સોમાલિયા-યમનના ચાંચિયાઓએ 22 ભારતીયો સહિત બે જહાજો પકડયાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : સોમાલિયા અને યમનના ચાંચિયાઓએ બે અલગ અલગ ઘટનાઓમાં બે કાર્ગો શિપ પકડી લીધા હતા. એમાં કુલ ૨૨ ભારતીયોના પણ અપહરણ થયાનું કેન્દ્ર સરકારના શિપિંગ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું. ભારતીયો ઉપરાંત સીરિયા, સુદાન, ઈરાક જેવા દેશોના નાગરિકો પણ કાર્ગો શિપમાં ચાંચિયાઓના તાબામાં છે. આ બંને જહાજો જુદા જુદા દેશના ફ્લેગ સાથે પ્રવાસ કરી રહ્યા હતા.
આફ્રિકન દેશ ઈરિટ્રિયાનું જહાજ એડનની ખાડીમાંથી પસાર થઈ રહ્યું હતું. એ વેપારી જહાજ યમનથી ૩૦ નોટિકલ માઈલ દૂર હતું. એ દરમિયાન નાવડીઓમાંથી આવેલા છ હથિયારધારી ચાંચિયાઓએ જહાજ પર હુમલો કર્યો હતો અને બાનમાં લઈ લીધું હતું. આ દરમિયાન કોઈ ક્રૂ મેમ્બર્સને ઈજા પહોંચી ન હતી. એમાં કુલ ૨૦ ક્રૂ મેમ્બર્સમાંથી ૧૬ ભારતીય નાગરિકો છે. સીરિયા, ઈરાક અને સુદાનના નાગરિકો પણ અપહરણ થયેલા જહાજમા સામેલ હતા. કેન્દ્ર સરકારે ભારતીય ક્રૂ મેમ્બર્સના સંદર્ભમાં અપડેટ આપતા જણાવ્યું હતું કે બધા જ નાગરિકો ચાંચિયાઓના તાબમાં છે, પરંતુ સલામત છે.
બીજી ઘટના સોમાલિયાના નજીક બની હતી. પુંટલેન્ડના તટ પાસેથી કેમરુન દેશની કંપનીના માલિકીનું જહાજ પસાર થઈ રહ્યું હતું. એ જહાજમાં છ ભારતીયો સહિત ૧૦ ક્રૂ મેમ્બર્સ સવાર હતા. હોડીમાં આવેલા ૮ સોમાલિયન ચાંચિયાઓએ એકે-૪૭થી જહાજ પર હુમલો કર્યો હતો. મિનિટોમાં જહાજને કબજે લઈને સોમાલિયાના કાંઠે પહોંચાડયું હતું.
તુર્કીના બે વેપારી જહાજોને પણ ચાંચિયાઓએ લૂંટવાની કોશિશ કરી હતી, પરંતુ તુર્કીના હેલિકોપ્ટર્સ એની સુરક્ષા કરતા હતા. ચાંચિયાઓની નાવ નજીક આવી કે તુરંત હેલિકોપ્ટર્સમાંથી હુમલો થયો એટલે ચાંચિયાઓ નાસી ગયા હતા. આ ઘટના પછી ભારત સરકારના શિપિંગ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે આ સમુદ્રી માર્ગો બેહદ સંવેદનશીલ બની ગયા છે. આવી વારંવારની ઘટનાઓના કારણે સમુદ્ર વાટે થતાં વેપાર પર જોખમ ખડું થયું છે.









