India

મુંબઈમાં ઓરેન્જ એલર્ટ: ભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે તમામ સ્કૂલો બંધ, BMCની નાગરિકોને ચેતવણી

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં ભારે વરસાદ અને તેજ પવનની આગાહીને પગલે 6 જુલાઈ, 2026ના રોજ તમામ સરકારી-ખાનગી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. BMC, થાણે અને નવી મુંબઈ પ્રશાસને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે આ નિર્ણય લીધો. 24 કલાકમાં મુંબઈમાં 265 mm વરસાદ નોંધાયો, જેથી નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. જોકે, રેલવે સેવા સામાન્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈમાં ઓરેન્જ એલર્ટ: ભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે તમામ સ્કૂલો બંધ, BMCની નાગરિકોને ચેતવણી
દાદરના શિવાજી પાર્ક વિસ્તારમાં રવિવારે પડેલા ભારે વરસાદ અને તેજ પવનના કારણે એક મોટું વૃક્ષ કાર પર ધરાશાયી

Mumbai Heavy Rain Alert : હવામાન વિભાગ (IMD) દ્વારા મુંબઈમાં ભારે વરસાદ અને તેજ પવનની આગાહી સાથે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહીને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ સોમવાર, 6 જુલાઈ 2026ના રોજ મુંબઈની તમામ સરકારી, ખાનગી સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી છે. જો કે, તમામ સરકારી અને પ્રાઈવેટ ઓફિસો હંમેશની જેમ ચાલુ રહેશે.

થાણે અને નવી મુંબઈમાં પણ શૈક્ષણિક સંસ્થાઓ બંધ
મુંબઈ ઉપરાંત થાણેના જિલ્લા કલેક્ટર શ્રીકૃષ્ણાથ પાંચાલે પણ જિલ્લાની તમામ આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. જ્યારે નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (NMMC) એ પણ સોમવારે તમામ સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. નવી મુંબઈના મેયર સુજાતા પાટીલ અને કમિશનર કૈલાસ શિંદેએ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે.

વૃક્ષો ધરાશાયી થવાનો ભય, જોખમી ઈમારતો ખાલી કરવા આદેશ
નવી મુંબઈ પ્રશાસને નાગરિકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે, 'તેજ પવનના કારણે વૃક્ષો પડવાની ઘટનાઓ વધી રહી છે, તેથી કોઈએ ઝાડ નીચે ઊભા રહેવું નહીં કે વાહનો પાર્ક કરવા નહીં.' આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા જે ઈમારતોને જોખમી જાહેર કરાઈ છે, તેને કોઈ પણ સંભવિત અકસ્માતથી બચવા માટે તાત્કાલિક ખાલી કરવા આદેશ અપાયો છે.

મુંબઈમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક વરસાદ
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં રવિવારે દિવસભર ધોધમાર વરસાદ ચાલુ રહ્યો હતો. BMC ના જણાવ્યા અનુસાર, 5 જુલાઈના સાંજના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં મુંબઈ શહેરમાં 265 mm અને ઉપનગરો (સબર્બ્સ) માં 227 mm થી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય ગગનબાવડામાં સૌથી વધુ 143.1 mm વરસાદ પડ્યો છે.

વાહનવ્યવહાર પર અસર, રેલવે સેવા સામાન્ય
ભારે વરસાદના કારણે જિલ્લાના બે સ્ટેટ હાઈવે સહિત કુલ 7 રસ્તાઓ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે અને વહીવટી તંત્ર તેના પર સતત નજર રાખી રહ્યું છે. જો કે, રાહતના સમાચાર એ છે કે મુંબઈની લાઈફલાઈન ગણાતી રેલવે સેવા અને નેશનલ હાઈવે પર ટ્રાફિક સામાન્ય રીતે ચાલી રહ્યો છે અને ત્યાં કોઈ અવરોધ આવ્યો નથી.