સરકારી હોસ્પિટલમાં જ રહેશે સોનમ વાંગચુક, દિલ્હી હાઈકોર્ટે પત્નીની માંગને ફગાવતા કહ્યું- ‘સરકારનો નિર્ણય મનસ્વી કે ગેરકાનૂની નથી'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi High Court on Sonam Wangchuk: દિલ્હી હાઈકોર્ટે વાંગચુકની પત્ની ગીતાંજલિ અંગમોની અરજી પર કોઈ વચગાળાની રાહત આપી નથી. કોર્ટે સફદરજંગ હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકને પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની અરજીને ફગાવી દીધી છે.
સરકારનો નિર્ણય કોઈપણ રીતે મનસ્વી કે ગેરકાનૂની નથી: હાઈકોર્ટ
જસ્ટિસ મિની પુષ્કર્ણાની કોર્ટે સ્પષ્ટ કર્યું કે વાંગચુકના કથળતા આરોગ્યને જોતા તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો સરકારનો નિર્ણય કોઈપણ રીતે મનસ્વી કે ગેરકાનૂની નથી.જ્યારે કોઈ સામાજિક કાર્યકર્તા જનહિતના મુદ્દે અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતરે છે, ત્યારે તેમના સ્વાસ્થ્યની જવાબદારી કોની બને છે? શું સરકાર તેમની મરજી વિરુદ્ધ તેમને હોસ્પિટલમાં દાખલ કરી શકે? આવા જ કેટલાક જટિલ કાનૂની અને નૈતિક સવાલો વચ્ચે, દિલ્હી હાઈકોર્ટે રવિવારે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાંથી તાત્કાલિક ડિસ્ચાર્જ આપવાનો ઇનકાર કરી દીધો છે.
સરકારનો નિર્ણય મનસ્વી નથી: દિલ્હી હાઈકોર્ટનું અવલોકન
કોર્ટે નોંધ્યું હતું કે સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય પર ડોક્ટરો સતત દેખરેખ રાખી રહ્યા છે. આ સ્થિતિમાં, તેમના શારીરિક સ્વાયત્તતાના અધિકારનું કોઈ ઉલ્લંઘન થયું નથી. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું, કે સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, સરકારે વાંગચુકના સ્વાસ્થ્યને કારણે જ તેમને હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લીધો છે, તેથી આ કોર્ટ તેને કોઈ મનસ્વી પગલું માનતી નથી. અદાલતે વધુમાં ઉમેર્યું હતું કે, વાંગચુકની ગંભીર સ્થિતિ હોવા છતાં તેમણે પોતાની મરજીથી હોસ્પિટલમાં દાખલ થવાનો ઇનકાર કર્યો હતો, જેથી સરકાર માટે દખલગીરી કરવી કાનૂની રીતે યોગ્ય હતી.

તમામ રિપોર્ટ પરિવારને પણ અપાશે, 24 જુલાઈએ આગામી સુનાવણી
આ ઉપરાંત, કોર્ટે એ વાતની પણ નોંધ લીધી કે વાંગચુકના પરિવારને સામાન્ય દર્દીઓ કરતાં વધુ છૂટછાટ આપવામાં આવી છે અને આખો દિવસ તેમની પાસે રહેવાની મંજૂરી સાથે અલગ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાલમાં કોર્ટે તેમની તબીબી રિપોર્ટ્સ પરિવાર સાથે શેર કરવાનો આદેશ આપીને આગામી સુનાવણી 24 જુલાઈના રોજ નક્કી કરી છે.
શું નાગરિકને પોતાની પસંદગીની હોસ્પિટલનો અધિકાર નથી? - કપિલ સિબલની દલીલ
અરજીકર્તા ગીતાંજલિ જે. આંગમો વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલો કપિલ સિબલ, વિવેક તંખા અને અખિલ સિબલે કોર્ટમાં દલીલ કરી હતી કે સફદરજંગ હોસ્પિટલમાં દાખલ થયા પછી વાંગચુકના વકીલો અને ડોક્ટરો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. તેઓ વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં ખસેડવા માંગે છે. કપિલ સિબલે સરકારના વલણ સામે સવાલ ઉઠાવતા કહ્યું, તેઓ કોઈ કસ્ટડીમાં નથી. તેમની સામે કોઈ ગુનાહિત કેસ નથી, તો શું ભારતના નાગરિકને પોતાની પસંદગીની હોસ્પિટલમાં જવાની પરવાનગી નથી? સરકાર તેમના શરીર પર નિયંત્રણ કેવી રીતે મેળવી શકે અને તેમને રોકી કેવી રીતે શકે? સિબલે એ પણ સ્પષ્ટ કર્યું કે જો AIIMS કે સફદરજંગના ડોક્ટરો મેદાંતાની ટીમ સાથે જોડાવા માંગતા હોય તો તેમને કોઈ વાંધો નથી. તેમણે હોસ્પિટલના રૂમની અંદર અને બહાર તૈનાત પોલીસ જવાનો સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.
18 દિવસના ઉપવાસ અને મેડિકલ ઈમરજન્સી: કેન્દ્ર સરકારની રજૂઆત
બીજી તરફ, કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ તર્ક આપ્યો હતો કે 16 જુલાઈના કોર્ટના આદેશ મુજબ જ વાંગચુકની તમામ તબીબી સારવાર સરકારની દેખરેખ હેઠળ થઈ રહી છે. હાલમાં AIIMS અને સફદરજંગના ડોક્ટરોની સંયુક્ત ટીમ તેમની સારવાર કરી રહી છે. તેમણે જણાવ્યું કે ભેજવાળા વાતાવરણમાં સતત 18 દિવસ સુધી ઉપવાસ કરવાને કારણે સ્વાસ્થ્ય સંબંધી ગંભીર જટિલતાઓ ઊભી થઈ શકે છે, જેને કારણે તેમને ઇમરજન્સી વિભાગમાં રાખવામાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો
NEET પેપર લીક કૌભાંડ અને શિક્ષણ ક્ષેત્રે સુધારાની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર પર ભૂખ હડતાળ પર બેઠેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના આંદોલનમાં મોટો વળાંક આવ્યો છે. ઉપવાસના 21મા દિવસે ગઈકાલે શનિવારે વહેલી સવારે પોલીસે અચાનક કાર્યવાહી કરીને વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હવે તેમના પત્ની ગીતાંજલિ આંગમોએ સફદરજંગ હોસ્પિટલ પર સારવારમાં પારદર્શિતાના અભાવનો ગંભીર આક્ષેપ લગાવીને દિલ્હી હાઈકોર્ટમાં તાકીદની સુનાવણી માટે અરજી કરી હતી. તેમણે હોસ્પિટલના રોકાણને ‘ગેરકાયદે અટકાયત’ ગણાવીને વાંગચુકને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની મંજૂરી માંગી હતી જેને હાઈકોર્ટે નકારી દીધી છે.
હવે પત્ની સંભાળશે સંસદ માર્ચનો મોરચો
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના બેનર હેઠળ વાંગચુક 28 જૂનથી ભૂખ હડતાળ પર છે. હાઈકોર્ટે સરકારને વાંગચુકનો જીવ બચાવવા જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યા બાદ પોલીસ તેમને હોસ્પિટલ લઈ ગઈ હતી. હવે જ્યારે તેઓ હોસ્પિટલમાં સારવારના નામે નજરકેદ છે, ત્યારે સોમવારના સંસદ માર્ચની આગેવાની તેમના પત્ની ગીતાંજલિ પોતે સંભાળશે.









