ADR રિપોર્ટ: લોકસભા કરતાં રાજ્યસભાના સાંસદો માલદાર, જાણો કઈ પાર્ટીના MP સૌથી વધુ અમીર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajya Sabha MPs Richer Than Lok Sabha ADR Report : દેશની સંસદમાં રાજકારણની સાથે સાથે સંપત્તિના આંકડા પણ નવા રૅકોર્ડ બનાવી રહ્યા છે. એક તરફ લોકસભામાં કરોડપતિ સાંસદોની સંખ્યા સતત વધી રહી છે, તો બીજી તરફ સરેરાશ સંપત્તિના મામલામાં રાજ્યસભાના સાંસદો લોકસભા કરતાં ઘણા આગળ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR)ના અહેવાલ મુજબ, રાજ્યસભાના વર્તમાન સાંસદોની સરેરાશ જાહેર કરાયેલી સંપત્તિ 115.25 કરોડ રૂપિયા છે, જ્યારે 2024માં ચૂંટાયેલા લોકસભા સાંસદોની સરેરાશ સંપત્તિ 46.34 કરોડ રૂપિયા છે. એટલે કે, બંને ગૃહોના સાંસદો વચ્ચે સરેરાશ સંપત્તિમાં લગભગ 69 કરોડ રૂપિયાનો તફાવત છે. આનો અર્થ એ પણ થાય છે કે, રાજ્યસભાના સાંસદો, લોકસભાના સાંસદો કરતાં લગભગ અઢી ગણા વધુ માલદાર છે.
લોકસભામાં કરોડપતિ સાંસદોની સંખ્યા સતત વધી રહી છે. 2024ની ચૂંટણીમાં ચૂંટાયેલા 543 સાંસદોમાંથી 504 સાંસદો કરોડપતિ છે. એટલે કે દર 100માંથી 93 સાંસદોની જાહેર કરાયેલી સંપત્તિ એક કરોડ રૂપિયાથી વધુ છે. જો છેલ્લા ચાર લોકસભા ચૂંટણીના આંકડા જોઈએ તો, સાંસદોની સંપત્તિ સતત વધતી દેખાય છે. વર્ષ 2009માં માત્ર 58% સાંસદો કરોડપતિ હતા. 2014માં આ આંકડો વધીને 82%, 2019માં 88% અને 2024માં 93% થઈ ગયો. એટલે કે 15 વર્ષમાં કરોડપતિ સાંસદોની ટકાવારીમાં 35 પોઇન્ટનો વધારો થયો છે.
રાજ્યસભાના સાંસદોની સંપત્તિનો ડેટા
10 કરોડ રૂપિયાથી વધુ: 97 સાંસદ (42%)
5 કરોડથી 10 કરોડ રૂપિયા વચ્ચે: 40 સાંસદ (17%)
1 કરોડથી 5 કરોડ રૂપિયા વચ્ચે: 69 સાંસદ (30%)
રાજ્યસભા કેમ વધુ માલદાર છે?
રાજ્યસભાના 226 વર્તમાન સાંસદોની કુલ સંપત્તિ 26,047 કરોડ રૂપિયા છે. લોકસભામાં કરોડપતિ સાંસદોની સંખ્યા વધુ છે, પરંતુ સરેરાશ સંપત્તિના મામલામાં રાજ્યસભા ઘણી આગળ છે.
રાજ્યસભામાં કેટલાક પક્ષોના સાંસદોની સરેરાશ સંપત્તિ અત્યંત વધારે છે. BRSના 3 સાંસદોની સરેરાશ સંપત્તિ 1841.39 કરોડ રૂપિયા છે. આ પછી સમાજવાદી પાર્ટીના સાંસદોની સરેરાશ સંપત્તિ 399.71 કરોડ રૂપિયા, ટીડીપી(TDP)ના સાંસદોની 251.95 કરોડ રૂપિયા, YSRCPના સાંસદોની 170.88 કરોડ રૂપિયા, એનસીપી(NCP)ના સાંસદોની 149.35 કરોડ રૂપિયા અને કોંગ્રેસના સાંસદોની સરેરાશ સંપત્તિ 130.37 કરોડ રૂપિયા છે. ભાજપના રાજ્યસભા સાંસદોની સરેરાશ સંપત્તિ 76.46 કરોડ રૂપિયા છે. જ્યારે AITCના 9 રાજ્યસભા સાંસદોની સરેરાશ સંપત્તિ 16.72 કરોડ રૂપિયા અને DMKના 8 રાજ્યસભા સાંસદોની સરેરાશ સંપત્તિ 11.90 કરોડ રૂપિયા છે.

