ઓડિશામાં દલિત યુવકો સાથે બર્બરતા, ઘાસ અને ગટરનું પાણી પીવા મજબૂર કર્યા: રાહુલ ગાંધીએ કહ્યું- દેશમાં મનુસ્મૃતિ નહીં ચાલે
Rahul Gandhi Slams on BJP Over Odisha Incident: ઓડિશાના એક ગામમાં બે દલિત યુવકો સાથે આચરવામાં આવેલા ગેરવર્તનથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ આકરી પ્રતિક્રિયા આપતાં ભાજપ પર સવાલો ઉઠાવ્યા છે. તેમજ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, દેશ બંધારણથી ચાલશે, મનુસ્મૃતિથી નહીં.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર આ ઘટના મુદ્દે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે, ઓડિશામાં બે દલિત યુવકોને ઘૂંટણિયે ચાલવા, ઘાસ ખાવા અને ગંદુ ગટરનું પાણી પીવા મજબૂર કર્યા છે, તે તદ્દન અમાનવીય ઘટના જ નહીં પણ મનુવાદી વિચારસરણીની બર્બરતા છે.
સમાનતા, ન્યાય અને માનવતાની વિરુદ્ધ ષડયંત્ર
આગળ રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ઘટના એવા લોકોને અરીસો બતાવે છે કે, જેઓ બૂમો પાડીને કહી રહ્યા છે કે, જાતિ હવે મુદ્દો રહ્યો નથી. દલિતોની ગરિમાને કચડતી આ ઘટના બાબા સાહેબના બંધારણ પર પ્રહાર સમાન છે. સમાનતા, ન્યાય અને માનવતા વિરુદ્ધ ષડયંત્ર છે.
આ પણ વાંચોઃ ઓપરેશન સિંધુ: 161 ભારતીય નાગરિકોને લઈને ઈઝરાયલથી પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી
ભાજપ પર કર્યા પ્રહાર
ભાજપ શાસિત રાજ્યોમાં આ પ્રકારની ઘટનાઓ બનવી સામાન્ય છે. કારણકે, તેમનું રાજકારણ રોષ, નફરત અને ઊંચ-નીચના ભેદભાવ પર નભેલું છે. ખાસ કરીને ઓડિશામાં એસસી, એસટી અને મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર સતત વધી રહ્યા છે. દોષિતોને તુરંત આકરી સજા આપવી જોઈએ. દેશ બંધારણથી ચાલશે, મનુસ્મૃતિથી નહીં.
શું હતી ઘટના?
ઓડિશાના ખારીગુમ્મા ગામમાં બે દલિત યુવકોને પશુ તસ્કરીની શંકામાં નિર્દયી રીતે ઢોર માર માર્યો હતો. તેમની સાથે ગેરવર્તન આચરી તેમને જબરદસ્તી સલુન લઈ જઈ અડધું માથુ મુંડાવ્યું હતું. બાદમાં યુવકોને ઘૂંટણિયે બે કિમી સુધી ચાલવા મજબૂર કર્યા હતા. આટલેથી જ ન અટકતાં આરોપીઓએ બંને યુવકોને ઘાસ ખવડાવ્યું હતું અને ગટરનું પાણી પણ પીવડાવ્યું હતું. ઘરાકોટ બ્લોકમાં સિંગીપુર ગામમાં રહેતાં બુલુ નાયક અને બાબુલા નાયક નામના બે યુવકોએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. તેઓએ જણાવ્યું કે, તે દીકરીના દહેજ માટે ગાય ખરીદવા હરિપુર ગામ ગયા હતા.
બબુલાની દિકરીના લગ્ન હોવાથી દહેજમાં ગાય આપવા પોતાના પિતરાઈ ભાઈ બુલુ સાથે હરિપુરથી ત્રણ ગાય ખરીદીને પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં ખારીગુમ્મા ગામના અમુક લોકોએ તેમને રસ્તામાં રોકી પશુ તસ્કરીનો આરોપ મૂક્યો હતો. બાદમાં બંને પાસે પૈસા માગ્યા હતા. પૈસા આપવાનો ઇન્કાર કરતાં તેમની સાથે મારપીટ કરી હતી.