વાહનચાલકોને મોટી રાહતના સંકેત! PUCCના નિયમોમાં ધરખમ ફેરફારની સરકારની તૈયારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Good News For Vehicle Owners: ભારતમાં વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવા અને વાહનોમાંથી થતાં ધુમાડા તથા ઉત્સર્જનને ઘટાડવા માટે સરકાર દ્વારા હાલ BS-6 (ભારત સ્ટેજ-6) ઉત્સર્જન ધોરણોવાળા વાહનોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે દેશભરના લાખો વાહનચાલકો માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવી રહ્યા છે.
મીડિયા અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકાર BS-6 વાહનો માટે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર(PUCC) બનાવવાની સમયમર્યાદામાં મોટી છૂટછાટ આપવાની યોજના બનાવી રહી છે.
જો સરકારનો આ નવો પ્રસ્તાવ આખરે પાસ થઈ જશે તો BS-6 વાહન માલિકોને દર વર્ષે પ્રદૂષણ કેન્દ્રના ચક્કર મારવાથી મુક્તિ મળી જશે. ચાલો જાણીએ કે, આ પ્રસ્તાવિત ડ્રાફ્ટથી કોને અને કેટલો લાભ મળશે.
શું છે મંત્રાલયની ડ્રાફ્ટ નોટિફિકેશન?
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય(MoRTH) દ્વારા જારી કરાયેલ ડ્રાફ્ટ નોટિફિકેશન પ્રમાણે BS-6 કોમર્શિયલ વાહનો માટેના નિયમોને હળવા કરવાની તૈયારી છે.
પ્રસ્તાવ પ્રમાણે જો BS-6 કોમર્શિયલ વાહન 6 વર્ષ જૂનું હોય, તો તેના માટે PUCCની માન્યતા અવધિ વધારીને 3 વર્ષ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
જોકે, વાહનોની ઉંમર હિસાબે PUCC રિન્યૂઅલ પ્રક્રિયાને અલગ-અલગ શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે.
- 6થી 10 વર્ષ જૂના BS-6 વાહન: આ વાહનોએ પોતાના PUCC સર્ટિફિકેટ દર 1 વર્ષ(વાર્ષિક)માં રિન્યૂ કરાવવું પડશે.
- 10 વર્ષથી વધુ જૂના BS-6 વાહન: આ વાહનોએ દર 6 મહિનામાં પોતાનું પોલ્યૂશન ટેસ્ટ કરાવવું ફરજિયાત છે.
BS-1થી BS-4 સુધીના જૂના વાહનો માટે નિયમો વધુ કડક બનશે
એક તરફ જ્યાં BS-6 વાહનોને રાહત આપવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ વધુ ઉત્સર્જન કરતા જૂના માનક વાહનો માટે નિયમો કડક કરવામાં આવી રહ્યા છે:
- BS-4 વાહન: ડ્રાફ્ટ પ્રમાણે BS-4 શ્રેણીના તમામ વાહનોને હવે 1 વર્ષના બદલે દર 6 મહિને પોતાનું PUCC રિન્યૂ કરાવવું પડશે.
- BS-1, BS-2 અને BS-3 વાહન: અત્યંત જૂની ટૅક્નોલૉજીવાળા આ વાહનો માટે PUCCની માન્યતા માત્ર 3 મહિના સુધી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ છે, એટલે કે માલિકોએ દર ક્વાર્ટરમાં ટેસ્ટ કરાવવું પડશે.
શું હોય છે ભારત સ્ટેજ ધોરણો?
ભારત સ્ટેજ (BS) ઉત્સર્જન ધોરણો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા એ ધોરણો છે જે વાહનોમાંથી નીકળતા ધુમાડામાં હાજર હાનિકારક તત્ત્વોનું પ્રમાણ નક્કી કરે છે. આ ધોરણો યુરોપિયન ધોરણો (Euro Norms) પર આધારિત છે. આ અંતર્ગત કાર્બન મોનોક્સાઇડ, નાઈટ્રોજન ઓક્સાઇડ, હાઇડ્રોકાર્બન અને વાહનોમાંથી નીકળતા પાર્ટિક્યુલેટ મેટર જેવા ઝેરી તત્ત્વો પર મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેથી દેશની હવાને સ્વચ્છ રાખી શકાય અને અતિશય પ્રદૂષણ ફેલાવતા જૂના વાહનોને ધીમે-ધીમે રસ્તાઓ પરથી હટાવી શકાય.









