Ram Madhav Statement Controversy: ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે અમેરિકામાં આપેલા એક નિવેદનથી ભારતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. વોશિંગ્ટનમાં આયોજિત એક કોન્ફરન્સમાં તેમણે દાવો કર્યો હતો કે, ભારતે અમેરિકા સાથેના સંબંધો સાચવવા માટે રશિયા અને ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે. આ નિવેદન બાદ વિપક્ષી પાર્ટી કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે.
શું કહ્યું રામ માધવે?
વોશિંગ્ટનમાં હડસન ઇન્સ્ટિટ્યૂટ કોન્ફરન્સ દરમિયાન ભારત-અમેરિકા વચ્ચેના ભરોસા પર બોલતા રામ માધવે કહ્યું કે, ભારતે અમેરિકા સાથે સારા સંબંધો જાળવવા માટે શું નથી કર્યું? અમે ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા સંમત થયા. વિપક્ષની ભારે ટીકા છતાં, અમે રશિયા પાસેથી પણ ઓઇલ ખરીદવાનું બંધ કરવા સંમત થયા. ભારતે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50% ટૅરિફનો પણ વિરોધ ન કર્યો અને નવી ટ્રેડ ડીલમાં 18% ટૅરિફ પર પણ સહમતિ દર્શાવી. રામ માધવનો સવાલ હતો કે, આટલું કરવા છતાં એવા કયા મુદ્દા છે જ્યાં ભારત પાછળ રહી ગયું છે?
કોંગ્રેસનો વળતો પ્રહાર મોદી ટ્રમ્પની કઠપૂતળી
રામ માધવનો વીડિયો વાયરલ થતાં જ કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, રાષ્ટ્રહિત સાથે સમજૂતી: મોદી સરકારે ટ્રમ્પ પ્રશાસનને ખુશ કરવા માટે દેશના હિતોનું બલિદાન આપ્યું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, પીએમ મોદી ટ્રમ્પના ઇશારે કામ કરી રહ્યા છે અને તેથી જ ટ્રમ્પ ભારતને નરક કહે તો પણ મોદી મૌન રહે છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, અમેરિકા પીએમ મોદીને કોઈ વાત માટે બ્લેકમેલ કરી રહ્યું છે, જેના કારણે ભારત સરેન્ડર કરી રહ્યું છે.
વિવાદ વધતાં રામ માધવે માફી માંગી
ચારેબાજુથી ઘેરાયા બાદ રામ માધવે તાત્કાલિક સ્પષ્ટતા કરી અને માફી માંગી હતી. તેમણે જણાવ્યું કે, તેમણે જે કહ્યું તે તથ્યોની દૃષ્ટિએ ખોટું હતું. ભારતે રશિયા પાસેથી ઓઇલની આયાત ક્યારેય બંધ કરી નથી. ભારતે 50% ટૅરિફનો હંમેશા જોરદાર વિરોધ કર્યો છે. તેમણે સ્વીકાર્યું કે પેનલ ચર્ચામાં તર્ક આપતી વખતે તેમનાથી ભૂલ થઈ હતી.
શું છે વાસ્તવિક સ્થિતિ?
ગયા વર્ષે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય આયાત પર 50% ટૅરિફ લગાવ્યો ત્યારે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. અમેરિકાનું દબાણ હતું કે ભારત રશિયા પાસેથી ઓઇલ ન ખરીદે. જોકે, ભારતે રશિયા સાથેનો વેપાર સંપૂર્ણ બંધ કરવાને બદલે ઘટાડ્યો હતો અને બેકચેનલ ડિપ્લોમસી ચાલુ રાખી હતી. તાજેતરમાં ફેબ્રુઆરીમાં થયેલી વાતચીત બાદ ટ્રમ્પે ટૅરિફ ઘટાડીને 18% કર્યો છે, પરંતુ હજુ અંતિમ સમજૂતી પર હસ્તાક્ષર થવાના બાકી છે.


