સ્કૂલ-કૉલેજ ગયા વિના દેશના પહેલા શિક્ષણ મંત્રીએ નાખ્યો હતો આધુનિક શિક્ષણનો મજબૂત પાયો; IIT-UGCની સ્થાપના કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India First Education Minister: તાજેતરમાં ભારતમાં શિક્ષણ પદ્ધતિમાં રહેલા ગાબડાંને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. આ મુદ્દે જેન ઝી યુવાનોએ દિલ્હીમાં આંદોલન કર્યું અને શિક્ષણ મંત્રીનું રાજીનામું લઈને જ માન્યા. ભારતમાં શિક્ષણ નીતિઓ અને લાયકાતો પર ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આવા માહોલમાં યાદ આવે છે, સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ, જેમણે ક્યારેય કોઈ શાળા કે કૉલેજમાં ઔપચારિક શિક્ષણ લીધું નહોતું, તેમ છતાં તેમણે સફળતાપૂર્વક ભારતની શિક્ષણ પ્રણાલીની પાયાની ઈંટ મૂકી હતી. તેમણે IIT, UGC અને દેશની અન્ય અગ્રણી સાહિત્યિક એકેડમીઓની સ્થાપના કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ચાલો જાણીએ કે મૌલાના આઝાદનું જીવન અને તેમનું વિઝન શું હતું.
મક્કામાં જન્મ, ભારત આગમન
મૌલાના આઝાદનો જન્મ 11 નવેમ્બર 1888ના રોજ ત્યારના ‘ઓટોમાન સામ્રાજ્ય’(હાલના સાઉદી અરેબિયા)ના મક્કામાં થયો હતો. તેમના પૂર્વજો દિલ્હીમાં જ રહેતા હતા, પણ 1857ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન તેઓ ભારત છોડીને મક્કામાં સ્થાયી થયા હતા. આઝાદના જન્મ પછી 1890માં તેમનો પરિવાર ફરી ભારત આવીને કલકત્તામાં વસી ગયો હતો.
શાળા વિના સ્વ-શિક્ષિત વિદ્વાન બન્યા
આઝાદના પિતા મૌલાના ખૈરુદ્દીન પરંપરાગત વિચારો ધરાવતા હતા અને પશ્ચિમી શિક્ષણ પ્રત્યે શંકાશીલ હતા. તેમણે આઝાદને મદરેસામાં પણ ન મોકલ્યા અને ઘરે જ અલગ-અલગ વિદ્વાન શિક્ષકો પાસે ભણાવ્યા. આઝાદે 10 વર્ષની ઉંમર પહેલાં ફારસી શબ્દકોશ બનાવવાનું શરૂ કરી દીધું હતું. તેમણે 12 વર્ષની ઉંમરે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. અન્ય લોકો 20થી 25 વર્ષની ઉંમરે જેટલો અભ્યાસ પૂરો કરતા હતા એટલો અભ્યાસ તેમણે 16 વર્ષની ઉંમરે પૂરો કરી દીધો હતો. આટલી નાની ઉંમરે તેઓ બીજા 15 વિદ્યાર્થીઓને ફિલસૂફી અને તર્કશાસ્ત્ર ભણાવતા હતા, જેમાંના ઘણા તો તેમનાથી મોટા હતા! તેમના પિતાને અંગ્રેજી પસંદ નહોતું, એટલે આઝાદે જાતે જ ગુપ્ત રીતે અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. બાઇબલની અંગ્રેજી, ફારસી અને ઉર્દૂ આવૃત્તિઓ સરખાવીને તેમજ અંગ્રેજી અખબારો વાંચીને તેમણે અંગ્રેજી પર પ્રભુત્વ મેળવ્યું.
કિશોરાવસ્થામાં પત્રકારત્વ શરૂ કર્યું
આઝાદે માત્ર 15 વર્ષની ઉંમરે 'લિસાન-ઉસ-સિદક' નામનું માસિક સામાયિક શરૂ કર્યું. 1912માં તેમણે 'અલ-હિલાલ' અખબાર શરૂ કર્યું, જેમાં તેમણે વસાહતી બ્રિટિશ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા. આ અખબારનું લખાણ એટલું ધારદાર હતું કે તેનાથી માત્ર મુસ્લિમ સમાજમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં બ્રિટિશ વિરોધી ચેતના જાગી ગઈ હતી. અંગ્રેજ સરકારે પ્રેસ ઍક્ટ હેઠળ આ અખબાર પાસે વારંવાર સિક્યોરિટી ડિપોઝિટ(જામીનગીરી) માંગી અને અંતે અખબારનો પ્રેસ જ જપ્ત કરી લીધો હતો.
