India

અકસ્માત વળતરમાંથી મેડિક્લેમના પૈસા કાપી શકાશે નહીં: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

By GS Team
16 May 20263 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે માર્ગ અકસ્માતના કેસોને લઈને એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો અકસ્માતનો ભોગ બનેલી કોઈ વ્યક્તિને તેની મેડિકલ ઇન્સ્યોરન્સ (મેડિક્લેમ) પોલિસી તરફથી હોસ્પિટલના ખર્ચના પૈસા મળ્યા હોય, તો પણ તે રકમને મોટર વહીકલ એક્ટ (MVA) હેઠળ મળતા અકસ્માત વળતરમાંથી કાપી શકાય નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

અકસ્માત વળતરમાંથી મેડિક્લેમના પૈસા કાપી શકાશે નહીં: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

SC on accident compensation: સુપ્રીમ કોર્ટે માર્ગ અકસ્માતના કેસોને લઈને એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો અકસ્માતનો ભોગ બનેલી કોઈ વ્યક્તિને તેની મેડિકલ ઇન્સ્યોરન્સ (મેડિક્લેમ) પોલિસી તરફથી હૉસ્પિટલના ખર્ચના પૈસા મળ્યા હોય, તો પણ તે રકમને મોટર વહીકલ ઍક્ટ (MVA) હેઠળ મળતા અકસ્માત વળતરમાંથી કાપી શકાય નહીં.

જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે ન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડની અપીલને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઇકોર્ટના એ આદેશને સંપૂર્ણપણે માન્ય રાખ્યો છે, જેમાં કહેવાયું હતું કે અકસ્માતના વળતરની ગણતરી કરતી વખતે મેડિક્લેમ દ્વારા મળેલું મેડિકલ બિલનું રિઇમ્બર્સમેન્ટ બાદ કરી શકાય નહીં, કારણ કે વીમાના પૈસા વ્યક્તિએ પોતે ભરેલા પ્રીમિયમના કારણે મળે છે જ્યારે અકસ્માત વળતર એ તેનો કાયદાકીય અધિકાર છે.

કાયદાકીય વળતર અને વીમા કરાર વચ્ચે મોટો તફાવત

સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે મોટર વહીકલ ઍક્ટ હેઠળ મળતું વળતર અને મેડિક્લેમ પોલિસીના ફાયદા, બંને સંપૂર્ણપણે અલગ બાબતો છે. અદાલતે જણાવ્યું કે મોટર વહીકલ ઍક્ટ હેઠળ મળતું વળતર એ એક કાયદાકીય (સ્ટેચ્યુટરી) અધિકાર છે, જે અકસ્માત કે મૃત્યુના કારણે ઊભો થાય છે. જ્યારે બીજી તરફ, મેડિક્લેમ એ એક ખાનગી કરાર (કોન્ટ્રેક્ટ) છે. વ્યક્તિ પોતાના જીવનની અનિશ્ચિતતાઓ અને ભવિષ્યની તબીબી કટોકટીને પહોંચી વળવા માટે વર્ષો સુધી પોતાના ખિસ્સામાંથી પ્રીમિયમ ભરે છે, ત્યારે તેને આ વીમાનો લાભ મળે છે. તેથી, વ્યક્તિએ ભરેલા પ્રીમિયમના બદલામાં મળતા લાભને કારણે કાયદાકીય વળતરમાં ઘટાડો કરી શકાય નહીં.

'ડબલ બેનિફિટ'ની દલીલ કોર્ટે ફગાવી

વીમા કંપનીએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે જો કોઈ વ્યક્તિને હૉસ્પિટલનો ખર્ચ મેડિક્લેમમાંથી પાછો મળી ગયો હોય અને ફરીથી તે જ રકમ અકસ્માત વળતર તરીકે ચૂકવવામાં આવે, તો તે એક જ નુકસાન માટે 'બેવડો લાભ' (ડબલ બેનિફિટ) અને અન્યાયી કમાણી ગણાશે. જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલને નકારી કાઢી હતી. કોર્ટે કહ્યું કે 'બેવડા લાભ'નો નિયમ ત્યારે જ લાગુ પડે જ્યારે બંને ચૂકવણીઓ એક જ કાયદાકીય સ્ત્રોત અથવા એક જ ક્ષેત્રમાંથી થતી હોય. આ કિસ્સામાં, જો વીમા કંપનીની દલીલ સ્વીકારવામાં આવે, તો જે લોકો વર્ષોથી પ્રીમિયમ ભરે છે તેઓ પોતાના જ વીમાના લાભથી વંચિત રહી જશે. આ ઉપરાંત, અકસ્માત કરનાર વાહનની વીમા કંપનીને તેનાથી ખોટો ફાયદો થશે, કારણ કે તેને માત્ર એટલા માટે તબીબી ખર્ચ ચૂકવવામાંથી મુક્તિ મળી જશે કારણ કે પીડિત પાસે પોતાની મેડિક્લેમ પોલિસી હતી.

આ પણ વાંચો: ' યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે...' નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાય સામે PM મોદીનું મોટું નિવેદન

મોંઘી તબીબી સારવાર અને હાઇકોર્ટોના અલગ-અલગ મંતવ્યો પર ચિંતા

આજના સમયમાં આકાશ આંબી રહેલા મેડિકલ ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અચાનક આવી પડતા તબીબી ખર્ચને પહોંચી વળવાની આર્થિક ક્ષમતા દરેક વ્યક્તિ પાસે હોતી નથી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે દેશની વિવિધ હાઇકોર્ટો દ્વારા આ મુદ્દે આપવામાં આવેલા વિરોધાભાસી ચુકાદાઓ અંગે પણ ચિંતા જાહેર કરી હતી. કોર્ટે કહ્યું કે આવા અલગ-અલગ ચુકાદાઓ કાયદાકીય અસ્થિરતા અને અસમંજસ ઊભી કરે છે. અદાલતે વકીલો અને જજોને પણ યાદ અપાવ્યું કે કોર્ટ સમક્ષ સાચા કાયદાકીય દાખલાઓ રજૂ કરવા તે તેમની જવાબદારી છે. આ ઐતિહાસિક સિદ્ધાંત નક્કી કર્યા બાદ, સુપ્રીમ કોર્ટે હવે આ મામલાને બોમ્બે હાઇકોર્ટ સમક્ષ નવેસરથી નિર્ણય કરવા માટે મોકલી આપ્યો છે.