India

સોનમ વાંગચુકે 27મા દિવસે ભૂખ હડતાળ સમાપ્ત કરી, જે.પી નડ્ડા અને જિતેન્દ્રસિંહે હોસ્પિટલ જઈ પારણા કરાવ્યા

By GS Team
23 Jul 20262 mins read
TukuTouch Logo
નીટ પેપર લીક મુદ્દે પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકે ગુરુગ્રામની હોસ્પિટલમાં 26 દિવસના અનશનનો અંત કર્યો. વડાપ્રધાન મોદીના વિદ્યાર્થીઓને સંબોધિત વીડિયો સંદેશ બાદ તેમણે નિર્ણય લીધો. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહે તેમને જ્યુસ પીવડાવી પારણા કરાવ્યા. પીએમ મોદીએ સોનમજીના સ્વાસ્થ્ય માટે ચિંતા વ્યક્ત કરી. તેઓ 28 જૂનથી દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનમ વાંગચુકે 27મા દિવસે ભૂખ હડતાળ સમાપ્ત કરી, જે.પી નડ્ડા અને જિતેન્દ્રસિંહે હોસ્પિટલ જઈ પારણા કરાવ્યા
સોનમ વાંગચૂક જે.પી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સાથે હોસ્પિટલમાં

નીટ (NEET) પેપર લીક અને વિદ્યાર્થીઓને સ્પર્શતા વિવિધ પ્રશ્નોને લઈને છેલ્લા ૨૬ દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા પર્યાવરણવિદ્ અને શિક્ષણવિદ્ સોનમ વાંગચુકે અંતે પોતાના અનશનનો અંત આણ્યો છે. શુક્રવારે તેમના આંદોલનનો ૨૭મો દિવસ હતો. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહે ગુરુગ્રામની હોસ્પિટલ પહોંચીને વાંગચુકને જ્યુસ પીવડાવીને પારણા કરાવ્યા હતા.

સોનમ વાંગચુકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના વિદ્યાર્થીઓને ઉદ્દેશીને આપવામાં આવેલા વીડિયો સંદેશ બાદ આ અનશન પૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો. મોડી રાત્રે જાહેર કરેલા વીડિયો સંદેશમાં વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે, આગામી કેબિનેટ બેઠકમાં પેપર લીકની ઘટનાઓ રોકવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા અંગે મહત્વપૂર્ણ અને સખત નિર્ણયો લેવામાં આવશે.

સોનમ વાંગચુક માટે PM મોદીએ પોસ્ટ મૂકી

ભૂખ હડતાળ સમાપ્ત થયા બાદ PM મોદીએ સોનમ વાંગચુકના સ્વાસ્થ્યને લઈને એક્સ પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, હું સોનમજીને આગ્રહ કરું છે કે તેઓ ડોક્ટરની સલાહ પ્રમાણે પોતાની દિનચર્યા રાખે અને જલ્દીથી પોતાનું યોગ્ય વજન પાછું પ્રાપ્ત કરી લે. હું પ્રભુને પ્રાર્થના કરું છે કે સોનમજી સ્વસ્થ રહે.

૨૮ જૂનથી જંતર-મંતર પર ચાલતું હતું વિરોધ પ્રદર્શન

સોનમ વાંગચુક ગત ૨૮ જૂનથી દિલ્હીના જંતર-મંતર ખાતે અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ પર બેઠા હતા. અનશન દરમિયાન સ્વાસ્થ્ય લથડતાં ૧૮ જુલાઈના રોજ દિલ્હી પોલીસે તેમને જંતર-મંતરથી સફદરજંગ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા.

જોકે, વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગમોએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને સરકારી હોસ્પિટલના બદલે તેમને કોઈ શ્રેષ્ઠ ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની માંગ કરી હતી. હાઈકોર્ટના આદેશ બાદ તેમને ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં તેમણે અનશન સમેટી લીધું છે.