રૂ. 23,000 કરોડનો ટ્રાફિક દંડ બાકી, ઈ-ચલણ નહીં ભરનારા વાહનો જપ્ત કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court On Unpaid E Challan : દેશભરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે, ટ્રાફિક પોલીસ અચાનક ગમે ત્યાં તપાસ હાથ ધરે અને જે વાહનોના ઈ-ચલણ લાંબા સમયથી બાકી હોય તેવા વાહનોને તાત્કાલિક જપ્ત કરે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે આ કડક નિર્દેશ આપ્યા છે. કોર્ટના ધ્યાને આવ્યું કે સમગ્ર દેશમાં 23,000 કરોડ રૂપિયા કરતાં વધુ રકમનો ટ્રાફિક દંડ વસૂલવાનો બાકી છે. કોર્ટમાં રજૂ કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, દેશભરમાં કુલ 49,194.05 કરોડ રૂપિયાના ઈ-ચલણ જારી કરવામાં આવ્યા હતા, જેમાંથી વાહનચાલકોએ માત્ર 26,175.05 કરોડ રૂપિયા જ ચૂકવ્યા છે, જ્યારે હજુ પણ 23,019 કરોડ રૂપિયાનો દંડ બાકી બોલે છે.
પરિવહન પોર્ટલ પર ડિજિટલ સેવાઓ સ્થગિત કરાશે
દંડ ન ભરનારા વાહનમાલિકો સામે સકંજો કસવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય પરિવહન પોર્ટલ પરની સંબંધિત ડિજિટલ સેવાઓ તાત્કાલિક સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. જ્યાં સુધી જૂનો બાકી દંડ પૂરેપૂરો ભરપાઈ ન થાય ત્યાં સુધી સંબંધિત વાહનની નોંધણી પ્રમાણપત્ર (RC) રિન્યૂ કરવા, ડુપ્લિકેટ દસ્તાવેજો મેળવવા કે રહેઠાણનું સરનામું બદલવા જેવી સેવાઓ પર સંપૂર્ણપણે રોક લગાવી દેવામાં આવશે.
ફિટનેસ, પીયુસી અને વાહન વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ
કોર્ટે પરિવહન વિભાગોને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે નિયમભંગ કરનારા અને દંડ ન ભરનારા વાહનોને ફિટનેસ પ્રમાણપત્ર તેમજ પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર એટલે કે પીયુસી બિલકુલ આપવામાં ન આવે. આવા વાહનોને પરિવહન પોર્ટલ પર કાળી યાદીમાં મૂકી દેવામાં આવશે જેથી કોઈ પણ વ્યક્તિ તે વાહન વેચી કે માલિકી હક બદલી શકશે નહીં. આ ઉપરાંત, જે ચાલકો વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં પકડાશે તેમના ડ્રાઇવિંગ લાયસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવશે.
અદાલતી વસૂલાતની પદ્ધતિ નિષ્ફળ, જમીની અમલ જરૂરી
નિયમોના અમલીકરણમાં રહેલી ખામીઓ દર્શાવતા બેન્ચે નોંધ્યું કે અદાલતો મારફતે દંડ વસૂલવાની પરંપરાગત પદ્ધતિ હવે બિનઅસરકારક સાબિત થઈ રહી છે, કારણ કે બાકી કેસોનો ભરાવો ખૂબ મોટો થઈ ગયો છે. જ્યાં સુધી જમીની સ્તર પર કડક વસૂલાત વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી લાખોની સંખ્યામાં આપમેળે જારી થતાં ઈ-ચલણનો કોઈ ડર કે અસર રહેતી નથી.
સુપ્રીમ કોર્ટની રાજ્યોને કડક ચેતવણી
ન્યાયાધીશોએ તમામ રાજ્ય પ્રશાસનોને કડક ચેતવણી આપી છે કે જો અદાલતના આ નિર્દેશો માત્ર કાગળ પર જ રહેશે, તો આદેશનું પાલન ન કરનારા સત્તાવાળાઓ સામે કોર્ટ આકરી કાર્યવાહી હાથ ધરશે. આ નિર્દેશ વર્ષ 2012થી માર્ગ સુરક્ષા સંદર્ભે સુપ્રીમ કોર્ટ સમક્ષ ચાલી રહેલી એસ. રાજશેખરન વિરુદ્ધ ભારત સરકારની જાહેર હિતની અરજી અંતર્ગત આપવામાં આવ્યા છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૅક્નોલૉજી અને માસિક જાહેર ઓનલાઇન ડેશબોર્ડ
સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણને હાલની ઈલેક્ટ્રોનિક તપાસ વ્યવસ્થામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા જોડવાનો આદેશ કર્યો છે. આ નવી પ્રણાલી કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989ના નિયમ 167A(3) હેઠળ આવતા 12 ચોક્કસ ટ્રાફિક નિયમભંગોને આપમેળે પકડી પાડશે. સમગ્ર વ્યવસ્થામાં પારદર્શિતા જળવાય તે માટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એક જાહેર જાહેર ઓનલાઇન ડેશબોર્ડ શરૂ કરશે. આ વ્યવસ્થા દર મહિને અપડેટ થશે, જેમાં રાજ્યવાર કેટલા ઈલેક્ટ્રોનિક અમલીકરણ ઉપકરણો કાર્યરત છે અને પકડાયેલા ઉલ્લંઘનો સામે કેટલા ઈ-ચલણ બન્યા તેની સંપૂર્ણ વિગત જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવશે.




