Get The App

'કૂતરા ભસતા રહે છે પણ ટાઈગર શિકાર કરે છે...', એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સણસણતો જવાબ

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
Eknath Shinde Uddhav Thackeray clash

Eknath Shinde Uddhav Thackeray clash: મહારાષ્ટ્રના રાજકારણમાં એકવાર ફરીથી શાબ્દિક યુદ્ધ તેજ થઈ ગયું છે. શિવસેનાના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે અને તેમના જૂથ પર આકરા પ્રહારો કર્યા હતા. શિંદેએ સ્ટેજ પરથી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે મહાયુતિ ગઠબંધન સંપૂર્ણપણે મજબૂત છે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમના સંબંધોમાં તિરાડ હોવાની વાતો માત્ર અફવા છે. ટીકાકારોને આકરો જવાબ આપતા શિંદેએ સિંહગર્જના કરી હતી કે, 'કૂતરા ભસતા રહે છે, પરંતુ વાઘ હંમેશા શિકાર કરે છે'. તેમના આ નિવેદનને ઉદ્ધવ જૂથ માટે સીધો અને સ્પષ્ટ સંદેશ માનવામાં આવી રહ્યો છે.

અમારા વચ્ચે ગેરસમજ ઊભી કરવાનું વિપક્ષનું કાવતરું નિષ્ફળ જશે: શિંદે

સ્થાપના દિવસના મંચ પરથી એકનાથ શિંદેએ વિપક્ષને આડેહાથ લેતા કહ્યું હતું કે, 'કેટલાક લોકો સતત મારા અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે ગેરસમજ ઊભી કરવાના પ્રયાસો કરી રહ્યા છે.' તેમણે મહાયુતિ ગઠબંધનને અતૂટ ગણાવતા કહ્યું કે, 'તેને તોડવાની વિપક્ષની દરેક ચાલ નિષ્ફળ સાબિત થશે.' 

શિંદેના જણાવ્યા મુજબ, વિપક્ષ વારંવાર આવી અફવાઓ ફેલાવે છે, પરંતુ જે લોકો દ્વારા આ કાવતરાં ઘડવામાં આવે છે, તે જ લોકો પાછળથી આવીને અમને બધી હકીકત જણાવી દે છે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, 'મહારાષ્ટ્ર સરકાર પૂરી ગતિથી કામ કરી રહી છે અને અમારું ધ્યાન માત્ર વિકાસ પર જ છે, જેથી આવી અફવાઓની સરકારના કામકાજ પર રત્તીભર પણ અસર નહીં થાય.'

'અત્યાર સુધી જે જોયું તે માત્ર ટ્રેલર હતું, અસલી પિક્ચર હજી બાકી છે'

પોતાના ભાષણમાં એકનાથ શિંદેએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, 'અત્યાર સુધી જે કંઈ પણ જોવા મળ્યું છે તે માત્ર એક ટ્રેલર છે, અસલી ચિત્ર હજી બાકી છે. વિરોધ પક્ષો ભલે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા હોય, પરંતુ જનતા બધું જ સમજી રહી છે.' તેમણે રાજ્યના નાગરિકોને ભરોસો આપ્યો હતો કે સરકારની જનકલ્યાણકારી યોજનાઓ સતત ચાલુ રહેશે. ખાસ કરીને 'લાડકી બહેન યોજના' અંગે વાત કરતા તેમણે કહ્યું કે, આ યોજના બંધ થવાની કોઈ સંભાવના નથી અને સરકાર જનતાના હિત માટે પૂરી તાકાતથી કામ કરતી રહેશે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ અંગેના રિપોર્ટમાં મહત્ત્વની જાણકારીઓ છુપાવાઈ? પાયલોટના દાવાથી ખળભળાટ

જો બાળાસાહેબ જીવતા હોત તો પીએમ મોદીના વખાણ કરત: એકનાથ શિંદે

ઉદ્ધવ ઠાકરે પર સીધો હુમલો કરતા એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, 'જો હિન્દુહૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે આજે જીવિત હોત, તો તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મુક્તકંઠે વખાણ કરી રહ્યા હોત. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ બાળાસાહેબ ઠાકરેના વર્ષો જૂના સપના હતા, જેને દેશના વર્તમાન નેતૃત્વએ પૂરા કર્યા છે. વિપક્ષ પાસે હવે કોઈ નક્કર મુદ્દા બચ્યા નથી, તેથી તેઓ માત્ર આરોપોની રાજનીતિ રમી રહ્યા છે, પરંતુ જનતા આગામી સમયમાં પણ વિકાસના મુદ્દાને જ સમર્થન આપશે.'