અમદાવાદ પ્લેન ક્રેશ અંગેના રિપોર્ટમાં મહત્ત્વની જાણકારીઓ છુપાવાઈ? પાયલોટના દાવાથી ખળભળાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Plane Crash: 12મી જૂન 2025ના રોજ અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ક્રેશ કેસમાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. 'ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ' (FIP) દ્વારા તપાસ એજન્સીના પ્રારંભિક રિપોર્ટ પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ સંગઠનનો આરોપ છે કે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રારંભિક તપાસ રિપોર્ટમાંથી કોકપીટના મહત્ત્વના ડેટા જાણી જોઈને છુપાવવામાં આવ્યા છે.
એન્જિન ફેલ થતા પહેલા ઈલેક્ટ્રિકલ ખામી સર્જાઈ
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન FIPના અધ્યક્ષ કેપ્ટન સી. રંધાવાએ વિમાન દુર્ઘટના અંગે અનેક ગંભીર મુદ્દાઓ રજૂ કર્યા હતા. તેણે મુખ્ય આક્ષેપ કરતા જણાવ્યું કે, 'વિમાનના બંને એન્જિન ફેલ થયા તે પહેલાં તેમાં મોટી ઈલેક્ટ્રિકલ ખામી સર્જાઈ હતી. આ ખામીના કારણે કોકપીટમાં ઓડિયો ચેતવણીઓ અને મેસેજની આખી શ્રેણી શરૂ થઈ ગઈ હતી. આ તમામ એલર્ટ કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR)માં નોંધાયેલા છે, પરંતુ AAIBના પ્રારંભિક રિપોર્ટમાં આ ચેતવણી ક્રમને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યો છે અથવા છુપાવવામાં આવ્યા છે.'
FIPના 10 સિમ્યુલેટર પરીક્ષણોએ ખોલી પોલ
તપાસ એજન્સી AAIB દ્વારા સિમ્યુલેટર પરીક્ષણો કરવાનો ઇનકાર કરાતા, પાયલોટ એસોસિયેશને પોતે જ બોઇંગ 787 સિમ્યુલેટર પર 10 અલગ-અલગ પરીક્ષણો કર્યા હતા. આ પરીક્ષણોના પરિણામો સરકારી એજન્સીના દાવાઓથી તદ્દન વિપરીત આવ્યા છે.
•રેમ એર ટર્બાઇન (RAT)નો વિવાદ: RATએ વિમાનનો ઇમરજન્સી પાવર સપ્લાય છે. FIPના પરીક્ષણો દર્શાવે છે કે એન્જિન બંધ થયા પછી RATને હાઇડ્રોલિક દબાણ સક્રિય કરવામાં 18 સેકન્ડ લાગે છે.
•સરકારી એજન્સીનો દાવો: જ્યારે AAIBના રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે ફ્યુઅલ સપ્લાય બંધ કરવાની સ્વીચ દબાવ્યાના માત્ર 4 સેકન્ડમાં જ RAT કાર્યરત થઈ ગયું હતું.
•સમયરેખાના આ મોટા તફાવતને જોતા સંગઠને સરકારને પત્ર લખીને માંગ કરી છે કે આ અકસ્માતનો આખરી (ફાઇનલ) રિપોર્ટ જાહેર કરતા પહેલાં AAIB પોતે સત્તાવાર રીતે સિમ્યુલેટર ટેસ્ટ કરે.
બ્લેક બોક્સ (FDR)ના નુકસાન અંગે રહસ્ય ઘેરાયું
કેપ્ટન રંધાવાએ વિમાનની પૂંછડી (Tail)ના ભાગમાં રહેલા ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR)ને થયેલા નુકસાન સામે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ક્રેશ પછી વિમાનની પૂંછડીનો ભાગ મોટેભાગે અકબંધ મળ્યો હોવા છતાં FDRને આટલું ગંભીર નુકસાન કેવી રીતે થયું તે એક મોટો સવાલ છે. FDR સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક પાવર પર ચાલતું હોવાથી, તેનું ડેમેજ થવું વિમાનના પાવર સપ્લાયની મોટી ખામી તરફ ઈશારો કરે છે.
'મિરેકલ ઓન ધ હડસન' નો આપ્યો હવાલો
સમગ્ર ઘટનાને સમજાવવા માટે કેપ્ટન રંધાવાએ 2009ના અમેરિકાના જાણીતા 'મિરેકલ ઓન ધ હડસન' કિસ્સાની યાદ અપાવી હતી. જેમાં કેપ્ટન સુલીએ પ્લેન ખોટકાયા બાદ તેને નદીમાં સુરક્ષિત ઉતાર્યું હતું. તેણે જણાવ્યું કે, 'શરૂઆતમાં અમેરિકી તપાસમાં પણ કેપ્ટન સુલીને દોષી ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ 30-35 સિમ્યુલેટર ટેસ્ટ કર્યા બાદ સાબિત થયું હતું કે પ્લેન રનવે પર પાછું આવી શકે તેમ જ નહોતું અને કેપ્ટન સુલી સાચા હતા. કેપ્ટન સુલી તો પોતાનો બચાવ કરવા જીવતા હતા, પરંતુ અહીં (અમદાવાદ ક્રેશમાં) આપણા પાયલોટ મૃત્યુ પામ્યા છે, અને તેમની નિર્દોષતા સાબિત કરવા માટે અહીં કોઈ નથી.'
પાયલોટ એસોસિયેશનના આ આક્ષેપો બાદ હવે એવિએશન સેક્ટરમાં ખળભળાટ મચી ગયો છે અને તપાસ એજન્સીઓની પારદર્શિતા સામે મોટા સવાલો ઊભા થયા છે.









