અચાનક નાસભાગ મચી હતી. વીજળીના થાંભલામાં કરંટ ફેલાવાની અફવાથી ભક્તોમાં ગભરાટ ફેલાયો હતો. આ કરૂણ ઘટનામાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 8થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોને સદર હોસ્પિટલમાં ખસેડાયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બિહારના અશોકધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ, 7 શ્રદ્ધાળુના કરૂણ મોત, 8 થી વધુ ઘાયલ

Bihar AshokDham News : બિહારના લખીસરાય સ્થિત પ્રસિદ્ધ અશોકધામ મંદિરના બહારના પરિસરમાં શ્રાવણ મહિનામાં સવારે અચાનક નાસભાગ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ કરૂણ અકસ્માતમાં 7 શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે 8 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે લખીસરાયની સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

તબીબોના જણાવ્યા મુજબ મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે. મળતી માહિતી મુજબ, આ ઘટના અશોકધામ રેલ્વે સ્ટેશનથી મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર બની હતી. રવિવારે રાત્રે આ માર્ગ પર વીજળીનો એક થાંભલો વાયર સાથે નીચે પડી ગયો હતો.

કરંટ ફેલાવાની અફવાથી મચી અફરાતફરી

સોમવારે સવારે મંદિરમાં જલાભિષેક કરવા માટે મોટી સંખ્યામાં કાવડયાઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન પડી ગયેલા વીજળીના થાંભલામાં કરંટ ફેલાયો હોવાની અફવા શ્રદ્ધાળુઓ વચ્ચે ફેલાઈ ગઈ હતી. આ અફવાને કારણે લોકોમાં ભારે ડરનો માહોલ સર્જાયો હતો અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ ભાગવા લાગ્યા હતા.

નાસભાગ દરમિયાન નાસભાગ સર્જાઈ હતી જેમાં અનેક શ્રદ્ધાળુઓ એકબીજાના પગ નીચે દબાઈ ગયા હતા. ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકો અને અન્ય શ્રદ્ધાળુઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કામગીરી હાથ ધરી હતી.

પ્રાચીન કાળથી છે અશોકધામ મંદિરનું મહત્ત્વ

અશોકધામ મંદિર 'શ્રી ઇન્દ્રદમનેશ્વર મહાદેવ મંદિર' તરીકે દેશભરમાં પ્રખ્યાત છે. અહીં પાલકાલીન સમયનું એક વિશાળ શિવલિંગ આવેલું છે, જે જમીનના ખોદકામ દરમિયાન મળી આવ્યું હતું. પવિત્ર શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારના કારણે અહીં સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી.