Get The App

ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન! નહીં પડે તેલની તંગી: રિપોર્ટ

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
Russian Crude Oil for India
(IMAGE - ENVATO)

Russian Crude Oil for India: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગની સીધી અસર હવે તેલના પુરવઠા પર જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તેલના ટેન્કરોની અવરજવર અટકી જતાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેલ સંકટની આશંકા સેવાઈ રહી છે. ભારત તેની જરૂરિયાતનું લગભગ 40% ક્રૂડ ઓઇલ આ જ રૂટ પરથી મેળવે છે, જે હવે બંધ જેવી સ્થિતિમાં છે. 

તેલ સંકટના સમયે રશિયાએ ભારતને સપ્લાયની આપી ખાતરી

જો આ યુદ્ધ લાંબુ ખેંચાય તો મુશ્કેલી વધી શકે તેમ છે. આ મુશ્કેલ સમયમાં રશિયા ફરી એકવાર ભારતની વહારે આવ્યું છે. રશિયાએ ભારતને તેલ સપ્લાય કરવાની ખાતરી આપી છે અને હાલમાં ભારતીય દરિયાઈ સીમાની નજીક જ જહાજોમાં આશરે 9.5 મિલિયન બેરલ રશિયન ક્રૂડ ઓઇલ હોવાના અહેવાલ છે, જે આગામી થોડા જ અઠવાડિયામાં ભારત પહોંચી શકે છે.

ભારતની 40% તેલની જરૂરિયાત પૂરી કરવા રશિયા તૈયાર

ભારતીય રિફાઇનરો દરરોજ લગભગ 5.6 મિલિયન બેરલ ક્રૂડ પ્રોસેસ કરે છે. હાલમાં ભારત પાસે અંદાજે 25 દિવસનો તેલનો સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ સરકાર લાંબા ગાળાની વ્યૂહનીતિના ભાગરૂપે અન્ય વિકલ્પો પણ શોધી રહી છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાની મથકો પર કરાયેલા હુમલા બાદ સમુદ્રી માર્ગો જોખમી બન્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયા ભારતની ક્રૂડની જરૂરિયાતના 40% સુધી હિસ્સો પૂરો કરવા તૈયાર છે. જોકે, રશિયા પાસેથી તેલની આયાત વધારવાનો અંતિમ નિર્ણય અમેરિકા સાથે ચાલી રહેલી વ્યાપારી વાટાઘાટો અને સરકારના માર્ગદર્શન પર નિર્ભર રહેશે.

આ પણ વાંચો: બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું

અમેરિકા સાથેના સંબંધો અને રશિયાની ઓફર

નોંધનીય છે કે, જાન્યુઆરી મહિનામાં ભારતે અમેરિકા સાથેના વ્યાપારી સંબંધોને ધ્યાનમાં રાખીને રશિયન તેલની આયાત ઘટાડીને 1.1 મિલિયન બેરલ પ્રતિ દિવસ કરી દીધી હતી. પરંતુ ફેબ્રુઆરીમાં આ હિસ્સો ફરી વધીને 30% થયો છે. હવે રશિયાએ ભારતની કુલ જરૂરિયાતના 40% સુધીનો હિસ્સો પૂરો કરવાની તૈયારી દર્શાવી છે. જોકે, રશિયા પાસેથી તેલની આયાત કેટલી વધારવી, તેનો આખરી નિર્ણય ભારત સરકાર અમેરિકા સાથેની મંત્રણા અને પોતાની ઉર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેશે.

ભારત આ મુશ્કેલ સમયમાં પોતાની 'ન્યૂટ્રલ' છબી જાળવી રાખીને દેશની જનતાને તેલની તંગી ન પડે તે માટે મક્કમતાથી આગળ વધી રહ્યું છે.

ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન! નહીં પડે તેલની તંગી: રિપોર્ટ 2 - image