India

3 રાજ્યો અને 11 રાજ્યસભાની બેઠક... બિહારમાં NDA ફસાયું તો હરિયાણા-ઓડિશામાં કોંગ્રેસ ટેન્શનમાં

By GS TEAM
16 Mar 20262 mins read
TukuTouch Logo
દેશના ત્રણ રાજ્યો બિહાર, હરિયાણા અને ઓડિશાની ખાલી પડેલી 11 રાજ્યસભા બેઠકો માટે સોમવારે (16મી માર્ચ) મતદાન થઈ રહ્યું છે. ફાળવવામાં આવેલી બેઠકો કરતાં ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી ટક્કર અત્યંત રસપ્રદ બની છે. ખાસ કરીને બિહારમાં પાંચમી બેઠક માટે જંગ જામ્યો છે, જ્યાં ઓવૈસીની પાર્ટીના બદલાયેલા વલણે NDAની ચિંતા વધારી દીધી છે. બીજી તરફ, હરિયાણા અને ઓડિશામાં કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તૂટવાનો ભય સતાવી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

3 રાજ્યો અને 11 રાજ્યસભાની બેઠક... બિહારમાં NDA ફસાયું તો હરિયાણા-ઓડિશામાં કોંગ્રેસ ટેન્શનમાં

Rajya Sabha Elections: દેશના ત્રણ રાજ્યો બિહાર, હરિયાણા અને ઓડિશાની ખાલી પડેલી 11 રાજ્યસભા બેઠકો માટે સોમવારે (16મી માર્ચ) મતદાન થઈ રહ્યું છે. ફાળવવામાં આવેલી બેઠકો કરતાં ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી ટક્કર અત્યંત રસપ્રદ બની છે. ખાસ કરીને બિહારમાં પાંચમી બેઠક માટે જંગ જામ્યો છે, જ્યાં ઓવૈસીની પાર્ટીના બદલાયેલા વલણે NDAની ચિંતા વધારી દીધી છે. બીજી તરફ, હરિયાણા અને ઓડિશામાં કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તૂટવાનો ભય સતાવી રહ્યો છે.

બિહારમાં પાંચમી બેઠક માટે ખરાખરીનો જંગ

બિહારની 5 બેઠકો માટે 6 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ અને JDUના બબ્બે ઉમેદવારોની જીત નિશ્ચિત મનાય છે, પરંતુ ખરી લડાઈ પાંચમી બેઠક માટે છે. નીતિશ કુમાર, રામનાથ ઠાકુર (JDU), નીતિન નવીન અને શિવેશ કુમાર (BJP). પાંચમા ઉમેદવાર તરીકે NDA સમર્થિત ઉપેન્દ્ર કુશવાહા મેદાનમાં છે. જ્યારે RJD તરફથી અમરેન્દ્ર ધારી સિંહ મેદાનમાં છે.  એક બેઠક જીતવા 41 મતોની જરૂર છે. NDA પાસે 202 ધારાસભ્યો છે, પરંતુ કુશવાહાને જીતવા માટે વધારાના 3 મતોની જરૂર છે. જ્યારે અસદુદ્દીન ઓવૈસીની AIMIM ના 5 ધારાસભ્યો અને બસપાના 1 ધારાસભ્યએ RJDને ટેકો જાહેર કરતા વિપક્ષનો આંકડો 41ની નજીક પહોંચી ગયો છે, જે કુશવાહા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

આ પણ વાંચો: 5 રાજ્યોનો ઓપિનિયન પોલ, બંગાળમાં ભાજપ માટે 'મિશન ઈમ્પોસિબલ', કોંગ્રેસ માટે કપરા ચઢાણ

ઓડિશામાં બીજેડી અને ભાજપ વચ્ચે ખેંચતાણ

ઓડિશાની 4 બેઠકો માટે 5 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે. અહીં એક બેઠક જીતવા 30 પ્રથમ પસંદગીના મતોની જરૂર છે. ભાજપે મનમોહન સમાલ, સુજીત કુમાર અને અપક્ષ દિલીપ રેને સમર્થન આપ્યું છે. BJDએ સંત્રુત મિશ્રાને ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસ ડૉ. દત્તેશ્વર મિશ્રાને ટેકો આપી રહી છે. ભાજપ પાસે 82 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જે 3 બેઠકો માટે જરૂરી આંકડાથી 8 ઓછું છે. BJD અને કોંગ્રેસ મળીને ચોથી બેઠક જીતી શકે તેમ છે, પરંતુ BJDમાં બળવાખોર સૂર અને કોંગ્રેસમાં ક્રોસ-વોટિંગના ભયે ગણિત ગૂંચવ્યું છે.

હરિયાણામાં કોંગ્રેસના ધારાસભ્યો શિફ્ટ કરાયા

હરિયાણાની 2 બેઠકો માટે 3 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપના સંજય ભાટિયાની જીત નક્કી છે, પરંતુ બીજી બેઠક પર પેચ ફસાયો છે. કોંગ્રેસના કરમવીર બૌદ્ધ અને ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર સતીષ નંદલ વચ્ચે સીધી ટક્કર છે. કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને તૂટતા બચાવવા શિમલા મોકલી દીધા છે. ભૂતકાળમાં હરિયાણામાં રાજ્યસભા ચૂંટણી દરમિયાન થયેલા ક્રોસ-વોટિંગના કડવા અનુભવોને જોતા કોંગ્રેસ હાઈકમાન્ડ આ વખતે કોઈ જોખમ લેવા માંગતું નથી.