India

'દરેક EVMમાં પહેલેથી જ 25 હજાર વોટ હતા', RJD નેતાના ગંભીર આરોપથી બિહારનું રાજકારણ ગરમાયું

By GS TEAM
18 Nov 20252 mins read
TukuTouch Logo
બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીના પરિણામો બાદ રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ સોમવારે (17મી નવેમ્બર) પટણામાં સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં તેજસ્વી યાદવને સર્વસંમતિથી વિધાનસભા પક્ષના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા હતા. જો કે, બેઠક બાદ RJDના વરિષ્ઠ નેતાઓના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અંગેના નિવેદનોથી રાજકીય વાતાવરણ ગરમાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'દરેક EVMમાં પહેલેથી જ 25 હજાર વોટ હતા', RJD નેતાના ગંભીર આરોપથી બિહારનું રાજકારણ ગરમાયું

Bihar Politics: બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીના પરિણામો બાદ રાષ્ટ્રીય જનતા દળે(RJD) સોમવારે (17મી નવેમ્બર) પટણામાં સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં તેજસ્વી યાદવને સર્વસંમતિથી વિધાનસભા પક્ષના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા હતા. જો કે, બેઠક બાદ RJDના વરિષ્ઠ નેતાઓના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અંગેના નિવેદનોથી રાજકીય વાતાવરણ ગરમાયું છે.

અમારા 25 ધારાસભ્યોનો વિજય સૌભાગ્યની વાત: જગદાનંદ સિંહ 

સમીક્ષા બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે EVMને લઈને ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 'અમને અપેક્ષા નહોતી કે ચૂંટણીમાં RJDને આવી દુર્દશાનો સામનો કરવો પડશે. EVMમાં આશરે 25,000 મત પહેલાથી જ હતા. છતાં અમારા 25 ધારાસભ્યોનો વિજય અમારા માટે સૌભાગ્યની વાત છે.' તેમના નિવેદનથી ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર સીધો સવાલ ઉઠાવવામાં આવ્યો છે.

'લોકશાહી પ્રક્રિયા સાથે છેડછાડ'

જગદાનંદ સિંહે લોકશાહી પ્રક્રિયામાં કથિત છેડછાડ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, 'જો લોકશાહી પ્રક્રિયા સાથે છેડછાડ કરવામાં આવે તો દેશ કઈ દિશામાં જશે? શાસક પક્ષે પરિસ્થિતિ બદલવા માટે ખાસ પગલાં લીધા છે. શું લોકશાહી એક એવો વ્યવસાય છે જ્યાં છેતરપિંડી ચાલુ રહી શકે છે? EVM સાથે છેડછાડ ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.'

આ પણ વાંચો: વિદેશમાં નોકરીના ચક્કરમાં કિડનેપિંગનો ખતરો! આ દેશમાં વીઝા ફ્રી એન્ટ્રી બંધ, વિદેશમંત્રાલયની એડવાઈઝરી જાહેર

બેલેટ પેપરથી જીતીએ છીએ, EVMથી હારીએ છીએ: ધારાસભ્ય ભાઈ વીરેન્દ્ર

બેઠકમાં હાજર રહેલા મનેરના RJD ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રએ પણ ચૂંટણી પ્રક્રિયામાં છેડછાડનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, 'અમે બેલેટ પેપરનો ઉપયોગ કરીને ચૂંટણી જીતીએ છીએ, પરંતુ EVMનો ઉપયોગ કરીને ચૂંટણી હારી જઈએ છીએ. EVM સાથે છેડછાડ કરવામાં આવી છે, અને આપણે તેની સામે લડવું જોઈએ.' તેમણે આ મુદ્દે વધુ આંદોલનની જરૂરિયાત દર્શાવી હતી.

આરજેડી નેતાઓના આ આક્ષેપોથી ફરી એકવાર EVMની વિશ્વસનીયતા પર રાજકીય ચર્ચા શરુ થઈ છે. જો કે, ચૂંટણી પંચે ભૂતકાળમાં વારંવાર સ્પષ્ટતા કરી છે કે EVM સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમાં કોઈપણ પ્રકારની હેરાફેરી અશક્ય છે.

બિહારમાં NDAની 202 બેઠક પર જીત

બિહારમાં NDA 202 બેઠક પર જીત સાથે ફરી સરકાર બનાવશે. ભાજપ 89 બેઠકો પર જીત સાથે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. આ ઉપરાંત, નીતિશ કુમારની પાર્ટી JDU ને 85 બેઠક, ચિરાગ પાસવાનની પાર્ટી LJPR ને 19 બેઠક, જીતન રામ માંજીની પાર્ટી HAMને 5 બેઠક અને RLM ને 4 બેઠક પર જીત મળી છે.

બીજી બાજુ, મહાગઠબંધનના સૂંપડા સાફ થઈ ગયા છે. મહાગઠબંધન ફક્ત 35 બેઠકો પર સમેટાઈ ગયું. મહાગઠબંધનમાં તેજસ્વી યાદવની પાર્ટી RJD એ સૌથી વધુ 25 બેઠક પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે 6 બેઠક પર અને અન્ય સહયોગી પક્ષોએ 4 બેઠક પર જીત મેળવી છે.