India

મૃતક ગાયોના નામે 57 કરોડ રૂપિયાનું કૌભાંડ ! AG રિપોર્ટથી આ રાજ્યમાં મચ્યો ખળભળાટ

By GS Team
15 Jul 20263 mins read
TukuTouch Logo
રાજસ્થાનમાં ગૌવંશ સંરક્ષણ યોજના હેઠળ 57.36 કરોડના ગ્રાન્ટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. AGના રિપોર્ટ મુજબ, 38 ગૌશાળાઓએ મૃત કે ગેરહાજર ગાયોના નામે સરકારી સબસિડી મેળવી હતી. ડીગની એક ગૌશાળાએ 16.36 કરોડની વધુ ગ્રાન્ટ લીધી. સરકારે રિકવરીના આદેશ આપ્યા છતાં, હજુ સુધી એક પણ રૂપિયો વસૂલાયો નથી, જે ચિંતાજનક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મૃતક ગાયોના નામે 57 કરોડ રૂપિયાનું કૌભાંડ ! AG રિપોર્ટથી આ રાજ્યમાં મચ્યો ખળભળાટ

Rajasthan Cow Grant Scam Rs 57 Crore Subsidy : રાજસ્થાનમાં ગોવંશ સંરક્ષણ યોજના હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટમાં ગેરરીતિઓ સામે આવી છે. ઓડિટર જનરલ (AG) ના અહેવાલમાં ખુલાસો થયો છે કે, મૃત, ગુમ થયેલા અને રેકોર્ડમાં અસ્તિત્વ ન ધરાવતા ગોવંશના નામે પણ સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી. આ મામલે 38 ગૌશાળાઓ પાસેથી 57.36 કરોડ રૂપિયાની વસૂલાતના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી આ રકમ વસૂલ કરી શકાઈ નથી.

રિપોર્ટમાં તપાસ દરમિયાન થયેલા ચોંકાવનારા ખુલાસા

રાજસ્થાનમાં ગોવંશ સંરક્ષણના નામે સરકારી નાણાંના દુરુપયોગને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. એજી (AG) ના ઓડિટ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, વર્ષ 2023-24 દરમિયાન ઘણી ગૌશાળાઓને એવા પશુઓના નામે પણ સરકારી સબસિડી ચૂકવવામાં આવી હતી, જે કાં તો મરી ગયા હતા, અથવા સમગ્ર સમયગાળા દરમિયાન ગૌશાળામાં હાજર જ નહોતા.

અહેવાલ અનુસાર, રાજ્યની અનેક ગૌશાળાઓએ વાસ્તવિક સંખ્યા કરતાં ઘણી વધારે ગાયો દર્શાવીને સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મેળવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, ગૌશાળાઓના દૈનિક પશુ વિવરણ અને 'ભારત પશુધન એપ' (Bharat Pashudhan App)માં નોંધાયેલા આંકડાઓમાં મોટો તફાવત હોવા છતાં, સંબંધિત રેકોર્ડનું યોગ્ય વેરિફિકેશન કર્યા વિના જ, ગ્રાન્ટ મંજૂર કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત ઇનવેલિડ, ઇનએક્ટિવ અને નોંધણી વગરના ટેગવાળા પશુઓ પર પણ ચૂકવણી કરવામાં આવી હતી. સરકાર દ્વારા મોટા ગોવંશ માટે પ્રતિદિન 40 રૂપિયા અને નાના ગોવંશ માટે 20 રૂપિયાના દરે રકમ ચૂકવણી કરવામાં આવતી હતી.

38 ગૌશાળાઓ પર કૌભાંડનો આરોપ

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, રાજસ્થાનની 38 ગૌશાળાઓએ તેમની અરજીમાં વાસ્તવિક સંખ્યા કરતાં આશરે 1.31 લાખ વધુ ગોવંશ દર્શાવ્યા હતા. રિપોર્ટમાં જયપુરની પિંજરાપોલ ગૌશાળા પર આશરે 1.81 કરોડ રૂપિયા અને હિંગોનિયા ગૌશાળા દ્વારા અંદાજે 1.41 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ લેવાનો ઉલ્લેખ છે.

સૌથી મોટી નાણાકીય ગેરરીતિ ડીગ જિલ્લાની 'શ્રી બ્રજ કામદ સુરભિ વન શોધ સંસ્થાન ગૌશાળા' માં નોંધાઈ છે, જેને અંદાજે 16.36 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવાઈ હતી. આ સિવાય ઝાલોરની 'શ્રી ગોપાલ ગોવર્ધન ગૌશાળા, પથમેડા' ને આશરે 10.95 કરોડ રૂપિયા વધુ મળ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. રિપોર્ટમાં ભરતપુરની 3 અને સીકરની 6 ગૌશાળાઓનો પણ ઉલ્લેખ છે.

57.36 કરોડની રિકવરીના આદેશ છતાં વસૂલાત શૂન્ય

એજીના અહેવાલના આધારે ગોપાલન વિભાગે સંબંધિત 38 ગૌશાળાઓ પાસેથી કુલ 57.36 કરોડ રૂપિયા વસૂલ કરવાનો આદેશ આપ્યો છે. ગોપાલન નિયામક કચેરીએ 29 મે 2026ના રોજ તમામ સંબંધિત ગૌશાળાઓને નોટિસ મોકલીને નિયત સમયમાં રકમ જમા કરાવવા નિર્દેશ આપ્યો હતો. નોટિસમાં સ્પષ્ટ ચેતવણી અપાઈ હતી કે, જો સમયસર રકમ જમા નહીં થાય તો, ગૌશાળાઓની વહીવટી અને નાણાકીય મંજૂરીઓ રોકી દેવામાં આવશે. જો કે, ત્રણ-ત્રણ વખત રિકવરી ઓર્ડર જાહેર કરવા છતાં હજુ સુધી વસૂલાત થઈ શકી નથી.

બીજી તરફ, ગૌશાળા સંચાલકોનું કહેવું છે કે, આ કોઈ નકલી ગ્રાન્ટનો મામલો નથી, પરંતુ દસ્તાવેજો અને રેકોર્ડ મેઈન્ટેનન્સમાં કેટલીક ખામીઓ હતી. તેમણે દાવો કર્યો છે કે, સંબંધિત પુરાવા અને સ્પષ્ટીકરણ તપાસ સમિતિને સોંપી દેવામાં આવ્યા છે, અને તપાસ પૂર્ણ થયા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.