India

માત્ર રાજીનામાથી કામ નહીં ચાલે! કોંગ્રેસની બીજી બે માંગ, કહ્યું- લડત હજુ યથાવત છે

By GS Team
26 Jul 20262 mins read
TukuTouch Logo
NEET પેપર લીક મામલે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પણ કોંગ્રેસે આ મુદ્દો સળગતો રાખ્યો છે. કોંગ્રેસે હવે 2 નવી માંગણીઓ કરી છે, જેમાં વિદ્યાર્થીઓ પર હુમલો કરનારાઓ સામે કાર્યવાહી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરમાં માફી માંગે તેવી માંગ કરાઈ છે. આ મામલે રાજકીય ગરમાવો યથાવત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માત્ર રાજીનામાથી કામ નહીં ચાલે! કોંગ્રેસની બીજી બે માંગ, કહ્યું- લડત હજુ યથાવત છે

Congress Demands PM Modi Apology : નીટ (NEET) પેપર લીક મામલે વધતા રાજકીય દબાણ અને દેશભરમાં થયેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. આ મુદ્દાને લઈને જંતર-મંતર પર 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ આંદોલનના સમર્થનમાં સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે 25 દિવસ સુધી ઉપવાસ પણ કર્યા હતા. આ સિવાય હજારો વિદ્યાર્થીઓએ પણ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

સરકાર જવાબદારી નક્કી કરવામાં નિષ્ફળઃવિપક્ષ

આ સમગ્ર મામલે કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો પણ સતત કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી નેતાઓ અને કાર્યકર્તાઓએ વડાપ્રધાન નિવાસસ્થાનનો ઘેરાવ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. વિપક્ષનો આરોપ હતો કે, પરીક્ષા પ્રણાલીમાં થયેલી ગડબડો અને પેપર લીકના મામલે સરકાર જવાબદારી નક્કી કરવામાં નિષ્ફળ રહી છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી પણ, કોંગ્રેસ આ મુદ્દાને પૂરો થયેલો માનવા તૈયાર નથી. પાર્ટીનું કહેવું છે કે, માત્ર રાજીનામું આપવું પૂરતું નથી. કોંગ્રેસે આ મામલે વધુ 2 નવી માંગણીઓ સામે રાખી છે.

કોંગ્રેસની 2 નવી માંગણીઓ શું છે?

હુમલાખોરો સામે કાર્યવાહી: કોંગ્રેસની પહેલી માંગ છે કે, વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ પર કથિત રીતે હુમલો કરનારા લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવે. પાર્ટીનું કહેવું છે કે, વિરોધ પ્રદર્શન દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહાર થયો હતો, તેથી તેમાં જવાબદાર લોકો સામે પગલાં લેવાવા જોઈએ.

પીએમ મોદી માફી માંગે: પાર્ટીની બીજી માંગ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમગ્ર મામલે દેશના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોની જાહેરમાં માફી માંગે. કોંગ્રેસનો આરોપ છે કે, પરીક્ષા પ્રણાલીમાં થયેલી ગડબડો અને તેનાથી ઊભી થયેલી પરિસ્થિતિઓએ લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય પ્રભાવિત કર્યું છે, તેથી સરકારે પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પણ આ મુદ્દે રાજકીય નિવેદનબાજી ચાલુ છે. હવે સૌની નજર એ વાત પર છે કે, સરકાર કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોની આ નવી માંગણીઓ પર શું વલણ અપનાવે છે.