Get The App

હિન્દ મહાસાગરમાં 60 વર્ષમાં 30 ટકા ખારાશ ઘટી, સમુદ્ર જીવન પર ગંભીર અસર પડશે

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
હિન્દ મહાસાગરમાં 60 વર્ષમાં 30 ટકા ખારાશ ઘટી, સમુદ્ર જીવન પર ગંભીર અસર પડશે 1 - image

- ક્લાયમેટ ચેન્જની મહાસાગરને પણ અસર

- સમુદ્રના પાણીની ખારાશ ઘટવાની સાથે તેનું ઘનત્વ પણ ઓછું થઇ જાય છે: અભ્યાસનું મહત્વનું તારણ 

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાના પશ્ચિમી તટથી દૂર દક્ષિણ હિન્દ મહાસાગરમાં છેલ્લા ૬૦ વર્ષમાં ૩૦ ટકા ખારાશ ઘટી ગઇ હોવાનું કોલોરાડો યુનિવર્સિટીના એક અભ્યાસમાં જણાયું છે. આ બાબતની મહાસાગરના પ્રવાહો, જળવાયુ અને વરસાદની પેટર્ન તથા દરિયાઇ જીવન પર ગંભીર અસરો પડી શકે છે તેમ સંશોધકોએ જણાવ્યું હતું. સંશોધકોને કમ્પ્યુટર સિમ્યુલેશનમાં જણાયું હતું કે આ ફેરફારનું કારણ જળવાયુપરિવર્તન જ છે. 

સતત વધી રહેલાં ગ્લોબલ વોર્મિંગને કારણે હિન્દ મહાસાગર અને ઉષ્ણ કટિબંધીય પ્રશાંત મહાસાગરની સપાટી પરના પવનો પલટાઇ રહ્યા છે. પવનોમાં થઇ રહેલાં આ ફેરફારો મહાસાગરના પ્રવાહો  દ્વારા હિન્દ મહાસાગરના મીઠાં પાણીને દક્ષિણ હિન્દ મહાસાગર તરફ ધકેલી રહ્યા છે. સંશોધકોએ જણાવ્યું હતું કે સમુદ્રના પાણીની ખારાશ ઘટવાની સાથે તેનું ઘનત્વ પણ ઓછું થઇ જાય છે. 

ભારતના હવામાન પર આ બાબતની અસર પડી શકે છે. હિન્દ મહાસાગરમાં થનારાં ફેરફારોની અસર ચોમાસાની પેટર્ન, વરસાદ, દરિયાઇ મત્સ્યપાલન અને દરિયાકાંઠાના વિસ્તારોના હવામાન પર પડશે. આને કારણે યુરોપ,એશિયા અને આફ્રિકાના તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના છે. મહાસાગરો એકમેક સાથે જોડાંયેલાં હોવાથી એક જગ્યાએ થતાં ફેરફારની અસર હજારો કિલોમીટર દૂર સુધી અનુભવાય છે. 

નિષ્ણાતોના જણાવ્યા અનુુસાર આ પરિવર્તનથી મહાસાગર અને હવામાનના પરસ્પર સમીકરણો બદલાઇ શકે છે. સમુદ્રમાં ખારાશ ઘટી જવાને કારણે ઓસન સરક્યુલેશન સિસ્ટમ માં અવરોધ આવશે તો  તેની અસર દુનિયાભરના જળવાયુપરિવર્તન પર પડશે. સામાન્ય રીતે મહાસાગરોની ખારાશ લગભગ ૩.૫ ટકા હોય છે. જો કે દુનિયાભરના મહાસાગરોની ખારાશનું પ્રમાણ અલગ અલગ હોય છે. દાખલા તરીકે ઓસ્ટ્રેલિયાના દક્ષિણ પશ્ચિમી તટ પાસે આવેલો દક્ષિણ હિન્દ મહાસાગર વધારે ખારો છે જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઉષ્ણ કટિબંધ વિસ્તારમાં પૂર્વ હિન્દ મહાસાગરથી પશ્ચિમી પ્રશાંત મહાસાગરની ખારાશ ઓછી છે. ખારાશમાં રહેલાં આ ફરકને કારણે ઓસન સરક્યુલેશનમાં એક કન્વેયર બેલ્ટ જેવી રચના થાય છે જેના થકી પૃથ્વીની ચારે તરફ ગરમી, મીઠું અને મીઠાં પાણીનું વિતરણ થાય છે.