બ્રિટિશ શાસન સામે બળવો કર્યો
'અલ-હિલાલ' બંધ થઈ ગયું તો તેમણે 'અલ-બલાઘ' પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. 1916માં અંગ્રેજોએ એના પર પણ પ્રતિબંધ મૂકીને આઝાદને રાંચીમાં નજરકેદ કરી દીધા.
સૌથી નાની વયે કોંગ્રેસના અધ્યક્ષ બન્યા
1 જાન્યુઆરી 1920ના રોજ નજરકેદમાંથી છૂટ્યા બાદ આઝાદ સ્વતંત્રતા સંગ્રામમાં કૂદી પડ્યા. 1923માં જ્યારે તેઓ કોંગ્રેસના દિલ્હી સત્રના અધ્યક્ષ બન્યા ત્યારે તેમની ઉંમર માત્ર 35 વર્ષ હતી. તેઓ એ સમય સુધીના સૌથી યુવાન પ્રમુખ હતા. 1940થી 1946 સુધી તેઓ સતત 6 વર્ષ સુધી કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા, જે એ સમયનો રૅકોર્ડ હતો.
ભાગલા સામે મક્કમ અવાજ ઉઠાવ્યો, એકતાનો સંદેશ આપ્યો
1930 અને 1940ના દાયકામાં જ્યારે દેશના વિભાજનની વાતો ચાલતી હતી, ત્યારે આઝાદે તેનો સખત વિરોધ કર્યો. તેમણે ભારપૂર્વક કહ્યું કે હિન્દુ અને મુસ્લિમ બે અલગ રાષ્ટ્રો નથી, પરંતુ એક જ સામાજિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે.
ભાગલાથી ભારે દુખી થયા
ઑગસ્ટ 1947માં જ્યારે દેશના ભાગલા થયા ત્યારે તેઓ ભારે દુઃખી થયા. દેશમાં કોમી રમખાણો વચ્ચે, તેમણે દિલ્હીની જામા મસ્જિદના પગથિયાં પરથી મુસ્લિમોને અપીલ કરી કે તેઓ પોતાનો ડર છોડી દે અને પોતાના માતૃભૂમિ ભારતમાં જ રહે.
શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ કરી (1947થી 1958)
ઑગસ્ટ 1947થી ફેબ્રુઆરી 1958માં તેમના અવસાન સુધી, મૌલાના આઝાદે ભારતના શિક્ષણ મંત્રી તરીકે 11 વર્ષ અવિરત સેવા આપી. આ ગાળા દરમિયાન તેમણે ગરીબ અને અભણ દેશને આધુનિક શૈક્ષણિક માળખું આપ્યું.
- IITની સ્થાપના: ઑગસ્ટ 1951 માં ભારતની પ્રથમ IIT(IIT ખડગપુર)ની સ્થાપના થઈ. આઝાદ માનતા હતા કે માત્ર સાહિત્યિક શિક્ષણથી દેશ નહીં ચાલે; દેશને એન્જિનિયરો અને વિજ્ઞાનીઓની જરૂર છે.
- UGCની રચના: તેમણે 1948માં ડૉ. એસ. રાધાકૃષ્ણનની આગેવાની હેઠળ યુનિવર્સિટી શિક્ષણ પંચની રચના કરી, જેના આધારે 1953માં UGC(યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)ની સ્થાપના થઈ.
- સાંસ્કૃતિક અને સાહિત્યિક સંસ્થાઓ: તેમણે સાહિત્ય અકાદમી, લલિત કલા અકાદમી, સંગીત નાટક અકાદમી અને ICCR(ભારતીય સાંસ્કૃતિક સંબંધો પરિષદ)ની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી.
- પ્રાથમિક અને મફત શિક્ષણ પર ભાર(Article 45): તેમણે 14 વર્ષ સુધીના તમામ બાળકો માટે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોરદાર વકીલાત કરી હતી, જે બાદમાં ભારતીય બંધારણનો મહત્ત્વનો ભાગ બન્યો.
