West Bengal Assembly Elections 2026 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. શિવસેના (UBT) ના નેતા સંજય રાઉતે મમતા બેનર્જીના સમર્થનમાં મોટું નિવેદન આપતા ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાઉતે દાવો કર્યો છે કે બંગાળમાં મમતા બેનર્જીને હરાવવાનું કામ માત્ર મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે.
બંગાળમાં મમતા દીદી જ જીતશે : સંજય રાઉત
સંજય રાઉતે (Sanjay Raut) પશ્ચિમ બંગાળની સ્થિતિ પર ટિપ્પણી કરતા જણાવ્યું કે, 'મમતા બેનર્જીને પશ્ચિમ બંગાળમાં હરાવવા મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને અમિત શાહ પણ જાણે છે કે તેઓ મમતા બેનર્જીને હરાવી શકતા નથી. ભાજપને પણ આ વાતની ખબર છે.'
‘પશ્ચિમ બંગાળનો પૂરો કંટ્રોલ લઈ લીધો’
ચૂંટણી પંચ દ્વારા બંગાળમાં કરવામાં આવેલી અધિકારીઓની બદલીઓ પર સવાલ ઉઠાવતા તેમણે ઉમેર્યું કે, 'તેથી જ પશ્ચિમ બંગાળનો પૂરો કંટ્રોલ લઈ લીધો છે. ચીફ સેક્રેટરી, ડીજી, કમિશનરની બદલી... આનાથી શું થશે ભાઈ? અન્ય રાજ્યોમાં આવું કેમ નથી થઈ રહ્યું? મહારાષ્ટ્રમાં કેમ નથી થતું? આસામમાં કેમ નથી થઈ રહ્યું? આસામના મુખ્યમંત્રી શું કરી રહ્યા છે તે તમને ખબર છે? તેમનું પ્રશાસન કઈ રીતે ચાલી રહ્યું છે તે જુઓ. પરંતુ તમે ગમે તે કરો, દેશની જનતા મમતા દીદીની સાથે છે. તેઓ લડનારી સિંહણ છે. અમે બધા તેમની સાથે છીએ. ફરી એકવાર પશ્ચિમ બંગાળમાં મમતા દીદીની જ જીત થશે.'
ચૂંટણી પંચની કામગીરીથી CM મમતા પણ નારાજ
નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamata Banerjee)એ પણ ચૂંટણી પંચ દ્વારા મુખ્ય સચિવ અને ડીજીપી સહિતના ટોચના અધિકારીઓની એકતરફી બદલી કરવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર પીએમ મોદીને ઘેર્યા
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભયંકર યુદ્ધ અંગે સંજય રાઉતે વડાપ્રધાન મોદીની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, 'પીએમ મોદીએ માત્ર ચિંતા વ્યક્ત કરી છે. હમણાં જ તેમની આંખ ખુલી છે. પરંતુ માત્ર ચિંતા નહીં, તમે યુદ્ધ રોકવા માટે સક્રિય બનો. ઈઝરાયલ હુમલા કરી રહ્યું છે અને આસપાસના ખાડી દેશોમાં ધુમાડાના ગોટા ઉડી રહ્યા છે. આ મામલે ભારતની ભૂમિકા મહત્વની હોવી જોઈએ. આપણે ૧૪૦ કરોડની વસ્તી ધરાવતો મોટો દેશ છીએ. તમે વિશ્વગુરુ છો, તો પછી માત્ર ચિંતા વ્યક્ત કરીને શું કરશો?'


