ટ્રાફિકમાં ફસાયા પરિવહન મંત્રી નીતિન ગડકરી, અધવચ્ચે જ યુટર્ન લેવો પડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nitin Gadkari Stuck In Traffic: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી જ પોતે ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા, જેના લીધે તેમણે પોતાનું કામ અધવચ્ચે જ અટકાવી પરત ફરવુ પડ્યું હતું. તેઓ એક અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા, ત્યાં પોતે જ ટ્રાફિકમાં અટવાઈ જતાં કામ અધૂરું મૂકી પરત ફરવા મજબૂર બન્યા હતા. સોમવારે પૂણેમાં ભારે ટ્રાફિકના કારણે ગડકરીના કાફલાએ આ નિર્ણય લેવો પડ્યો હતો.
છેલ્લા એક સપ્તાહથી પૂણેમાં ભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. એવામાં રસ્તા પર ચક્કાજામ પણ વધ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂણેમાં ભારે ટ્રાફિકના કારણે ગડકરી પોતાની આ મુલાકાત અધવચ્ચે અટકાવી પરત ફરવા મજબૂર બન્યા હતા. કેન્દ્રીય મંત્રી પૂણેના જૂના શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા બનાવવામાં આવી રહેલા ફોર લેન અંડરગ્રાઉન્ડ ટનલ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા જઈ રહ્યા હતા.
વિસ્તારના ધારાસભ્ય હેમંત રસાનેની અપીલ પર કેન્દ્રીય મંત્રી ગડકરી આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા તૈયાર થયા હતા. તેઓ ધારાસભ્ય સાથે શનિવારવાડાના મુખ્ય દ્વાર સુધી પહોંચ્યા હતા. ધારાસભ્યે તેમને પ્રોજેક્ટની શરુઆત અને ખર્ચ અંગે માહિતી આપી હતી. જેના પર ગડકરીએ જણાવ્યું હતું કે, તેઓ પહેલાં નિરીક્ષણ કરશે અને બાદમાં આ મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા કરશે.
ટ્રાફિકની સમસ્યા ઉકેલવા અંડરગ્રાઉન્ડ ટનલ બનાવાશે
શહેરમાં વધી રહેલા ટ્રાફિકને ધ્યાનમાં લેતાં સરકારે બે ટનલ બનાવવાનો નિર્ણય લીધો છે. જેમાં એક શનિવારવાડાથી સ્વારગેટ સુધી જશે. બીજી સારસબાગથી શનિવારવાડા સુધી જશે. 2.5 કિમી લાંબી આ ટનલની મદદથી નાગરિકો શિવાજી રોડ અને બાજીરાવ રોડ પર થતાં ટ્રાફિકથી છૂટકારો મેળવી શકશે. શિવાજી રોડ પર શનિવારવાડાથી સ્વારગેટ સુધી રોજ ટ્રાફિક હોય છે.
પોલીસ પ્રશાસનની ગેરસમજ
નાગરિકોની સુવિધા અને મંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં પોલીસે ગડકરીને નિરીક્ષણ પ્રક્રિયા ટૂંકાવવા ભલામણ કરી હતી. કેન્દ્રીય મંત્રી આ ભલામણ પર સહમત પણ થયા હતા. પરંતુ પોલીસ અને નગર પ્રશાસનની ગેરસમજના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. પોલીસને નિરીક્ષણ માટે આવી રહેલા કાફલા અને તેના રૂટ વિશે સંપૂર્ણ જાણકારી ન હતી.