લોકસભામાં કયા પક્ષના સાંસદ સૌથી અમીર?
લોકસભામાં સરેરાશ સંપત્તિના મામલામાં તેલુગુ દેશમ પાર્ટી(TDP) સૌથી આગળ છે. પાર્ટીના 16 સાંસદોની સરેરાશ સંપત્તિ 442.26 કરોડ રૂપિયા છે. આ પછી ભાજપના 240 સાંસદોની સરેરાશ સંપત્તિ 50.04 કરોડ રૂપિયા, ડીએમકેના 22 સાંસદોની 31.22 કરોડ રૂપિયા, કોંગ્રેસના 99 સાંસદોની 22.93 કરોડ રૂપિયા, એઆઈટીસીના 29 સાંસદોની 17.98 કરોડ રૂપિયા અને સમાજવાદી પાર્ટીના 37 સાંસદોની સરેરાશ સંપત્તિ 15.24 કરોડ રૂપિયા છે.
કરોડપતિ સાંસદોમાં ઘણા પક્ષોનો 100% રૅકોર્ડ
લોકસભામાં કેટલાક પક્ષોના તમામ વિજેતા ઉમેદવારો કરોડપતિ છે. ટીડીપી, જેડીયુ, શિવસેના(યુબીટી), શિવસેના, લોક જનશક્તિ પાર્ટી(રામવિલાસ), આરએલડી, આમ આદમી પાર્ટી, આઈયુએમએલ અને એનસીપીના તમામ સાંસદો કરોડપતિ છે. ભાજપના 240માંથી 227 સાંસદ(95%), ડીએમકેના 22માંથી 21(95%), કોંગ્રેસના 99માંથી 92(93%), એઆઈટીસીના 29માંથી 27(93%) અને સમાજવાદી પાર્ટીના 37માંથી 34 સાંસદ(92%) કરોડપતિ છે.
સંસદમાં સૌથી અમીર સાંસદ કોણ?
લોકસભાના સૌથી અમીર સાંસદ ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની(TDP) છે. તેમની જાહેર કરાયેલી સંપત્તિ 5,705 કરોડ રૂપિયાથી વધુ છે. બીજા સ્થાને ભાજપના કોંડા વિશ્વેશ્વર રેડ્ડી છે, જેમની સંપત્તિ 4,568 કરોડ રૂપિયાથી વધુ છે. ત્રીજા સ્થાને ભાજપના નવીન જિંદલ છે, જેમની સંપત્તિ 1,241 કરોડ રૂપિયાથી વધુ છે. ત્યારબાદ ટીડીપીના પ્રભાકર રેડ્ડી વેમિરેડ્ડી અને ભાજપના સી. એમ. રમેશનું સ્થાન આવે છે.
રાજ્યસભામાં સૌથી અમીર સાંસદ ડૉ. બંદી પાર્થ સારથી(BRS) છે. તેમની જાહેર કરાયેલી સંપત્તિ 5,300 કરોડ રૂપિયાથી વધુ છે. બીજા સ્થાને ભાજપના રાજીન્દર ગુપ્તા છે, જેમની સંપત્તિ 5,053 કરોડ રૂપિયાથી વધુ છે. રાજીન્દર ગુપ્તા તાજેતરમાં જ AAP છોડીને BJPમાં ગયા છે. ત્રીજા સ્થાને YSRCPના અલ્લા અયોધ્યા રામી રેડ્ડી છે, જેમની જાહેર કરાયેલી સંપત્તિ 2,577 કરોડ રૂપિયાથી વધુ છે.
શું બદલાઈ રહી છે સંસદની તસવીર?
આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે, સંસદમાં પૈસાવાળા જનપ્રતિનિધિઓની સંખ્યા સતત વધી રહી છે. લોકસભામાં કરોડપતિ સાંસદોની ટકાવારી રૅકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જ્યારે રાજ્યસભાના સાંસદો સરેરાશ ઘણી વધારે સંપત્તિ ધરાવે છે. આ જ કારણ છે કે, કરોડપતિઓની સંખ્યા ભલે લોકસભામાં વધુ હોય, પરંતુ સરેરાશ સંપત્તિના આધારે રાજ્યસભાના સાંસદો વધુ માલદાર સાબિત થાય છે. આ જ તસવીર આજની ભારતીય સંસદની નવી હકીકત પણ દર્શાવે છે.









