'નગ્ન થઇ મંદિરે પહોંચી અને મૂર્તિ ઉપાડી તળાવમાં ઝંપલાવ્યું', મહિલા એન્જિનિયરના મોત અંગે ચોંકાવનારો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hyderabad Software Engineer Tejaswini Case 2026 : તેલંગાણાના હૈદરાબાદમાં થોડા દિવસો પહેલા પીરઝાદીગુડાના એક તળાવમાંથી મળી આવેલી મહિલા સોફ્ટવેર એન્જિનિયર તેજસ્વિનીની લાશના મામલામાં પોલીસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મેડિપલ્લી પોલીસની પ્રાથમિક તપાસમાં આ કેસમાં રહસ્યમય કડીઓ સામે આવી છે. જેનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.
નિર્વસ્ત્ર અવસ્થામાં મંદિરમાં પ્રવેશી અને…
પોલીસને એક સ્થાનિક મંદિરના સીસીટીવી (CCTV) ફૂટેજ હાથ લાગ્યા છે. આ ફૂટેજમાં જોવા મળ્યું છે કે તેજસ્વિની નિર્વસ્ત્ર હાલતમાં મંદિરમાં પ્રવેશી હતી. ત્યાં જઈને તેણે 'અણ્માવારુ'ની મૂર્તિ ઉઠાવી લીધી અને તેને પોતાની સાથે લઈને તળાવ તરફ ચાલી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તે મૂર્તિ સાથે જ તળાવમાં કૂદી ગઈ હતી, જેના કારણે તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જોકે, તળાવમાં કૂદવા અંગેના કોઈ સીસીટીવી ફૂટેજ મળ્યા નથી, પરંતુ પોલીસ અત્યારે તળાવમાંથી એ મૂર્તિ શોધવાનો પ્રયાસ કરી રહી છે. જો મૂર્તિ મળી જશે તો કેસમાં મોટી સફળતા મળી શકે છે.
ફ્લેટનું દર મહિને 1 લાખ રૂપિયાથી વધુ ભાડું!
તપાસ દરમિયાન તેજસ્વિનીની લાઈફસ્ટાઈલને લઈને પણ ઘણી આશ્ચર્યજનક બાબતો સામે આવી છે. તે જે એપાર્ટમેન્ટના ફ્લેટમાં ભાડેથી રહેતી હતી, તેનું ભાડું તે દૈનિક 3500 રૂપિયા લેખે ચૂકવતી હતી. આ હિસાબે તે મહિનાનું 1 લાખ રૂપિયાથી પણ વધુ ભાડું આપતી હતી. વધુમાં, તે જે એપાર્ટમેન્ટમાં રહેતી હતી તેની ઉપરના બે માળ પર એક લોજ ચાલતી હતી. જ્યાં અવારનવાર અજાણ્યા અને અવનવા લોકોની અવરજવર રહેતી હતી. તપાસ અધિકારીઓએ આ આખા એપાર્ટમેન્ટની ઝીણવટભરી તપાસ કરી છે અને આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી છે.
નાણાકીય લેણદેણની આશંકા વચ્ચે તપાસ તેજ
આ જીવનનો અંત કરવા પાછળનું સાચું કારણ શું છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસ અત્યારે ડેથ ડિક્લેરેશન, આર્થિક વ્યવહારો (પૈસાની લેણદેણ) અને બ્લેકમેલિંગ સહિતના તમામ એન્ગલથી તપાસ ચલાવી રહી છે. આ કેસના સંદર્ભમાં પોલીસે તેજસ્વિનીની માતા અરુણાની પણ પૂછપરછ કરી છે. કઈ પરિસ્થિતિઓના કારણે યુવતીએ આવું અંતિમ અને વિચિત્ર પગલું ભરવું પડ્યું તે જાણવા પોલીસ સીસીટીવીના તમામ તાર જોડી રહી છે.