- મહિલા શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણ(Adult Education): તેમણે મહિલાઓના શિક્ષણ અને જે લોકો ભણી શક્યા નથી તેમના માટે અક્ષર જ્ઞાન(Adult/Social Education)ની વિશેષ યોજનાઓ શરૂ કરી હતી.
- પ્રોફેશનલ/ટેકનિકલ શિક્ષણ સંસ્થા(AICTE): દેશમાં એન્જિનિયરિંગ અને ટેકનિકલ શિક્ષણના ધોરણો નક્કી કરતી સંસ્થા AICTE(ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન)ને મજબૂત કરવામાં તેમનો મુખ્ય ફાળો હતો.
- મધ્યસ્થ શિક્ષણ સલાહકાર બોર્ડ(CABE): દેશભરમાં એકસમાન શિક્ષણ નીતિ ઘડવા માટે તેમણે CABEની બેઠકો દ્વારા રાજ્યો સાથે સમન્વય સાધ્યો હતો.
- બજેટમાં વધારો: તેમના કાર્યકાળ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ બજેટ રૂ. 2 કરોડથી વધીને રૂ. 30 કરોડથી વધુ થઈ ગયું.
'આઝાદ' ઉપનામ પાછળનું રહસ્ય
તેમનું મૂળ નામ મુહિયુદ્દીન અહમદ હતું. પરંતુ તેમણે પોતાની વિચારસરણી અને લેખન માટે 'આઝાદ' ઉપનામ પસંદ કર્યું, જેનો અર્થ થાય છે 'મુક્ત' અથવા 'સ્વતંત્ર'. તેઓ બાળપણથી જ પરંપરાગત વારસાગત વિચારો અને માન્યતાઓની ગુલામીમાંથી મુક્ત થઈને સ્વતંત્ર રીતે વિચારવા માંગતા હતા, તેથી તેમણે આ નામ અપનાવ્યું હતું.
ચાના શોખીન અને સંગીતપ્રેમી
મૌલાના આઝાદને ચાનો ભારે શોખ હતો. તેઓ એક ઉત્કૃષ્ટ સંગીતપ્રેમી હતા. તેઓ ખૂબ જ સુંદર સિતાર વગાડી શકતા હતા. તેઓ વિશ્વ સાહિત્ય અને ફિલસૂફીના ઊંડા અભ્યાસુ હતા.
જેલમાંથી લખાયેલા પત્રો માસ્ટરપીસ બન્યા
1942માં અહમદનગરના કિલ્લામાં જેલવાસ દરમિયાન તેમણે પોતાના મિત્ર મૌલાના હબીબુર રહમાન ખાન શેરવાનીને ઘણા પત્રો લખ્યા હતા. આ પત્રો ક્યારેય પોસ્ટ નહોતા થયા, પરંતુ બાદમાં 'ગુબાર-એ-ખાતિર' (Ghubar-e-Khatir) નામના પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયા. આ પુસ્તક ઉર્દૂ સાહિત્યનું માસ્ટરપીસ માનવામાં આવે છે, જેમાં ફિલસૂફી, ચાના પ્રેમ, પ્રકૃતિ અને જીવનના ગહન અનુભવોનો નિચોડ છે.
ભારત રત્ન લેવાનો ઇન્કાર
મૌલાના આઝાદને જ્યારે દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારત રત્ન' આપવાની વાત થઈ, ત્યારે તેમણે નમ્રતાપૂર્વક તેનો અસ્વીકાર કર્યો હતો. તેમનું માનવું હતું કે જે લોકો પુરસ્કાર આપનારી કમિટી કે સરકારનો હિસ્સો રહ્યા હોય, તેમણે પોતે આ ઍવૉર્ડ ન લેવો જોઈએ. બાદમાં, 1992માં તેમને મરણોત્તર 'ભારત રત્ન'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મૌલાના આઝાદના માનમાં ઉજવાય છે શિક્ષણ દિવસ
વર્ષ 2008થી મૌલાના આઝાદના જન્મદિવસ 11 નવેમ્બરને ભારતમાં દર વર્ષે 'રાષ્ટ્રીય શિક્ષણ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, જે ભારતની આધુનિક શિક્ષણ પ્રણાલી સ્થાપવામાં તેમના અજોડ પ્રદાનની યાદ અપાવે છે.









