Rare Earth In Rajasthan : ભારતને પશ્ચિમ રાજસ્થાના બાડમેર જિલ્લામાંથી ચીનને ટક્કર આપતો મોટો ખજાનો હાથ લાગ્યો છે. જિલ્લાના સિવાન વિસ્તારની ધરતીમાંથી નિયોબિયમ (Niobium) જેવો રેર અર્થનો ખનીજનો મોટો જથ્થો મળી આવ્યો છે, જેના કારણે ભારતને એક મોટી સફળતા મળી છે. આ ખનીજનું ઘનત્વ વિશ્વના સરેરાશ ઘનત્વ કરતાં 100 ગણું વધુ હોવાનું સામે આવ્યું છે.
સિવાનામાં નિયોબિયમ અને અન્ય રેર અર્થ તત્ત્વોનો જથ્થો મળ્યો
ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ(GSI)ના પ્રારંભિક રિપોર્ટ મુજબ, સિવાનાના ખડકોમાં નિયોબિયમ અને અન્ય રેર અર્થ તત્ત્વોના ઊંચા ઘનત્વ મળ્યા હોવાનો ખુલાસો થયો છે. આ રેર અર્થનો ઉપયોગ ઈલેક્ટ્રિક કાર, રોકેટ સાયન્સ, હાઇ-ટેક ડિફેન્સ સિસ્ટમ અને પરમાણુ ઊર્જા જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં થાય છે.
ચીનનું પ્રભુત્વ જોખમમાં, ભારતની જમીનમાંથી નીકળશે રેર અર્થ
આમ તો વિશ્વભરમાં મોટાભાગની રેર અર્થની માંગ ચીન જ પૂરી પાડે છે, ત્યારે આ નવી શોધના કારણે હવે ચીનનું પ્રભુત્વ જોખમમાં મૂકાશે. ભારત વૈશ્વિક ટૅક્નોલૉજી બજારમાં ચીનના પ્રભુત્વને તોડવાની ક્ષમતા મેળવશે. ઈલેક્ટ્રિક કારથી લઈને મિસાઇલ રૉકેટ અને પરમાણુ ઊર્જા સુધીના હાઇ-ટેક ઉદ્યોગોમાં ઉપયોગ થતો રેર અર્થ હવે ચીનના બદલે ભારતની જમીનમાંથી નીકળશે.
આ પણ વાંચો : દેશભરના ડિજિટલ એરેસ્ટના કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
જમીનમાં લગભગ 15 પ્રકારના લેન્થેનોઇટ ગ્રૂપના ખનીજો
સિવાના રિંગ કોમ્પ્લેક્સમાં ગેલિનિયમ, રુબિડિયમ, ઈપ્રીયમ, થોરિયમ, યુરેનિયમ અને સીરિયમ સહિત લગભગ 15 પ્રકારના લેન્થેનોઇટ ગ્રૂપના ખનીજો મળી આવ્યા છે. આ ખનીજોનો ઉપયોગ સુપર કંડક્ટર, મેગ્નેટ, ઈલેક્ટ્રોનિક પોલિસિંગ, ઓઇલ રિફાઇનરીમાં કેટાલિસ્ટ અને હાઇબ્રિડ કારના ઘટકો માટે થાય છે.
લગભગ રૂ.900 અબજથી વધુનો ખજાનો હોવાનો અંદાજ
સિવાનામાં કમઠાઈ, દાંતા, લંગેરા, રાખી, થાપન, ભાટીખેડા, ફૂલણ અને ડંડાલી જેવા વિસ્તારોમાં આ મોટા ભંડારો હોવાનું સામે આવ્યું છે. સિવાનાની પહાડીઓમાં લગભગ 900 અબજ રૂપિયાથી વધુનો ખજાનો છુપાયેલો હોવાનો અંદાજ છે, જેમાંથી લગભગ 6 હજાર મેટ્રિક ટનનું ઉત્પાદન થવાની સંભાવના છે. આ રેર અર્થના ઉપયોગ માટે સિવાનાના ભાટીખેડા બ્લોકને ઓક્શન કરવામાં આવશે.
આ પણ વાંચો : દિલ્હીમાં વધતા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે સરકારની આકરી ઝાટકણી કાઢી


