સંજય રાઉતનો મોટો દાવો: 'કોંગ્રેસના MLCને પક્ષ બદલવા માટે આપવામાં આવી હતી 20 કરોડની ઓફર'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sanjay Raut Big Claim : મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે રવિવારે (5 જુલાઈએ) એક મોટો દાવો કરીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસના વિધાન પરિષદના સભ્ય (MLC) ધીરજ લિંગાડેને પક્ષ બદલવા માટે 20 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. જોકે, સંબંધિત MLCએ આ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. સંજય રાઉતે આ અંગે વધુ વિગતો આપી નહોતી કે, લિંગાડેને આ નાણાંની ઓફર કોણે કરી હતી, અને તેમને કઈ પાર્ટીમાં જોડાવાનું હતું, તે પણ સ્પષ્ટ કર્યું નથી.
'ધીરજ લિંગાડેને 20 કરોડની ઓફર મારી જાણમાં છે'
રાઉતે દાવો કર્યો હતો કે, 'તમે પાર્ટીના કાર્યકરો, સાંસદો અને ધારાસભ્યોને તોડી રહ્યા છો. લિંગાડેને 20 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી, આ બાબત મારી પૂરી જાણમાં છે. જે લોકો એ નથી સમજતા કે ક્યાં અટકવું, તેમનો અંત ખૂબ જ દુઃખદ હોય છે.' જનપ્રતિનિધિઓની ખરીદ-વેચાણ અને તોડજોડનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, કોઈકે તો આ બધું રોકવું જ પડશે.
ધીરજ લિંગાડેએ દાવાને નકારી કાઢ્યો
બીજી તરફ પત્રકારો સાથેની વાતચીતમાં કોંગ્રેસના MLC ધીરજ લિંગાડેએ આવી કોઈ પણ ઓફર મળી હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ રાઉત દ્વારા કરવામાં આવેલા આ દાવાથી પોતે આશ્ચર્યચકિત છે.
ભાજપનો સંજય રાઉત પર પલટવાર
ભાજપના મહારાષ્ટ્ર એકમના વરિષ્ઠ નેતા અને રાજ્ય મંત્રી ગિરીશ મહાજને પણ સંજય રાઉતના આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. મહાજને વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, રાઉત હંમેશા કાલ્પનિક આંકડાઓ હવામાં ઉછાળતા રહે છે. તેમણે ટોણો મારતા કહ્યું કે, સંજય રાઉતે આવા પાયાવિહોણા આક્ષેપો કરવાને બદલે શિવસેના (UBT)ના પોતાના સંગઠનને મજબૂત કરવા પર ધ્યાન આપવું જોઈએ.









