સેમિકન્ડક્ટર, મોબાઇલ, રેલવે... કેબિનેટે લીધા 6 મોટા નિર્ણય, કુલ રૂ.2.19 લાખ કરોડના બજેટને આપી મંજૂરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Cabinet Approves Semicon 2.0 Varanasi Projects : કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે (15 જુલાઈ 2026) મોબાઇલ ઉત્પાદન, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યુરિયા અને રેલવે સંબંધિત અનેક મોટા નિર્ણયોને લીલી ઝંડી આપી દીધી છે. જેમાં ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ના બીજા તબક્કા માટે 1.27 લાખ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત 14,447.64 કરોડ રૂપિયાના ખર્ચે NH-19 અને વારાણસી રિંગ રોડ વચ્ચે છ લેનના નવા એલિવેટેડ કોરિડોરને મંજૂરી અપાઈ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, NH-31ને વારાણસી રિંગ રોડ સાથે જોડતા 43.218 કિલોમીટર લાંબા 6,4 લેનના એલિવેટેડ કોરિડોરને મંજૂરી અપાઈ છે, જેનો ખર્ચ 10,998.32 કરોડ રૂપિયા થશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, 'કાશીમાં દર વર્ષે લગભગ 15 કરોડ પ્રવાસીઓ આવી રહ્યા છે. અહીં પાયાની સુવિધાઓના વિકાસ માટે ઘણું કામ થયું છે, અને આજે આગામી સ્તરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે બે મોટી મંજૂરીઓ આપવામાં આવી છે. વરુણા નદીના કિનારે આખો 6 લેન અને 4 લેન એલિવેટેડ કોરિડોર મંજૂર કરવામાં આવ્યો છે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. આ સાથે કાશીમાં ગંગા નદીની સમાંતર એક સંપૂર્ણ છ-લેન એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે. વરુણા એલિવેટેડ કોરિડોર અને ગંગા એલિવેટેડ કોરિડોર સંયુક્ત રીતે શહેરની ટ્રાફિક સમસ્યાનો સંપૂર્ણ અંત લાવશે.'
મોબાઇલ ઉત્પાદન માટે 62,500 કરોડ રૂપિયાની મંજૂરી
મંત્રીમંડળે મોબાઇલ મેન્યુફેક્ચરિંગ સંબંધિત પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ(PLI) યોજનાના બીજા તબક્કા માટે 62,500 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ યોજનાનો હેતુ સ્થાનિક ઉત્પાદન વધારવાનો અને ભારતીય ફોન બ્રાન્ડનો વિકાસ કરવાનો છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, પ્રોત્સાહન આધારિત આ નવી યોજનાથી આશરે 15 લાખ કરોડ રૂપિયાની નિકાસ અને 60,000 પ્રત્યક્ષ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે. આ યોજના નાણાકીય વર્ષ 2026-27 થી 2030-31 સુધીના પાંચ વર્ષ માટે લાગુ રહેશે.
'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન'(સેમિકોન 2.0)
સેમિકન્ડક્ટર મિશનના બીજા તબક્કા(સેમિકોન 2.0) માટે 1.27 લાખ કરોડ રૂપિયા મંજૂર કરાયા છે, જેનાથી દેશમાં આશરે 4 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવશે. યોજનાના ગાળા દરમિયાન દેશમાં 2 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના સેમિકન્ડક્ટરનું ઉત્પાદન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 'સેમિકોન 2.0' ને લીલી ઝંડી મળી છે, જેમાં ચિપ ઉદ્યોગ માટે જરૂરી ખનિજો અને ગેસ જેવા કાચા માલના સપ્લાયર્સને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. સેમિકોન 2.0ના છ મુખ્ય સ્તંભો હશે, જેમાં પ્રથમ સ્તંભ ચિપ ડિઝાઇનનો હશે. આ યોજના હેઠળ ભારત સ્વદેશી ચિપ ઉત્પાદન ક્ષેત્રે સ્વનિર્ભર બનશે. અગાઉ સેમિકોન 1.0 હેઠળ 76,000 કરોડ રૂપિયા ફાળવાયા હતા, જેમાં ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને તેની સેમિકન્ડક્ટર યુનિટ દ્વારા મોટું રોકાણ કરવામાં આવ્યું છે.
યુરિયા ઉત્પાદન અંગે સરકારનો મોટો નિર્ણય
કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય રોકાણ નીતિ-2026(National Investment Policy-2026)ને મંજૂરી આપી છે. તેનો ઉદ્દેશ્ય દેશમાં 1 કરોડ ટન વધારાની યુરિયા ઉત્પાદન ક્ષમતા ઊભી કરવાનો છે, અને આ ખાતરના મામલે ભારતને આત્મનિર્ભર બનાવવાનો છે. આ નીતિ હેઠળ દેશમાં કુદરતી ગેસ આધારિત 8થી 9 નવા યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે.
3,907 કરોડ રૂપિયાના બે રેલવે પ્રોજેક્ટ્સ
કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સે(CCEA) રેલવે મંત્રાલયના બે મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે.
પારા દીપ-હરિદાસપુર: રેલવે લાઇનનું ડબલિંગ કરવામાં આવશે.
રાજખરસાવાં-ડાંગોઆપોસી: ચોથી રેલવે લાઇનનું નિર્માણ કરવામાં આવશે.
ટ્રેકના વિસ્તરણથી આ રૂટો પર ટ્રેનોની ઝડપ વધશે, ભીડ ઓછી થશે, અને ભારતીય રેલવેની સેવાઓ વધુ નિયમિત અને સમયસર બનશે.









